Page Views: 45259

દામનગરનો સંકેત અસલાલીયા યુ ટ્યુબ પર જોઇ ડ્રગ્સ બનાવતો હતો

સંકેત અને તેની સાથે ઝડપાયેલા સલમાન સહિતના ત્રણેય પેડલર સાત દિવસના રિમાન્ડ પર- પોલીસ વધુ તપાસ અર્થે મુંબઇ જવા રવાના

સુરત-25-9-2020

મુળ દામનગરનો વતની અને કડોદરામાં ફેક્ટરીનો માળ ભાડે રાખીને એમ ડી ડ્રગ્સ બનાવનાર સંકેત શૈલેષ અસલાલિયાની પુછપરછમાં પોલીસને ચોંકાવનારી વિગતો હાથ લાગી રહી છે. સંકેત યુ ટ્યુબ ઉપર જોઇને એમ ડી ડ્રગ્સ બનાવતા શીખ્યો હતો. તેમજ તે તેના માટે વાપી ખાતેથી અલગ અલગ કેમિકલ ફેક્ટરીઓમાંથી દસથી બાર પ્રકારનું કેમિકલ લઇ આવતો હતો. કડોદરા ખાતે ત્રીજા માળ પર આવેલી રૂમમાં રાત્રીના સમયે સંકેત એમ ડી ડ્રગ્સ તૈયાર કરતો હતો. તેમજ તે સલમાન સહિતના પેડલરને સપ્લાય કરતો હતો અને તેના માટે તેણે ડુમસ ખાતે આવેલી કણબીવાડમાં પણ સલમાન સાથે ફ્લેટ ભાડે રાખ્યો હતો. તેમની સાથે એક મહિલા પણ સંકળાયેલી હોવાનું કહેવાય છે. હવે પોલીસે સંકેત સહિતના તમામને કોર્ટમાં રજૂ કરીને સાત દિવસના રિમાન્ડ મેળવ્યા છે. ઉપરાંત ક્રાઇમ બ્રાન્ચની એક ટીમ આ ષડયંત્રના મુળ સુધી પહોંચવા માટે તપાસ અર્થે મુંબઇ જવા રવાના થઇ છે. હાલમાં પોલીસે સલમાન ઉર્ફે અમ ઝવેરી અને વિનયની ઉંડાણ પુર્વકની તપાસ હાથ ધરી છે. શહેરમાં રાંદેરના કોઝવે રોડથી માંડીને જીમખાના રોડ, અડાજણ પાલ રોડ, ડુમસરોડ, જીંજર હોટલની ગલીમાં, ગણેશ મંદિર ઓવારા, પાર્લે પોઇન્ટ, થ્રી સ્ટાર હોટલ પાછળથી લઇને ગૌરવપથ અને આસપાસના તમામ વિસ્તારોમાં ડ્રગ્સનું સેવન કરવા યુવાનો એકત્ર થતા હોવાનું કહેવાય છે. જો કે, આ તમામ બાબતો પોલીસની તપાસમાં બહાર આવી છે અને આ મામલે હજુ પણ મોટા ખુલાસા થવાની સંભાવના કરવામાં આવી રહી છે.