Page Views: 2259

આગામી ત્રણ દિવસ દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં વરસાદની આગાહી

દક્ષિણ ગુજરાતના ખેડૂતોને ડાંગરના પાકમાં મોટી નુકસાની થવાનો ડર

સુરત-14-10-2020

હવામાન વિભાગની આગાહી અનુસાર આજથી શુક્રવાર સુધી સુરત, નવસારી, વલસાડ, ડાંગના છૂટાછવાયા વિસ્તારમાં હળવો વરસાદ પડી શકે છે. ક્યાંક વરસાદ પડશે તો કેટલાક સ્થળો પર  વરસાદ નહીં  પડે. હવામાન વિભાગની આગાહીએ ખેડૂતોની ઊંઘ હરામ કરી દીધી છે. ખેડૂતોએ ડાંગરની કાપણી શરૂ કરી દીધી છે. હવે વરસાદ પડશે તો ખેતરમાં કાપીને પડેલા ડાંગરના પાકને નુકશાન થશે. બીજી તરફ સુરત શહેરના મહતમ અને લઘુત્તમ તાપમાનમાં ઘટાડો જોવા મળ્યો હતો. મંગળવારે શહેરનું લઘુત્તમ તાપમાન 23.8 ડિગ્રી સેલ્સિયસ અને મહતમ તાપમાન 35.8 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. જ્યારે હવામાં ભેજનું પ્રમાણ 61 ટકા નોંધાયું હતું. શહેરીજનોએ અસહ્ય ઉકળાટ અને બફારાનો અનુભવ કર્યો હતો.

ગાંધીનગરમાં વેધર વોચ કમિટીની બેઠક યોજાઇ હતી જેમા રાહત કમિશનર હર્ષદ પટેલે આ વિગતો આપી હતી. આગામી તા.15થી 17 ઓકટોબર દરમિયાન મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાંક ભાગોમાં સામાન્યથી હળવા વરસાદની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે. જેમાં તા. 16 અને 17 ઓકટોબર દરમિયાન સૌરાષ્ટ્રના અમરેલી-ભાવનગર તથા દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ થવાની શક્યતા દર્શાવવામાં આવી છે. આજે ગાંધીનગર ખાતે યોજાયેલા વેધર વોચ ગ્રુપના વેબીનાર બાદ રાહત કમિશનર સહિતના અધિકારીઓએ સંકલનમાં રહીને આવનારી સ્થિતિમાં શું પગલા ભરવા તેની પણ ચર્ચા વિચારણા કરી હતી.