Page Views: 4150

અતિ સફળ અભિનેત્રી કરીના કપૂર

કરીના કપૂર ખાનને અત્યાર સુધીમાં છ વખત ફિલ્મફેર એવોર્ડ મળી ચુક્યા છે

સુરત-નરેશ કાપડીઆ દ્વારા

હાલના સમયની હિન્દી ફિલ્મોના સફળ અભિનેત્રી કરીના કપૂર ખાન ૩૯ વર્ષના થયાં.૨૧ સપ્ટેમ્બર, ૧૯૮૦ના રોજ તેમનો જન્મ.તેઓ રણધીર કપૂર અને બબીતાના દીકરી છે. તો અભિનેત્રી કરિશ્મા કપૂરના નાના બેન છે. ફિલ્મોમાં વિવિધ પ્રકારની ભૂમિકાઓ કરવા માટે તેઓ જાણીતા છે. તેઓ રોમાન્ટિક કોમેડીથી ક્રાઈમ ડ્રામા જેવી ફિલ્મો કરે છે. તેમને છ ફિલ્મફેર એવોર્ડ્સ મળ્યાં છે. બોલીવૂડના સૌથી લોકપ્રિય અને સૌથી વધુ ફી ચૂકવાતી અભિનેત્રીઓમાં કરીના કપૂર એક છે. પિતૃ પક્ષે તેઓ રાજ કપૂરના પૌત્રી અને માતૃ પક્ષે અભિનેતા હરિ શિવદાસાનીના પૌત્રી છે. તો ઋષિ કપૂરના ભત્રીજી છે. માતા બબીતા કહે છે કે તેઓ જયારે ગર્ભવતી હતાં ત્યારે તેઓ ‘અન્ના કેરેનિના’ પુસ્તક વાંચતાં હતાં. તેથી તેમણે દીકરીનું નામ કરીના રાખ્યું. પિતા પક્ષે તેઓ પંજાબી અને માતૃ પક્ષે સિંધી અને બ્રિટીશ કુળના છે. બાળપણમાં તેઓ પરિવાર સાથે હિંદુ રીત રીવાજો પાળતાં તો માતા દ્વારા તેમને ખ્રિસ્તી રીવાજો પણ શીખવા મળ્યાં હતાં. કરીના પોતાને એક ખુબ તોફાની અને ‘બગાડવામાં આવેલી’ બાળકી રૂપે વર્ણવે છે. નાનપણથી તેમને ફિલ્મોમાં રસ હતો જે અંતે અભિનેત્રી બનવામાં પરિણમ્યો. નરગિસ અને મીના કુમારીને જોઈને તેમને અબીનેત્રી બનવાની પ્રેરણા મળી હતી. કપૂર પરિવાર ફિલ્મો સાથે સંકળાયેલું હોવા છતાં તેમના પિતા રણધીર કપૂર પરિવારની મહિલાઓને ફિલ્મ તરફ જવા દેવાના વિરોધી હતા. એમના માણવા મુજબ ફિલ્મી કરિયર મહિલાની પરિવાર અને સંતાનો પ્રત્યેની ફરજોમાં અવરોધ બને છે. જયારે કરીનાના માતા બબીતા આવું માનતા નહોતા અને તેને કારણે માં-બાપ વચે અણબનાવ થયો અને તેઓ જુદા પણ પડ્યાં હતાં. તેમને માતાએ ઉછેર્યા અને મોતી દીકરી કરિશ્મા ૧૯૯૧માં ફિલ્મી અભિનેત્રી બન્યાં ત્યાં સુધી માતા બબીતાએ અનેક કામ કરીને દીકરીઓને મોટી કરી છે. અનેક વર્ષો અલગ રહ્યાં બાદ ૨૦૦૭માં માં-બાપ ફરી એક પણ થઇ ગયાં. કરીના કહે છે કે ‘ભલે અમે વર્ષો સુધી સાથે નથી રહ્યાં પણ મારા જીવનમાં મારા પિતાજી પણ ખુબ મહત્વના છે. અને હવે અમે એક પરિવાર જ છીએ.’

