Page Views: 9701

સુરતમાં જર્જરીત મિલ્કતો ઉતારવા પોલીસનો સાથ લેશે પાલિકા

શહેરની કુલ 305 મિલ્કતો ઉતારી લેવા માટે કવાયત હાથ ધરાશે

સુરત-24-9-2020

સુરત શહેરના રાંદેર રોડ પર નિલાંજન એપાર્ટમેન્ટ દુર્ઘટના બાદ પાલિકાનું  તંત્ર જાગ્યું છે. સુરત શહેરમાં અતિ જર્જરિત 305 અને રિપેર કરવા જોગ 815 મિલકત સામે તાત્કાલિક પગલાં ભરવા માટે પાલિકા કમિશ્નરે તાકીદ કરી છે. તમામ ઝોનમાં અતિ જર્જરિત થઈ ગયેલી અને અકસ્માત થાય તેવી મિલ્કતનું ડિમોલીશન ન કરવામાં આવતું હોય તો પોલીસની મદદ લેવા માટે તમામ ઝોનને સુચના આપી દીધી છે. પાલિકાના રાંદેર ઝોનમાં નવયુગ કોલેજ સામે નિલાંજન એપાર્ટમેન્ટ જર્જરિત થતાં સીલ કરીને ખાલી કરાવી ઉતારી પાડવા માટે તાકીદ કરવામાં આવી હતી. તેમ છતાં બિલ્ડીંગ નહીં ઉતારાતા બે દિવસ પહેલાં બિલ્ડીંગનો કેટલોક ભાગ તુટી પડ્યો તેમાં ત્રણ લોકોના મોત થયાં હતા. આ બનાવ બાદ મ્યુનિ. કમિશ્નરે તમામ ઝોનમાં અધિકારીઓને તેમના વિસ્તારની જર્જરિત મિલકતને રીપેરીગ કરવા તથા અતિ જર્જરિત મિલકતને ઉતારી પાડવાની કામગીરી આક્રમક રીતે કરવા માટે સુચના આપી છે. પાલિકા કમિશનર બંછાનીધિ પાનીએ  જણાવ્યું હતુ કે, કેટલીક મિલ્કતો અતિ જર્જરિત છે તેમાં અકસ્માત થાય તે પહેલાં તેને ખાલી કરાવીને રિપેરીંગ કરવાની કે ઉતારી પાડવાની કામગીરી કરવાની છે. જો કોઈ મિલકતદાર કે કબ્જેદાર બિસ્માર મિલકતને રીપેરીંગ કરવા કે ઉતારી પાડવામાં મ્યુનિ. તંત્રને સહયોગ ન આપે અને આ મિલકતના કારણે અન્ય લોકોને જોખમ ઉભુ થતું હોય તેવા કિસ્સામાં પોલીસની મદદ લેવા માટે જણાવ્યું છે.