Page Views: 6327

વરાછા બેન્કના કર્મચારીના પરિવારને અપાઇ રૂ.25 લાખની સહાય

વરાછા બેન્કે રૂ. બે હજાર કરોડની થાપણના વિશ્વાસ સાથે 25 વર્ષ પૂર્ણ કર્યા- રક્તદાન સપ્તાહમાં 1281 યુનિટનું રક્તદાન

સુરત-16-10-2020

બેન્કીંગ સેવા સાથે સામાજીક ઉત્તરદાયિત્વ નિભાવવામાં વરાછા બેન્ક અગ્રેસર રહી છે. બેન્કીંગ સેવાના 25 વર્ષ પુરણ કરી વરાછા બેન્કે 26માં વર્ષમાં પ્રવેશ કર્યો છે સ્થાપના દિવસ નિમિત્તે આયોજીત કાર્યક્રમમાં બ્રેઇન ટ્યુમરથી અવસાન પામેલા યુવાન કર્મચારી તેજેન્દ્ર ભાઇ ભુવાના પરિવારને રૂ.25 લાખનો વીમાનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો. ખુબ જ સામાન્ય પરિસ્થિતિના ગામ ખડાધાર તાલુકો, ખાંભાના ખેડૂત ધીરૂભાઇ પોપટ ભાઇ ભુવાના એકના એક દિકરા તેજેન્દ્ર ભુવાનું અવસાન થતા તેઓ એકલા થઇ ગયા હતા. ત્યારે વરાછા બેન્કની દીર્ઘદ્રષ્ટિ અને કર્મચારીના પરિવારને અપાયેલી વીમા સુરક્ષાને કારણે આઝે કુલ 33 લાખ 56 હજારની સહાય તેમને મળી છે. હજુ ગત તા. 22.8.2020ના રોજ તેજેન્દ્રભાઇનું અવસાન થયું હતું. તેમને બેન્ક તરફથી લેવામાં આવેલા વીમાના રૂ.25 લાખ, વડા પ્રધાન વીમા યોજનાના રૂ.2 લાખ, મેડીક્લેઇમના રૂ.3 લાખ તેમજ ગ્રેજ્યુઇટી સ્કીમના રૂ. 3.56 લાખ મળી કુલ રૂ.33.56 લાખ આજે તેમના પિતાને અર્પણ કરી વ રાછા બેન્કે પરિવારને સુરક્ષા પુરી પાડી છે. વરાછા બેન્કના સ્થાપનાના 25 વર્ષ પુરણ થયા તે નિમિતે યોજાયેલા આજના કાર્યક્રમમાં સ્થાપક ચેરમેન પી બી ઢાંકેચાનું સ્ટાફ પરિવાર વતી વિશેષ સન્માન કરવામાં આવ્યુ હતું. આ પ્રસંગે લોક સમર્પણ રક્તદાન કેન્દ્રના પ્રમુખ હરિભાઇ કથિરીયા, ડાયમંડ હોસ્પિટલ સમિતિના ચેરમેન સી પી વાનાણી મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. વર્ષો સુધી વરાછા બેન્કના જનરલ મેનેજર તરીકે રહ્યા પછી નિવૃતિ પછી પણ બેન્ક સાથે જોડાયેલા રહેલા એ ડી ભલાણી નું પણ વિશેષ સન્માન કરવામાં આવ્યુ હતું. રૂ. 1914 કરોડ થાપણ મુકી વરાછા બેન્કમાં વિશ્વાસ મુકનારા થાપણદારોનું પણ વિશેષ સન્માન કરવામાં આવ્યુ હતું.

રક્તદાન સપ્તાહ---

 

શહેરમાં હાલમાં રક્તની અછત છે ત્યારે વરાછા બેન્ક દ્વારા યોજવામાં આવેલા રક્તદાન સપ્તાહની ઉજવણીમાં કુલ 1281 યુનિટ રક્ત એકત્ર થયુ છે. સિલ્વર જ્યુબિલી વર્ષ નિમિત્તે વરાછા બેન્કની 23 શાખાઓમાં આયોજીત રક્તદાન શિબિરોમાં રક્તદાતાઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. લોક સમર્પણ રક્તદાન કેન્દ્ર, રેડ ક્રોસ બ્લડ બેન્ક સુરત, નવસારી, કુમારપાળ ગાંધી બ્લડ બેન્ક, અંકલેશ્વર તથા વ્હાઇટ ક્રોસ બ્લડ બેન્ક અમદાવાદ વિગેરેને આ તમામ યુનિટોનું દાન કરવામાં આવ્યુ હતું.

