Page Views: 5715

નવયુગ કોલેજ સામે આવેલા નિલાંજમ એપાર્ટ.ની ગેલેરી તુટી પડતા ત્રણ મજુરોના મોત

વહેલી સવારે ચાર વાગ્યાના સુમારે અત્યંત જોખમી જાહેર કરાયેલા ખખડધજ નિલાંજમ એપાર્ટમેન્ટની ગેલેરીનો મોટો હિસ્સો આરામ કરી રહેલા શ્રમજીવીઓના પરિવારો પર કાળ બનીને પડ્યો

સુરત-22-9-2020

આજે વહેલી સવારે રાંદેર મેઇન રોડ પર આવેલી નવયુગ કોલેજ સામે સ્થિત નિલાંજમ એપાર્ટમેન્ટની ગેલેરીનો કેટલોક ભાગ ધડાકા ભેર તુટી પડ્યો હતો. જેના કારણે આ એપાર્ટમેન્ટની નીચેના ભાગમાં ખુલ્લી જગ્યામાં સુતેલા ત્રણ મજુરોના દબાઇ જવાથી મોત થયા હતા. સદ નસીબે આ એપાર્ટમેન્ટ જોખમી બિલ્ડીંગ હોવાથી ખાલી કરાવી દેવામાં આવ્યુ છે જેના કારણે મોટી દુર્ઘટના થતી અટકી હતી. જો કે, તેમ છતા પણ ત્રણ મજુરોની જિંદગી આ દુર્ઘટનાને કારણે હોમાઇ છે. વહેલી સવારે ચાર વાગ્યાના સુમારે નિલાંજમ એપાર્ટમેન્ટનો ગેલેરીનો ભાગ તુટી પડતા દબાયેલા લોકોને ફાયરના લાશ્કરો અને 108ની ટીમ દ્વારા સારવાર માટે હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા. જ્યાં ગંભીર રીતે ઇજા પામેલા અનિલચંન્દ્ર નેપાળી, જગદીશચંન્દ્ર ચૌહાણ અને રાજુ અમૃતલાલ મારવાડી નામના ત્રણ શ્રમજીવીના મોત થયા હતા. આ સિવાય પણ કેટલાક શ્રમજીવીઓને નાની મોટી ઇજાઓ થઇ છે. ઉલ્લેખનિય છે કે, છેલ્લા કેટલાય સમયથી મહાનગર પાલિકા દ્વારા આ બિલ્ડીંગને અત્યંત જોખમી બિલ્ડ઼ીંગ જાહેર કરવામાં આવ્યુ છે અને તેને ખાલી કરાવી દેવાયુ છે. કોમર્શિયલ કમ રેસીડન્સીયલ એવા આ બિલ્ડીંગમાં પહેલા કેટલીક હોસ્પિટલો પણ ધમધમતી હતી. જો કે, બિલ્ડીંગ ખાલી કરાવાયેલું હોવાને કારણે મોટી દુર્ઘટના થતી અટકી હતી. મહત્વની બાબત એ છે કે, આ બિલ્ડીંગને હવે રાંદેર ઝોન દ્વારા ક્યારે ઉતારી લેવામાં આવશે એ સવાલ છે.