Page Views: 14268

રાજ્યમાં નહીં ઉજવાય નવરાત્રી મહોત્સવ

જાહેર નવરાત્રી ન યોજાવાથી ખેલૈયાઓમાં નિરાશા

ગાંધીનગર-26-9-2020

સમગ્ર વિશ્વમાં ફેલાયેલી કોરોના મહામારીએ નવરાત્રી મહોત્સવ ઉપર પણ ગ્રહણ લગાવ્યુ છે. રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ અંગે જાહેરાત કરતા જણાવ્યું હતું કે, ચાલુ વર્ષે કોરોના મહામારીને કારણે રાજ્યમાં નવરાત્રી મહોત્સવ ઉજવાશે નહીં. વિશ્વમાં લોંગેસ્ટ ડાન્સ ફેસ્ટિવલ તરીકે જાણીતા ગુજરાતની આગવી ઓળખ સમાન બની ગયેલા ગરબા ગુજરાતના ઇતિહાસમાં પ્રથમ વખત જાહેરમાં નહીં યોજાય અને છેલ્લા ત્રણ ચાર દાયકાથી મોટા શહેરોમાં થતા પ્રોફેશનલ આયોજનો પણ આ વર્ષે થશે નહીં. રાજ્ય સરકારના આ નિર્ણયના પગલે નવરાત્રીની કાગડોળે રાહ જોતા ખેલૈયાઓને નિરાસા સાંપડી છે. આગામી 17મી ઓક્ટોબરથી 25 ઓક્ટોબર સુધી નવરાત્રી પર્વ આવવાનું છે અને હવે માઇ ભક્તોએ માત્ર ઘરમાં બેસીને જ માતાજીની આરાધના કરવી પડશે. ઘણા લાંબા સમયથી રાજ્ય સરકારમાં આ મામલે વિચારણા ચાલી રહી હતી કે, જો નવરાત્રી પહેલા કોરોના સંક્રમણ ઘટે તો આયોજન કરવાની છુટ આપવામાં આવશે પરંતુ સ્થિતિ હજુ પણ નિયંત્રણ બહાર જઇ રહી હોવાથી રાજ્ય સરકાર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યમાં નાગરિકોની સલામતી અને જાહેર આરોગ્યને પ્રાથમિકતા આપવી આવશ્યક હોવાને કારણે રાજ્ય સરકારે આ નિર્ણય લીધો છે અને તેનું ચુસ્ત પણે પાલન કરવાનું રહેશે. આ અંગે સત્તાવાર રીતે જાહેરનામું પણ હવે પ્રસીધ્ધ કરવામાં આવશે.