Page Views: 15115

માત્ર ચાર વર્ષની બાળકી પર બળાત્કાર ગુજારનાર નરાધમને કોર્ટે 20 વર્ષની સખત કેદ ફટકારી

કોર્ટે કહ્યું આરોપીના કૃત્યને વખોડવા માટે શબ્દો ઓછા પડે છે

સુરત-18-9-2020

સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં શ્રમજીવી પરિવારની માત્ર ચાર વર્ષની બાળકી પર પાશવી બળાત્કાર ગુજારનાર નરાધમને બાળકીની માતાએ ઝડપી પાડ્યો હતો. આ કેસમાં કોર્ટે આરોપીને 20 વર્ષની સખત કેદની સજા ફટકારી છે.

વિગતો અનુસાર, પાંડેસરા  ગણપત નગર ખાતે રહેતા એક શ્રમજીવી પરિવારની માત્ર ચાર વર્ષની બાળકી નજીકમાં રહેતા સુજીત કુમાર રામબિનય મિસ્ત્રીના ઘરમાં રમવા માટે ગઇ હતી અને બાળકીની માતા પોતાનું ઘરનું કામ પુરૂ કરીને તેને શોધવા માટે નીકળી ત્યારે તેણે બુમ પાડીને બાળકીને બોલાવી હતી. પરંતુ બાળકીએ કોઇ જવાબ આપ્યો ન હતો અને બાળકીની માતાએ સુજીત કુમાર મિસ્ત્રીના ઘરની બારીમાંથી જોતા આ બાળકી લોહી લુહાણ હાલતમાં પડી હતી જેથી બાળકીની માતાએ સુજીત કુમાર રામબિયન મિસ્ત્રીને ઝડપી લઇ પુછ્યું હતું કે, તે શું કર્યું છે. જો કે, શરૂઆતમાં સુજીત કુમારે એવા બહાના કર્યા હતા કે, બાળકીને ગુપ્તાંગમાં ખંજવાળ આવતી હોવાથી તેણે ખંજોળી આપ્યુ છે અને નખ વાગી જવાથી લોહી નીકળ્યું હશે. જો કે, સ્થાનિક લોકો દોડી આવ્યા હતા અને તેમણે સુજીત કુમારને મારપીટ કરતા તે સાચુ બોલી ગયો હતો અને તેણે કબુલ કર્યું હતું કે, તેણે માસુમ સાથે બળાત્કાર આચર્યો છે અને બદકામ કરી તે ભાગી જવાની ફિરાકમાં હતો. સ્થાનિક લોકોએ પાંડેસરા પોલીસને જાણ કરતા પોલીસ તુરંત ઘટના સ્થળ પર દોડી આવી હતી અને પોલીસે સુજીત કુમારને ઝડપી લઇ તેની તપાસ હાથ ધરી હતી. બાદમાં તેને લાજપોર જેલના હવાલે કરવામાં આવ્યો હતો.

આ કેસમાં સરકારી વકીલ રાજેશ ડોબરીયાની દલીલોને ગ્રાહ્ય રાખીને કોર્ટે આરોપી સુજીત કુમાર રામબિયન મિસ્ત્રીને તક્સીરવાર ઠેરવ્યો હતો. તેમજ 20 વર્ષની સખત કેદની સજા ફટકારી હતી. કોર્ટે એવુ પણ જણાવ્યું હતું કે, આરોપીએ જે કૃત્ય કર્યુ છે તેને વખોડવા માટે શબ્દો નથી અને આવા ગુનામાં મહત્તમ સજા થાય તે આવશ્યક છે.