Page Views: 8726

સુરતની ખાનગીશાળાઓ 60 ટકા ફી માફી કરે એવી માંગણી

વાલીઓએ ડીઈઓ કચેરી પર જઇને સૂત્રોચ્ચાર કર્યા

સુરત-21-9-2020

કોરોનાને કારણે ચાલુ વર્ષે હજુ સુધી શૈક્ષણિક સત્ર શરૂ થયું નથી અને ખાનગી શાળાના સંચાલકો દ્વારા સરકારના આદેશ પ્રમાણે વિદ્યાર્થીઓને ઓન લાઇન શિક્ષણ આપી રહ્યા છે. ત્યારે હાઇકોર્ટ દ્વારા પણ સ્કૂલ ફી નો મુદો સરકાર પર છોડવામાં આવ્યો છે. ત્યારે સુરતમાં વાલીઓ દ્વારા ખાનગી શાળાઓની ફી ઉઘરાવવાની નીતિ સામે વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો. ખાનગી સ્કૂલના વાલીઓ આજે મોટી સંખ્યામાં જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી પર આવ્યા હતા. તેમજ તેમણે તમામ શાળાઓ દ્વારા 60થી 70 ટકા જેટલી ફી ની માફી આપવામાં આવે એવી માંગણી કરી હતી. વાલીઓ દ્વારા બેનરો બતાવીને પણ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યુ હતું તેમજ સૂત્રોચ્ચાર પણ કરવામાં આવ્યા હતા. વાલીઓ દ્વારા એવુ જણાવાયુ હતું કે, રાજ્ય સરકાર વાલીઓની સ્થિતિને ધ્યાનમાં રાખીને આ મામલે ઝડપથી નિર્ણય લે અને વાલીઓને રાહત આપે. ઉપરાંત ખાનગી શાળાઓએ પણ બચતનો ઉપયોગ કરીને તેમના ખર્ચ ચાલી રહે એવી વ્યવસ્થા કરવી જોઇએ. ઓલ સ્ટુડન્ટ એન્ડ પેરેન્ટ વેલ્ફેર એસોસીએશનના નેજા હેઠળ વાલીઓ દ્વારા શાળાઓના ઓડીટ રિપોર્ટ જાહેર કરવાની પણ માંગણી કરવામાં આવી છે અને શાળાઓએ લીધેલુ ડોનેશન પણ પરત આપવાની માંગણી કરી છે.