કરીના પહેલાં મુંબઈની જમનાબાઈ નરસી સ્કૂલમાં અને પછી દેહરાદૂનની વેલ્હામ ગર્લ્સ સ્કૂલમાં ભણ્યા છે. તેમને ભણવાનું ગમતું નહોતું પણ ગણિત સિવાયના વિષયમાં માર્ક્સ સારા આવતાં હતાં. પછી તેઓ મુંબઈના વિલે પાર્લેની મીઠીબાઈ કોલેજમાં બે વર્ષ ભણ્યાં. પછી અમેરિકાની હાર્વર્ડ સમર સ્કૂલમાં માઈક્રો કમ્પ્યુટર કોર્સ કર્યો. પછી તેમને કાનૂન ભણવામાં રસ પડ્યો. મુંબઈની ગવર્નમેન્ટ લો કોલેજમાં ભણ્યાં. જોકે પહેલાં વર્ષ બાદ તેમને અભિનેત્રી બનવામાં રસ પડ્યો પણ અહીં તેમને વાચનનો શોખ જાગ્યો જે લાંબા સમયથી જળવાઈ રહ્યો છે. તેઓ કિશોર નામિત કપૂરની અભિનય તાલીમ ઇન્સ્ટિટયૂટમાં જોડાયાં. ૨૦૦૦ના વર્ષની યુદ્ધની કથાવાળી ફિલ્મ ‘રેફ્યુજી’થી તેઓ આવ્યા અને ‘અશોકા’ તથા ‘કભી ખુશી કભી ગમ’થી તેઓ સ્થાયી થયાં. જોકે આરંભની આ સફળતા બાદ તેમની સંખ્યાબંધ નિષ્ફળ ફિલ્મો પણ આવી, જેમાં તેઓ એકસરખી ભૂમિકા કરતાં દેખાયાં. પણ ૨૦૦૪ના વર્ષમાં તેઓ પરંપરાથી ખસીને સેક્સ વર્કરની ભૂમિકામાં ‘ચમેલી’માં દેખાયા અને ઘણું બદલાઈ ગયું. તેજ વર્ષે દંગા પીડિતની ભૂમિકામાં ‘દેવ’માં આવ્યા. ૨૦૦૬માં તેમણે શેક્સપિયરના ‘ઓથેલો’નાટકના ડેસ્ડેમોનાનું રૂપ ‘ઓમકારા’માં ભજવ્યું. એ બધાંની સાથે તેમને એવોર્ડ્સ મળતાં રહ્યાં. ‘જબ વી મેટ’ અને ‘વી આર ફેમિલી’માં સહાયક અભિનેત્રીના એવોર્ડ્સ પણ મળ્યાં. તેમને સૌથી મોટી સફળતા દેશની સૌથી સફળ ફિલ્મો ‘૩ ઇડીયટસ’ અને ‘બજરંગી ભાઈજાન’ની નાયિકા રૂપે પણ મળી.પછી ‘કુરબાન’ અને ‘હિરોઈન’માં પણ તેમને સફળતા મળી.

અભિનેતા સૈફ અલી ખાન સાથે લગ્ન બાદ કરીનાને તૈમુર નામનો દીકરો છે. કરીના પડદા બહાર મીડિયામાં પણ છવાયેલાં રહે છે. તેઓ આખાબોલાં હોવાનું વ્યક્તિત્વ વિકસ્યું છે.તેમની ફેશન સ્ટાઈલ પણ જાણીતી છે. તેઓ પડદા ઉપરાંત રંગમંચ પર પણ અભિનય કરતાં જોવા મળે છે.તેઓ ત્રણ પુસ્તકોના સહલેખિકા પણ છે. એમાંની એક જીવનચરિત્ર સમું સ્મૃતિ પુસ્તક છે,તો બે ન્યુટ્રીશન ગાઈડ છે. તેમની પોતાની ક્લોધિંગ લાઈન છે જે ‘ગ્લોબસ’ નામની રિટેલ ચેઈન સાથે છે.