Page Views: 12102

તાપીના જિલ્લા શિક્ષણ અધિકારી અને ક્લાર્ક રૂ.10 લાખની લાંચ માંગતા બન્નેની ધરપકડ

સ્કૂલને વારંવાર નોટિસ આપીને લાંચ પેટે રૂ.10 લાખ માંગ્યા હતા- એસીબીએ બી એમ પટેલ અને ક્લાર્ક રવિન્દ્ર પટેલને ઝડપી પાડ્યા

સુરત-17-10-2020

તાપી જિલ્લાના શિક્ષણ અધિકારી અને તેમનો ક્લાર્ક સ્કૂલને નોટિસ આપીને આ નોટિસ દફતરે કરવા માટે રૂપિયા દસ લાખની માંગણી કરતા હતા. આ અંગે એસીબીને ફરિયાદ કરવામાં આવતા એસીબીની ટીમે ગઇ રાત્રે છટકું ગોઠવ્યું હતું જો કે, ક્લાર્ક અને શિક્ષણ અધિકારી લાંચની રકમ સ્વિકારવા આવ્યા ન હતા અને નાસી છુટવાનો પ્રયાસ કરતા એસીબીની ટીમે આ બન્નેને ઝડપી લીધા હતા.

વિગતો અનુસાર, તાપી જિલ્લાની એક શાળાને જિલ્લા શિક્ષણ અધિકારી બી એમ પટેલ દ્વારા ઉપરા ઉપરી નોટિસ આપવામાં આવી હતી. સ્કૂલ સંચાલકો અને આચાર્ય દ્વારા આ નોટિસનો મામલો પતાવવા માટે ક્લાર્કનો સંપર્ક કરવામાં આવ્યો હતો. જેથી ક્લાર્ક રવિન્દ્ર પટેલે સમગ્ર મામલાની પતાવટ માટે સાહેબ દ્વારા રૂપિયા દસ લાખ આપવા પડશે એવુ કહ્યું હતું. સ્કૂલના આચાર્યને લાંચની રકમ આપવી ન હતી અને તેમણે એસીબીમાં ફરિયાદ કરી હતી. ગત રાત્રીએ રૂપિયા દસ લાખ લાંચ પેટે આપવા એવુ નક્કી કરવામાં આવતા તાપી જિલ્લા એસીબીની ટીમ દ્વારા છટકુ ગોઠવવામાં આવ્યું હતું. જો કે, જિલ્લા શિક્ષણ અધિકારી બી એમ પટેલ અને ક્લાર્ક રવિન્દ્રને આ અંગે ગંધ આવી જતા તેમણે લાંચની રકમ સ્વિકારી ન હતી અને તેઓએ નાસી છુટવા માટે પ્રયાસ કર્યો હતો. પહેલેથી જ સતર્ક એવા એસીબીના અધિકારીઓએ આ બન્નેને ઝડપી લીધા હતા અને જિલ્લા શિક્ષણ અધિકારી બી એમ પટેલ તેમજ ક્લાર્ક રવિન્દ્ર પટેલની સત્તાવાર ધરપકડ કરીને બન્નેની પુછપરછ હાથ ધરી હતી.