Page Views: 8700

સુરતમાં એક જ દિવસમાં નોંધાયા કોરોનાના 300 દર્દીઓ

બે વ્યક્તિના મોત સાથે કુલ મરણાંક 909 ઉપર પહોંચ્યો

સુરત-25-9-2020

સુરત શહેરમાં કોરોનાનું સંક્રમણ ભયંકર રીતે આગળ વધી રહ્યું છે અને દર રોજ સરેરાશ દર્દીઓમાં વધારો થઇ રહ્યો છે. મહાનગર પાલિકાનું તંત્ર આ સ્થિતિમાં તમામ સ્તર પર વામણું પુરવાર થઇ રહ્યું છે અને શહેરમાં કોરોનાની સ્થિતિ નિયંત્રણ બહાર જઇ રહી હોય એવુ ડરામણું ચિત્ર ઉપસી રહ્યું છે. શુક્રવારના રોજ સાંજે પુરા થતા ચોવિસ કલાકમાં સુરત શહેર અને જિલ્લામાં કોરોનાના કુલ 300 દર્દીઓ નોંધાયા છે. જે પૈકી સુરત શહેરમાં 184 દર્દીઓ જ્યારે સુરત જિલ્લામાં કોરોનાના 116 દર્દીઓ નોંધાયા છે. સુરત શહેર અને જિલ્લામાં કોરોનાના દર્દીઓની કુલ સંખ્યા 27 હજાર 692 ઉપર પહોંચી ગઇ છે. અને કોરોનાને કારણે આજે વધારે બે વ્યક્તિના મોત થવાથી કોરોનાથી મોતને ભેટેલા દર્દીઓનો આંકડો 909 ઉપર પહોંચી ગયો છે. સુરત શહેરમાં આજે 182 દર્દીઓન રજા આપવામાં આવી હતી જ્યારે 110 દર્દીઓને સુરત જિલ્લામાં સારવાર બાદ રજા આપવામાં આવી છે. અત્યાર સુધીમાં સુરત શહેર જિલ્લામાં કુલ 24 હજાર 262 દર્દીઓ સાજા થઇને પોતાના ઘરે ગયા છે. હાલમાં શહેર જિલ્લામાં 2518 એક્ટિવ કેસ છે.

સુરત શહેરમાં ક્યા ઝોનમાં કેટલા કેસ નોંધાયા

આજે સુરત શહેરના સેન્ટ્રલ ઝોનમાં કોરોનાના 13 , વરાછા એ ઝોનમાં 21. વરાછા બી ઝોનમાં  12,  રાંદેર ઝોનમાં 33,  કતારગામ ઝોનમાં 18, લિંબાયત ઝોનમાં 15, ઉધના ઝોનમાં 15 અને અઠવા ઝોનમાં 57 કેસ નોંધાયા છે. જ્યારે  જિલ્લામાં  ચોર્યાસીમાં 16 ઓલપાડમાં 15 કામરેજમાં 20,  પલસાણામાં 23 બારડોલીમાં 18 ,મહુવામાં 6 માંડવીમાં 5 અને માંગરોળમાં 13 કેસ નોંધાતા  જિલ્લા માં સતત કેસ વધી રહ્યાનું પ્રતિત થઇ રહ્યુ છે.