Page Views: 7124

સુરતમાં રેલવે કબ્રસ્તાનમાં બે કબર ખોદી મેલી વિદ્યા કરવામાં આવતા ગભરાટ

અગાઉ વર્ષ 2008માં કબ્રસ્તાનના સંચાલક હાજી ચિનુની પુત્રીની કબર પણ ખોદીને થાપાના હાડકા પર ઉર્દુમાં લખાણ કરવામાં આવ્યુ હતું

સુરત-22-9-2020

સુરત શહેરના ઉધના ખાતે આલા રેલવેના કબ્રસ્તાનમાં કબર ખોદીને બે દિવસમાં બે લાશ ઉપર મેલીવિદ્યા કરવામાં આવી હોવાનું બહાર આવતા મુસ્લીમ સમાજમાં હડકંપ મચી ગયો છે. કબરને માથાના ભાગ તરફથી ખોદીને તેમાંથી લાશ બહાર કાઢીને આંખ વગરની તાવીજવાળી ઢીંગલી સાથે કોઇએ મેલીવિદ્યા કરી હોવાનું જણાઇ રહ્યું છે અને બ્રિટીશરોના સમયના આ કબ્રસ્તાનમાં રેલવેના કર્મચારીઓની જ દફનવિધી થતી હોવાથી આ કૃત્ય કોણે કર્યું છે તેની પણ ચર્ચાએ જોર પકડ્યુ છે.

વિગતો અનુસાર, રેલવેમાં વેલ્ડર તરીકે નોકરી કરતા અલી મોહમ્મદનું અવસાન થતા તેમને ગત તા.27મી જુલાઇ ના રોજ ઉધના રેલવે કબ્રસ્તાનમાં દફન કરવામાં આવ્યા હતા. તેમના પુત્ર રાજુ અલી મોહમ્મદે કહ્યું હતું કે,  સોમવારના રોજ તેમના પિતાની કબરને માથાના ભાગ તરફથી ખોદવામાં આવી હતી અને ત્યાર બાદ કોઇ અજાણ્યાએ તેના ઉપર મેલીવિદ્યા કરી હોય એવુ લાગી રહ્યું છે કેમકે તેમની કબર પાસેથી આંખો વગરની ઢીંગલી મળી છે અને તેના પર તાવીજ બાંધવામાં આવ્યુ છે. ઉપરાંત અન્ય એક કબરને પણ માથાના ભાગ તરફથી ખોદી નાખવામાં આવી છે અને તેમાં દફન કરાયેલી લાશ પર પણ આવુ કૃત્ય કરવામાં આવ્યુ છે.

ઉધના કબ્રસ્તાન એન્ડ મોહમદી મસ્જિદના સંચાલક હાજી ચિનુભાઇએ આ મામલે જણાવ્યુ છે કે, આ કબ્રસ્તાન ઉધના રેલવેના કબ્રસ્તાન તરીકે ઓળખાય છે અને તેમાં રેલવેના કર્મચારીઓને જ દફન કરવામાં આવે છે. વર્ષ 2008માં તેમની પુત્રીનું અવસાન થયું ત્યારે તેની લાશ સાથે પણ આવુ કૃત્ય થયું હતું. તેમની પુત્રીની લાશમાં થાપાના ભાગ પર ઉર્દુમાં કંઇક લખવામાં આવ્યું હતું. આ બાબતને અમે ગંભીરતાથી લીધી છે અને કમિટી સાથે ચર્ચા કર્યા બાદ હવે કબ્રસ્તાનમાં સીસી ટીવી કેમેરા લગાવવાનું નક્કી કરવામાં આવ્યુ છે.