Page Views: 2286

ગુજરાતી સુગમ સંગીતના દંતકથા સમાન ગાયિકા કૌમુદી મુનશીના સૂર શાંત થયાં

એક સમયે કૌમુદી મુનશીને ગુજરાતી ગાયકીમાં સમસ્યાનો સામનો કરવો પડતો હતો

સુરત-નરેશ કાપડીઆ દ્વારા

વિખ્યાત ગાયિકા કૌમુદી મુનશી નથી રહ્યાં. ૧૩ ઓક્ટોબરની વહેલી સવારે મુંબઈમાં ૯૩ વર્ષની વયે તેમના સૂર કાયમ માટે શાંત થયાં છે. તેઓ ગુજરાતી સુગમ સંગીત અને શાસ્ત્રીય-ઉપશાસ્ત્રીય ગાયકીના વિખ્યાત ગાયિકા હતાં. તેમના પતિ સ્વ. નીનુ મઝુમદાર ગુજરાતીના જાણીતા સંગીતકાર હતા અને દીકરા ઉદય મઝુમદાર જાણીતા ગાયક કલાકાર છે. 

૩ ફેબ્રુઆરી, ૧૯૨૯ના રોજ તેમનો જન્મ બનારસમાં થયો હતો. તેમના છ સાત પેઢીના પૂર્વ જો બનારસમાં રહ્યાં હતાં.  મૂળ તેઓ ગુજરાતના વડનગરના પરિવારના હતાં. તેમના પિતાજી કુંવર નંદલાલ મુનશી અને માતા અનુબેનના તેઓ છઠ્ઠા સંતાન હતાં. તેમના દાદા માધવલાલ મુનશી બ્રિટીશ વાઈસરોય લોર્ડ મિન્ટોની સલાહકાર કાઉન્સિલના સભ્ય હતા. તેમના માતા અનુબેન વિખ્યાત ગુજરાતી લેખક ર. વ. દેસાઈના બહેન હતાં. કૌમુદીજીને આમ સાહિત્ય અને સંગીતનો માહોલ મળ્યો હતો. ૧૯૫૦માં કૌમુદી બનારસ યુનિવર્સિટીમાંથી બી.એ. થયાં હતાં.

ત્યારના માહોલ મુજબ કૌમુદીજી સંગીતમાં કારકિર્દી શરુ કરવામાં ખચકાતાં હતાં, પણ ભાગ્ય તેમને મુંબઈ લઇ ગયું. જ્યાં ભાઈઓ અને ર.વ. દેસાઈ દ્વારા તેમને સ્નેહ અને તક મળી. લેખકપુત્ર અક્ષય દેસાઈએ કૌમુદીજીને સંગીતની કરિયર તરફ વાળ્યાં. તેઓ હિંદી માહોલમાંથી આવ્યાં હોવાને કારણે આરંભમાં તેમને ગુજરાતીમાં ગાયન માટે મુશ્કેલી હતી, ત્યારે અક્ષયજીએ તેમને કેટલાંક ગુજરાતી ગીતો શિખવ્યા હતાં. કૌમુદી આકાશવાણીમાં જોડાયાં. હવે તેઓ ગુજરાતી ગાયકોની આગલી હરોળમાં સ્થાન લેવા માટે તૈયાર હતાં. ૧૯૫૧માં જાહેરમાં ગાવાની શરૂઆત કરનારા કૌમુદી મુન્શીનો પરિચય અવિનાશ વ્યાસ, નીનુ મઝુમદાર, દિલીપ ધોળકિયા અને અજીત મર્ચન્ટ જેવાં ગુજરાતી સંગીત ક્ષેત્રના દિગ્ગજો સાથે થયો.

