Page Views: 1029

એશિયાના સૌથી મોટા જૂનાગઢના ગીરનાર રોપ વે નું આગામી 31મી વડા પ્રધાન લોકાર્પણ કરશે

રોપ વે ની ટેસ્ટીંગની કાર્યવાહી સંપન્ન થઇ ગઇ હોવાથી લોકોને હવે સાત મિનીટમાં ગીરનાર ચડવા મળશે

જૂનાગઢ-14-10-2020

જૂનાગઢવાસીઓ અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી નો ડ્રીમ પ્રોજેક્ટ ગિરનાર ઉપરનું કામ હવે પૂર્ણ આરે પહોંચ્યું છે. ગરવા ગિરનાર ઉપર સૌથી મોટો એશિયાનો રોપ વે બની રહ્યો છે અને આ રોપ-વેનું કામ હવે પૂર્ણતાને આરે પહોંચી ગયું છે. આગામી 15 દિવસમાં રોપ-વેની કામગીરી મહદ અંશે પૂર્ણ થઇ જશે. તેવી આશા સાંસદ રાજેશ ચુડાસમાએ વ્યક્ત કરી હતી. ત્યારે ઓક્ટોબરના અંતમાં ગિરનાર રોપવેનું ઉદઘાટન થશે તેવું માનવામાં આવી રહ્યું છે. આ મહત્વકાંક્ષી પ્રોજેક્ટનું ઉદ્ઘાટન નરેન્દ્ર મોદીના હસ્તે થશે. જોકે ડિજિટલ માધ્યમથી નરેન્દ્ર મોદી ઉદ્ઘાટન કરશે. આ દરમિયાન રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી જૂનાગઢ હાજર રહે તેવી શક્યતાઓ સેવાઇ રહી છે.- ગિરનાર રોપ-વેનું તમામ પ્રકારનું ટેસ્ટિંગ પૂર્ણ થઈ ચૂકી છે હવે માત્ર ફિનિશિંગ વર્ષ ચાલી રહ્યું છે, સાથે સાથે રોપ-વેની ટ્રોલીઓમાં વજન મૂકીને પરીક્ષણ કરવાની કામગીરી પણ પૂર્ણ થઈ ચૂકી છે અને આ કામગીરી ખૂબ જ સફળતાપૂર્વક પૂરી થઈ છે. હવે આગામી દિવસોમાં જરૂરી સર્ટિફિકેટની કામગીરી પૂરી કરી અને લોકાર્પણ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જાણ કરવામાં આવશે.

જુનાગઢ રોપ-વે ની ખાસિયત જોઈએ તો 2300 મીટર લંબાઈ અને 1000 મીટર ઊંચાઇ ધરાવતો આ એશિયાનો સૌથી મોટો રોપ વે છે. માત્ર સાત મિનિટમાં લોકો તળેટીથી અંબાજી સુધી પહોંચી જશે. ગિરનાર રોપ-વેમાં 25 ટ્રોલીઓ રાખવામાં આવી છે, જેમાં એક સાથે આઠ વ્યક્તિઓ બેસી શકે તેવી વ્યવસ્થા છે. આ બનાવવા માટે 9 ટાવર ઊભા કરવામાં આવ્યા છે. લોઅર સ્ટેશનમાં 3000 વ્યક્તિઓનો સમાવેશ થાય તેવી વ્યવસ્થા કરવામાં આવી છે, સાથે સાથે 25 ટ્રોલીઓમાંથી એક ટ્રોલી પૂરી પારદર્શક બનાવવામાં આવી છે. અપર સ્ટેશન ઉપર પણ 1500 વ્યક્તિઓનો સમાવેશ થાય તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.