Page Views: 12985

રાજ્ય વિધાનસભાના પ્રથમ દિવસે જ કોંગ્રેસે હંગામો કર્યો

પાંચ દિવસના ચોમાસું સત્રમાં સરકાર 21 વિધેયકો રજૂ કરશે

ગાંધીનગર-21-9-2020

રાજ્ય વિધાનસભાનું ચોમાસું સત્ર આજથી શરૂ થવાની સાથે જ કોંગ્રેસે હંગામો કર્યો હતો. તો બીજી તરફ આજે સરકાર ત્રણ વિધેયક લાવવાની તૈયારી ચુકી હોવાથી તેને રજૂ કરવામાં આવશે. ખાસ કરીને  MLA -મંત્રીઓના 30% પગાર કપાત વિધેયક, માધ્યમિક, ઉ.માધ્યમિક શિક્ષણ સુધારા વિધેયક, ગુજરાત માલ અને સેવા સુધારા વિધેયક લવાશે. જ્યારે બીજી બેઠકમાં ટૂંકી મુદ્દતના પ્રશ્નો પર જવાબો રજૂ કરાશે. જેમાં ગૌશાળા આંદોલન, રસ્તા ધોવાણ, માછીમારોનો પ્રશ્નોના જવાબ સરકાર આપશે. વિધાનસભાના ચોમાસું સત્રમાં કુલ પાંચ દિવસમાં એકવીસ  વિધેયક રજૂ કરવામાં આવનાર છે. વિધાનસભાના ચોમાસું સત્ર શરૂ થયા પહેલા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પોતાનું નિવેદન આપ્યું છે. જેમાં તેમણે જણાવ્યું હતું કે, સરકાર તમામ મુદ્દાઓ પર વિપક્ષને જવાબ આપવા માટે સજ્જ છે. કોંગ્રેસ પાસે હાલ કોઈ મુદ્દા નથી. તમામ મુદ્દે સરકારની કામગીરી સારી છે. સીએમે ઉમેર્યું હતું કે, કોંગ્રેસ દેશના ખેડૂતોનું ભલું ઈચ્છતી નથી. ખેડૂતો દેશમાં ગમે ત્યાં માલ વેચી શકશે. ગુજરાત વિધાનસભાનું ચોમાસું સત્ર હાલ શરૂ થઈ ગયું છે.વિધાનસભામાં ચોમાસું સત્ર શરૂ થયા પહેલા વિધાનસભાના અધ્યક્ષે પોતાનું નિવેદન આપ્યું છે. વિધાનસભાના અધ્યક્ષે જણાવ્યું કે, વિધાનસભામાં કોરોનાનું સંક્રમણ ન ફેલાય તેવી કાળજી લેવાય છે. તમામ ધારાસભ્યોના કોરોના ટેસ્ટ કરાવવામાં આવ્યો છે, જે સભ્યો પોઝિટિવ છે તે સત્રમાં ભાગ નહીં લઈ શકે. બેઠક વ્યવસ્થામાં પણ સામાજિક અંતર જળવાય તેવી વ્યવસ્થા કરી હોવાનું અધ્યક્ષે પોતાના નિવેદનમાં જણાવ્યું છે.આજે શરૂ થનારા ચોમાસું સત્ર પહેલા વિધાનસભા ગૃહને સેનિટાઈઝ કરાયું હતું. આ સિવાય 5થી 6 બાકી રહેલા ધારાસભ્યોનો પણ આજે કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો છે. આજે તમામ ધારાસભ્યોને વિધાનસભાની અંદર હેન્ડ સેનિટાઈઝર, થર્મલ ગનથી સ્ક્રિનિંગ કર્યા બાદ જ પ્રવેશ આપવામાં આવશે. ગાંધીનગરમાં કોંગ્રેસના ધારાસભ્યો દ્વારા આજે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે. કોંગ્રેસના ધારાસભ્યો દ્વારા હેલ્મેટ અને માસ્કના દંડ મુદ્દે વિરોધ કરવામાં આવી રહ્યો છે. કોંગ્રેસના MLA ગ્યાસુદ્દીન શેખ, ઈમરાન ખેડાવાલા દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે, જેમાં કોંગ્રેસના ધારાસભ્યો બેનર લઈને પહોંચ્યા હતા. કોરોના મુદ્દે લેવાતા દંડ સામે કોંગ્રેસે આજે ગાંધીનગરના વિધાનસભામાં કામગીરી પહેલા વિરોધ નોંધાવ્યો છે. ગ્યાસુદ્દીન શેખ અને ઇમરાન ખેડાવાળાએ વિધાનસભા સંકુલમાં વિરોધ કર્યો હતો, ત્યારે વગર કારણે પ્રજા પાસેથી દંડ લેવાતો હોવાનો કોંગ્રેસે સરકાર પર આક્ષેપ કર્યો છે. વિરોધ કરવા સૂત્રો લખેલો ઝભો પહેરીને ધારાસભ્યો આવ્યા હતા.

બીજી બાજુ આજે વિધાનસભા ગૃહમાં ચોમાસું સત્રમાં રાજ્ય સરકારને ઘેરવા કોંગ્રેસે પોતાની રણનીતિ તૈયાર કરી લીધી છે. એવું કહેવાઈ રહ્યું છે કે કોંગ્રેસ આજે પહેલા દિવસે કોરોના મહામારી, ગાયોને અપાતી સબસીડી મુદ્દે સરકારને ઘેરશે. કોરોના મુદ્દે થયેલા ખર્ચનો હિસાબ પણ આજે કોંગ્રેસ ગૃહમાં માગશે. આ સિવાય શિક્ષણ મુદ્દે પણ વિપક્ષ સખત વલણ અપનાવશે એવુ લાગી રહ્યું છે.