Page Views: 21880

રસ્તાઓ પર રખડતા ઢોર-ઢાંખરોના માલિકો સામે ગુનો દાખલ કરવા પોલીસ કમિશનરનો આદેશ

સુરત સીટીમાંથી પસાર થનારા ટેન્કર ચાલકો વિરૂધ્ધ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે -------

સુરત-25-9-2020

શહેરમાં અકસ્માતોનું પ્રમાણ ધટે, અમૂલ્ય માનવ જીંદગીઓ બચાવી શકાય તેમજ લોકો ટ્રાફિકના નિયમનોનું પાલન કરે તેવા આશયથી સુરત શહેર રોડ સેફ્ટી કાઉન્સીલની ૩૭મી રીવ્યુ બેઠક શહેર પોલીસ કમિશનરશ્રી અજય તોમરના અધ્યક્ષસ્થાને મળી હતી. પોલીસ કમિશનર કચેરીના સભાખંડમાં યોજાયેલી બેઠકમાં પોલીસ કમિશનરશ્રીએ શહેરના રસ્તાઓ પર રખડતા ઢોર-ઢાંખરોના માલિકો સામે ગુનાઓ દાખલ કરવામાં આવે તેમજ માસ્ક ન પહેરનારા વાહન ચાલકો સામે પણ કડક કાર્યવાહી કરવાના આદેશો આપ્યા હતા.           તેમણે હજીરા વિસ્તારના ટેન્કરો શહેરી વિસ્તારમાંથી પસાર થતા હોઈ આવા ટેન્કર ચાલકો વિરૂધ્ધ દંડનીય કાર્યવાહી કરવાની સૂચના આપી હતી.            ઉધના ભીમનગર ગરનાળા ઓવરબ્રીજ પાસે માર્ગ અકસ્માતમાં થયેલા મૃત્યૃ બાબતે એસ.એમ.સી., પોલીસ અને આર.એન્ડ બી.ના અધિકારીઓએ સંયુકત સ્થળ મુલાકાત લઈ અહેવાલ સંદર્ભે હવે પછી અકસ્માત ન સર્જાય તે માટે સલામતીના પગલારૂપે બ્રિજની વચ્ચે પ્લાસ્ટીકના બેરીકેટ મુકી, સફેદ પટ્ટાઓ લગાડવામાં આવશે.       સવજી કોરાટ બ્રીજ નજીક ધર્મીષ્ઠાપાર્કની સામે થયેલા અકસ્માતમાં વ્યકિતનું મૃત્યુ થયું હતું. જેને ધ્યાને લઇ, રોગ સાઈડેથી આવતા વાહનો માટે ડિવાઈડરનો ગેપ બંધ કરીને બેરીકેટ મૂકવામાં આવ્યા છે.          કમિશનરશ્રીએ સૌ વિભાગો સાથે મળીને જનજાગૃતિના માધ્યમથી શહેરમાં બનતા ફેટલ અકસ્માતોનું પ્રમાણ ધટાડીને ટ્રાફીક નિયમોનું દરેક લોકો પાલન કરે તેવા સકારાત્મક પગલાઓ લેવાનો અનુરોધ કર્યો હતો.       બેઠકમાં પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીશ્રી ચાવડાએ જણાવ્યું હતું કે, ઓગષ્ટ દરમિયાન નિયત કરેલી ઝડપ કરતા વધુ ઝડપે વાહન ચલાવનારા તથા વાહન ચલાવતી વેળાએ મોબાઈલ કે તેના જેવા અન્ય ઉપકરણોનો ઉપયોગ કરનારા ત્રણ વાહન ચાલકોના લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.         નવી સિવિલ હોસ્પિટલના ગેટ પાસે ઉભા રહેતા વાહનોના પરિણામે એમ્યુલન્સની અવર-જવર માટેની સમસ્યાના નિવારણ માટે ટ્રાફિક પોઈન્ટ મુકવાની સુચના કમિશનરશ્રીએ આપી હતી.       બેઠકમાં સિટીલીક અને બી.આર.ટી.એસના ડ્રાઇવરોને તાલીમ આપવા, બી.આર.ટી.સી.ના આજુબાજુના વૃક્ષોનું સમયસર કટિંગ, રિક્ષા ડ્રાઈવરોને માર્ગ સલામતીની તાલીમ, એસ.ટી.બસોના ડ્રાઈવરો સ્ટેન્ડ બહાર બસ ઉભી ન રાખે, શાળાના વિદ્યાર્થીઓને ટ્રાફીકના નિયમોના ઓનલાઈન સેફટીના વિડીયો દર્શાવવા જેવા અનેક મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.            આ બેઠકમાં જોઈન્ટ પોલીસ કમિશનરશ્રી શરદ સિંધલ, નાયબ પોલીસ કમિશનરશ્રી પ્રશાંત સુબે, સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીશ્રી ડી.કે.ચાવડા, મહાનગરપાલિકાના ટ્રાફીક સેલના ડી.આર.ગોહિલ, એસ.ટી., માહિતી, હાઈવે ઓથોરીટીના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.