Page Views: 4115

કોરોનાના કહેરમાં પણ ટ્યુશન ક્લાસીસ ચાલુ રાખનાર સરસ્વતી ક્લાસીસના સંચાલક વિરૂધ્ધ ગુનો નોંધાયો

વિડીયો વાયરલ થયા બાદ ઉધના પોલીસ હરકતમાં આવી

સુરત-15-10-2020

સુરત શહેરના  ઉધના વિસ્તારમાં આવેલા  ગાયત્રીનગરમાં સરસ્વતી ક્લાસીસમાં કોરોનાના કહેર વચ્ચે પણ  શિક્ષણ કાર્ય શરૂ હોવાનો વિડીયો બુધવારે વાયરલ થયા બાદ દોડી આવેલી ઉધના પોલીસે ક્લાસ સંચાલક વિરૂદ્ધ ગુનો નોંધી ધરપકડ કરી હતી. સંચાલકે પોલીસ સમક્ષ એવી કેફીયત રજૂ કરી હતી કે કોરોનાને લીધે ક્લાસ બંધ જ છે પરંતુ અગાઉના જે વિદ્યાર્થીને ગણિત અને વિજ્ઞાનના વિષયમાં સમજ પડતી ન હતી તે એકલ દોકલ ઉકેલ માટે આવ્યા હતા. જો કે, પોલીસે ક્લાસીસના સંચાલકની કોઇ વાત કાને ધરવા ઇન્કાર કરીને તેના વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

કોરોનાની ભયંકર  મહામારીના કારણે હાલ સમગ્ર રાજ્યમાં તમામ સ્કૂલો અને કોલેજો સહિત તમામ શિક્ષણ સંસ્થઓ બંધ જ રાખવાનો સરકારે નિર્ણય લીધો છે. સરકારે ખાનગી ટ્યુશન ક્લાસિસ પણ શરૂ કરવાની મંજૂરી આપી નથી. તેમ છતાં પણ ઉધનાના ગાયત્રીનગરમાં સરસ્વતી ક્લાસીસમાં શિક્ષણ કાર્ય શરૂ કર્યાનો વિડીયો બુધવારે વાયરલ થયો હતો. વિડીયોમાં વિદ્યાર્થીઓને સોશિયલ ડિસ્ટનસિંગ જાળવ્યા વગર નજીક બેસાડવામાં આવ્યા હોવાનું પણ નજરે ચઢ્યું હતું. આ વિડીયો વાયરલ થતા હરકતમાં આવેલી ઉધના પોલીસે બુધવારે રાત્રે ગાયત્રી સોસાયટી ખાતે આવેલા સરસ્વતી ક્લાસીસના સંચાલક રીંકેશ દિનેશચંદ્ર ભવાનીદાસવાલા વિરૂદ્ધ જાહેરનામાના ભંગ તેમજ એપેડેમિક એક્ટની કલમો મુજબ ગુનો નોંધી ધરપકડ કરી હતી. ક્લાસીસના સંચાલક રીંકેશ ભવાનીદાસવાલાએ પોલીસ સમક્ષ એવી કેફીયત રજૂ કરી હતી કે, કોરોનાને લીધે 22 માર્ચથી ક્લાસીસ બંધ જ છે અને કોઈ વિદ્યાર્થીને ક્લાસીસમાં બોલાવી ક્લાસ ચાલુ રાખ્યા નથી. પરંતુ અગાઉના જે વિદ્યાર્થીને ગણિત અને વિજ્ઞાનના વિષયમાં સમજ પડતી ન હતી તે એકલ દોકલ ઉકેલ માટે આવ્યા હતા અને તેમને વિષયની સમજ આપી તરત જ રવાના કરી દીધા હતા. બીજી તરફ વિદ્યાર્થીના વાલીઓ પણ દોડતા થયા હતા. જો કે, પોલીસે ક્લાસીસ સંચાલકને જ સાણસામાં લેવાનું વલણ અપનાવ્યું હતું.