Page Views: 2529

પલસાણા નજીક મહિલાને રેલવે ટ્રેક નજીક ફેંકી દેવાઇ- બળાત્કારની આશંકા

મહિલાને હાથ પગમાં ફ્રેકચર અને હોઠ કપાયેલો છે

સુરત-13-10-2020

હાથરસની ઘટનાની શાહી હજુ સુકાઈ નથી એવા સમયે સુરતમાં મહિલા સાથે બનેલી એક ઘટના સામે આવી છે. સુરત જિલ્લાના પલસાણાના ગંગાધરાના ગાંગપુર ગામ નજીકના રેલવે-ટ્રેક પાસેની ઝાડીમાંથી એક બિનવારસી ઇજાગ્રસ્ત હાલતમાં મહિલા મળી આવતાં તેને 108ની મદદથી સારવાર માટે સિવિલમાં ખસેડાઈ હતી. રેલવે અકસ્માતના કોલ સાથે મહિલાને ગંભીર હાલતમાં લવાતાં તબીબો પણ આશ્ચર્યમાં મુકાઈ ગયા હતા. તબીબી તપાસમાં મહિલા પર દુષ્કર્મ થયું હોવાની આશંકા બાદ તેને સિવિલમાં દાખલ કરી દેવાઈ હતી. તબીબોની તપાસમાં મહિલાના હાથ-પગે ફ્રેક્ચર અને હોઠ પણ કપાયેલી હાલતમાં હતાં. 108ના કર્મચારીએ જણાવ્યું હતું કે કોલ ટ્રેન અકસ્માતનો હતો. ઘટનાસ્થળે ગયા બાદ મહિલા બેભાન અને ગંભીર રીતે ઇજાગ્રસ્ત હાલતમાં ઝાડીઓ વચ્ચે પડી હતી. ગુપ્તભાગે લોહી નીકળતી હાલતમાં મહિલાને તાત્કાલિક પ્રાથમિક સારવાર આપી સુરત સિવિલ હોસ્પિટલ લઈ આવ્યા હતા. મહિલાના હાથે-પગે ફ્રેક્ચર અને મોઢા પર ગંભીર ઇજાઓ દેખાઈ રહી હતી. ઘટનાની ગંભીરતાને લઈ પલસાણા અને રેલવે પોલીસ બન્નેને જાણ કરાઈ હતી. ગામવાસીઓએ જણાવ્યું હતું કે ઇજાગ્રસ્ત મહિલા ગાંગપુર ગામમાં રખડતું જીવન જીવતી હોવાનું લોકોએ જોયું છે. એટલું જ નહીં, પણ માનસિક બીમાર મહિલાને કોઈએ પોતાની હવસનો શિકાર બનાવી રેલવે-ટ્રેક નજીકની ઝાડીઓમાં ફેંકી દીધી હોય એ વાતને પણ નકારી નહીં શકાય. જોકે સિવિલના કેટલાક મેડિકલ ઓફિસરે પણ મહિલા માનસિક બીમાર લાગી રહી હોવાનો અભિપ્રાય આપ્યો છે. જોકે હાલ મહિલા હોસ્પિટલમાં દાખલ છે અને ગાયનેક તથા માનસિક વિભાગના ડોક્ટરોની સારવાર હેઠળ હોવાનું જાણવા મળી રહ્યું છે.