Page Views: 10742

ફિલ્મોની અજાણી વિગતોનો ખજાનો ભેગો કરનાર હરીશ રઘુવંશીને સલામ

મુકેશના ગીતોના પુસ્તકે હરીશ રઘુવંશીને ફિલ્મ જગતમાં જાણીતા બનાવ્યા

સુરત-નરેશ કાપડીઆ દ્વારા

હિંદી ફિલ્મોની આર્કિવ તૈયાર કરવામાં જેમનું ઘણું પ્રદાન છે તેવાં હરીશ રઘુવંશીનો આજે ૭૧ મો જન્મ દિવસ છે. ૧૫ ઓક્ટોબર, ૧૯૪૯ના રોજ પાલઘરમાં તેમનો જન્મ થયો હતો. મૂળે સુરતી એવા હરીશભાઈ સુરતનું અને ગુજરાતનું જ નહીં હિંદી ફિલ્મોના આંકડા, ઇતિહાસ અને ગીતોની દુર્લભ માહિતી ભેગી કરીને તેના રસિયાઓ સુધી પહોંચાડવાનું માનવંત કાર્ય કર્યું છે. તેમના ‘મુકેશ ગીત કોષ’ અને ‘ગુજરાતી ફિલ્મ ગીત કોષ’ના કાર્ય પી.એચડી. થી કમ નથી. ફિલ્મોની વિગતોના રીસર્ચર, સ્ટેટેસ્ટિક અને સેંકડો ફિલ્મોગ્રાફીઓના સર્જક હરીશભાઈને સલામ.

આજે આપણા જેવાં જૂની ફિલ્મો અને તેના ગીતોના રસિયાઓ ઇન્ટરનેટ પરથી જે સરળતાથી વિગતો મેળવીને વહેંચી શકીએ છીએ તેની પાછળ જેમનો દાયકાઓનો પરિશ્રમ હતો તેવા કાનપુરના હરમંદિર સિંઘ ‘હમરાઝ’એ છેક ફિલ્મો બોલતી થઈ ત્યારથી દર દસ વર્ષના સમય ગાળાના માહિતી પુસ્તકો બનાવ્યાં. જેમાં ફિલ્મના કલાકારો,ગીતકાર-સંગીતકાર,ગાયકોથી માંડીને ગીતના બોલ અને તેના રોકોર્ડ નંબર પણ નોંધવામાં આવ્યાં હતાં. આ આપણા દેશનું પહેલું એવું ખોજી ફિલ્મ પત્રકારત્વ હતું, જેને કારણે આજે સેંકડો વેબસાઈટ અને લેખકો એ દુર્લભ માહિતી સરળતાથી નિશુલ્ક મેળવી શકે છે. એ હમરાઝ અને આપણા હરીશભાઈ ખાસ મિત્રો. ચોકસાઈમાં એકબીજાથી ચડે એવાં એક બીજાથી પ્રેરિત મિત્રો.

મુકેશજી તેમના પ્રિય ગાયક. ૧૯૭૯માં એવી વાતો થતી કે મુકેશજીએ દસેક હજાર ગીતો ગાયા હશે. હરીશભાઈએ ‘મુકેશ ગીત કોષ’નો સંશોધનનો કપરો પ્રોજેક્ટ ચારેક વર્ષના પરિશ્રમથી પાર પાડ્યો. તેમણે દેશના વિવિધ સેન્સર બોર્ડની કચેરીઓ, ફિલ્મ નિર્માતાઓ અને અનેકાનેક કલાકારોનો સંપર્ક કરીને વિગતો ભેગી કરી. યાદ રહે, આ બધું તેમણે ઈન્ટરનેટ, કમ્પ્યુટર કે મોબાઈલ ફોન આવ્યાં પહેલાં કર્યું હતું. કોઈ અખબાર ગૃહ કે મોટી સંસ્થા ન કરી શકે તેવું કામ આ વ્યક્તિએ એકલપંડે કર્યું. તેમના જોશ, ધગશ અને ઉમળકાને સલામ. તેમની ધારણા મુજબ મુકેશજીએ ગયેલાં ગીતોની સંખ્યા બારસોથી વધતી નહોતી અને બન્યું પણ એવું જ. એ પુસ્તકે હરીશ રઘુવંશીને રાષ્ટ્રીય કક્ષાના ફિલ્મ સંશોધક રૂપે ખ્યાતનામ કર્યા.

તેજ રીતે ‘ગુજરાતી ફિલ્મ ગીત કોષ’ના તેમના કાર્યએ આપણને ગુજરાતી ફિલ્મોની દુર્લભ માહિતીઓ તો આપી જ પણ દેશની કોઈ એક ભાષાની ફિલ્મો પર થયેલાં સંશોધન કાર્યનો ઉત્તમ નમૂનો પુરો પાડ્યો. આજે આ બંને પુસ્તકો અપ્રાપ્ય છે. તેમની હાજરીમાં જ તેની સંવર્ધિત આવૃત્તિઓથાય તે માટે હરીશભાઈને જે જોઈએ તે સહાય આપવામાં આવે તો મોટું કામ થાય.

વર્ષો સુધી હરીશભાઈ હિંદી-ગુજરાતી ફિલ્મ સામયિકો અને અખબારોની ફિલ્મોની પૂર્તિઓમાં જાણીતા કલાકારોના ગીત-સંગીતની વિગતો, ફિલ્મોગ્રાફીપ્રગટ કરતા રહ્યા. એમનાથી પ્રભાવિત થઈને જ રોજેરોજકલાકારો પરના લેખો તૈયાર કરવાની પ્રેરણા મને પણ મળી છે. હું હરીશભાઈનોદાયકાઓથીપ્રસંશક છું, મિત્ર છું.

હરીશભાઈનકરીવિગતોના લેખક. શબ્દોનાસાથિયાપુરવા કે ઘુમાવીફેરવીને વાચકને અનેક ગલીઓમાં ફેરવીને રોડ પર લાવનારા લેખક એ નહીં. તેઓ સરળ ભાષામાં સીધી વાત કરે. આંકડાઓ અને માહિતી તો એવી રીતે આપે કે વાચક વિચારતો થઈ જાય. બીરેન કોઠારીએ તેમના બ્લોગમાંહરીશભાઈના લખાણનું એક ઉદાહરણ આપ્યું છે, ‘સંગીતકાર અવિનાશ વ્યાસની ફિલ્મોની સંખ્યા નૌશાદની ફિલ્મો  કરતા ત્રણ જ ઓછી છે અને રોશન કે હેમંત કુમારથી વધુ છે.’

તેમને હંમેશા યાદ કરાશે તેમના ‘ઇન્હેં ના ભુલાના’ પુસ્તકથી, જેમાં તેમણે ઓછા જાણીતા કલાકારો વિષે યાદગાર રોચક માહિતી આપી છે. જયારે વિગતો ભેગી કરવી દુષ્કર હતી, ઉદાસી હતી, એવા સમયની વિગતો મેળવવાનું સત્કર્મ આજે માહિતીનાઘોડાપુરમાં વિશેષ બિરદાવવું જોઈએ. અસલી વિગત સુધી પહોંચવાની તેમની ધગશ, જોશ, ચોકસાઈ, મદદરૂપ થવાનો ઉત્સાહ બેમિસાલ છે. એવા મિત્ર હરીશ રઘુવંશીને તેમના જન્મ દિને ખૂબ ખૂબશુભેચ્છાઓ.

- નરેશ કાપડીઆ ૧૫.૧૦.૨૦૨૦