આકાશવાણીમાં નીનુ મઝુમદાર એક અગ્રણી સંગીતકાર હતા. શરૂઆતમાં કૌમુદી તેમના ગીતોના કોરસમાં ગાતાં, બાદમાં નીનુજીના સોલો ગીતો ગાતાં થયાં અને તેઓ નજીક આવી ૧૯૫૪માં બંને પરિવારોના વિરોધ વચ્ચે લગ્ન બંધને જોડાયા. આ સાહિત્ય અને સંગીતના પરિવારોનું પણ મિલન બન્યું. લગ્ન બાદ પતિ નીનુ મઝુમદારે કૌમુદીબેનને ગાયનની તાલીમ માટે મહાન કલાકાર અને ઠુમરીના રાણી ગણાતાં સિદ્ધેશ્વરી દેવીને ત્યાં મોકલ્યાં હતાં. કૌમુદી ઠુમરી ગાતાં પણ ગુજરાતી સુગમ સંગીતના ગાયિકા રૂપે તેઓ ખૂબ લોકપ્રિય થયાં. એજ રીતે જાણીતા સંગીતકાર તાજ એહમદ ખાન પાસે પાંચ વર્ષ કૌમુદી ગઝલ ગાયન શીખ્યાં, જેણે તેમની લોકપ્રિયતા વધારી.

પતિ નીનુ મઝુમદારે અનેક ગીતો કૌમુદી માટે લખ્યાં, તર્જબદ્ધ કર્યા અને તેમના આલબમ બન્યાં. કૌમુદી મુનશી પાંચ દાયકા સુધી આ રીતે ગાતાં રહ્યાં. ‘ગુજરાતની કોકિલા’ જેવાં બિરુદ પામનારા કૌમુદી ગુજરાતી સુગમ સંગીત ઉપરાંત શાસ્ત્રીય ઢબે ઠુમરી, દાદરા, ચૈતી, કજરી, ભોજપુરી લોક ગીતો ગાઈને શ્રોતાઓને મંત્રમુગ્ધ કરતાં. તેઓ ગીતના બોલને અનુભવતા ગાયિકા હતાં. તેઓ કહેતાં કે જયારે ગાતાં હોય ત્યારે તેઓ પોતે રચનાકાર હોવાની અનુભૂતિ કરતાં, જેથી શ્રોતાઓ પણ તેમના રસમાં ડૂબતાં.

કૌમુદી મુનશી સંગીતને સાક્ષાત સરસ્વતી દેવી માનતા અને જયારે ગાતાં ત્યારે ભક્તિ કરતાં હોવાનું અનુભવતાં.  એચ.એમ.વી. કંપનીના તેઓ માનીતાં ગુજરાતી ગાયિકા હતાં. તેમનું ગરબાનું પહેલું આલબમ ૧૯૫૨માં આવ્યું હતું. નીનુજીનું ગીત ‘ચોર્યાસી રંગોનો સાથિયો’ કૌમુદી બેને રેડિયો, દૂરદર્શન અને મંચ પર વારંવાર રજુ કર્યું હતું. કૌમુદી મુન્શીના યાદગાર ગીતોમાં ‘કયો ગુલાલ રંગ’, ‘આ રંગ ભીનાં’, ‘ફૂલનો પવન’, ‘ચોર્યાસી ભાતનો’, ‘મેશ ના આંજુ’, ‘લાલ લાલ ચુનરી’, ‘કાજલ આંજવો’, ‘એક વાર એકલામાં’, ‘રાણાજી મૈ બૈરાગિન હુઈ’ કે ‘આજ ગોરી’ ધૂમ મચાવતાં ગીતો સામેલ છે. નીનુ મજુમદારના સંગીતમાં કૌમુદીનું ‘તારો વિયોગ’ યાદગાર આલબમ બન્યું. નીનુજીએ પછીથી કૌમુદીજીના યાદગાર ગીતોની ‘સ્મરણાંજલિકા’ અને ‘ગીત કૌમુદી’ જેવાં સંગ્રહ પણ બનાવીને મોટું કર્મ કર્યું હતું.   

દંતકથા સમાન ગાયિકા કૌમુદી મુનશીનું ૧૩ ઓક્ટોબર, ૨૦૨૦ના રોજ મુંબઈમાં ૯૩ વર્ષની વયે નિધન થયું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએટ્વિટ કરીને તેમાંના નિધન અંગે દુઃખ વ્યક્ત કર્યું છે.