 

કોરોના યોધ્ધાઓનું સન્માન

કોવિડ 19ના આ સમયમાં સફાઇ કામ કરતા કર્મચારી પણ કોરોના યોધ્ધા છે ત્યારે તેમના નાના માણસના કામની નોંધ લઇને તેઓને વિશેષ સન્માનિત કરી તેમના કામને મહત્વ અને પ્રોત્સાહન આપવામાં આવ્યુ છે. સિલ્વર જ્યુબિલી વર્ષ નિમિત્તે વરાછા બેન્કની 23 શાખાઓમાં રક્તદાન શિબેરોની સાથે પાંચ પાંચ સફાઇ કામદારોનું સન્માન કરવામાં આવ્યુ હતું. જેમાં કુલ 111 સફાઇ કર્મીઓને બહુમાન કરીને વરાછા બેન્ક દ્વારા તેની સામાજીક જવાબદારી અદા કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. વરાછા બેન્કના સ્થાપક ચેરમેન પી બી ઢાંકેચા સહિત હાલના ચેરમેન કાનજીભાઇ ભાલાળા સહિતના અગ્રણીઓ દ્વારા ચેક અર્પણ કરવામાં આવ્યા હતા.

25 વર્ષ પહેલા તા.16.10.1995ના રોજ બેન્કીંગ કામ શરૂ કરનાર ધી વરાછા કો-ઓપરેટીવ બેન્ક લિ. સુરતને નક્કર પ્રગતિ કરી છે. માત્ર 25 વર્ષમાં રાજ્યની સહકારી બેન્કોમાં ટોપ ટેનમાં સ્થાન પ્રાપ્ત કર્યુ છે. બેન્કના ચેરમેન કાનજીભાઇ ભાલાળાએ આ અંગે જણાવ્યું હતું કે, વરાછા બેન્કની સિલ્વર જ્યુબીલી વર્ષમાં અનેકવિધ કાર્યક્રમોનું આયોજન થયું હતું. પરંતુ કોવિડના સમયમાં કાર્યક્રમો થઇ શક્યા નથી. જો કે, ગુજરાત સરકાર તરફથી મહત્વની એવી આત્મનિર્ભર ગુજરાત સહાય યોજનામાં વરાછા બેન્કે કુલ 7179 લોકોને રૂ.62 કરોડની લોન ખુબ ઝડપથી આપીને આવા કપરા સમયમાં લોકોની મુશ્કેલીમાં સહાય કરી છે. 49 હજાર 905 સભાસદો, કુલ 491511 ખાતેદારોએ મુકેલા વિશ્વાસને કારણે કુલ 1914 કરોડની થાપણ અને રૂ.921 કરોડના ધીરાણ સાથે વરાછા બેન્ક રાજ્યની અગ્રણી બેન્ક બની છે.

બેન્કના જનરલ મેનેજર વિઠ્ઠલભાઇ ધાનાણીએ માહિતી આપતા કહ્યું હતું કે, વર્ષ દરમ્યાન સ્મીમેર હોસ્પિટલમાં દર્દીઓને ખીચડી વિતરણ, સહકાર સપ્તાહ દરમ્યાન રક્તદાન શિબિર અને વિશ્વ મહિલા દિવસ અંગે પણ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. કોરોનાના કપરા સમયમાં લોકોના જીવન બચાવવા માટે પ્લાઝમા ડોનેશન જાગૃતિ અભિયાનમાં 71 વ્યક્તિએ પ્લઝમાંડોનેશન કર્યુ છે અને 200 જેટલી ગંગા સ્વરૂપ બહેનોને રાશન કિટ વિતરણ કરવામાં આવી હતી. પોલીસ જવાનોને માસ્ક વિતરણ કોરોના જાગૃતિ માટે વેબિનાર પણ યોજવામાં આવ્યા હતા.