Page Views: 11407

ઘોડા છુટી ગયા પછી તબેલાને તાળા મારવા જેવો ઘાટ - રત્નકલાકારોમાં કોરોના અંગે જાગૃતિ ફેલાય તે માટે પાલિકાએ હોર્ડિંગ્સ લગાવ્યા

રત્નકલાકારોએ શું કાળજી લેવી અને કારખાનેદારોએ શું તકેદારી રાખવી તેની વિગતો દર્શાવાઇ

સુરત-18-9-2020

લોક ડાઉનમાં છૂટ અપાયા બાદ સુરત શહેરમાં કોરોનાનું સંક્રમણ ભય જનક રીતે વધી રહ્યું છે. ખાસ કરીને જે પેટર્નથી કોરોનાના કેસમાં વધારો થઇ રહ્યો છે તે જોતા આવનારા દિવસો સુરત શહેરના લોકો માટે હજુ પણ વધારે કપરા હશે એવા સંકેતો મળી રહ્યા છે. ત્યારે સુરત મહાનગર પાલિકાનું તંત્ર જાણે ઘોડા નાસી છૂટ્યા બાદ તબેલાને તાળા મારવા નીકળ્યું હોય એવુ લાગી રહ્યું છે. મોબાઇલ ફોનની કોલર ટ્યુનથી માંડીને અનેક જાહેર અપીલો તેમજ આરોગ્ય રથ ફેરવી ફેરવીને તેમજ માસ્ક ન પહેરનાર કે જાહેરમાં થુકતા ઝડપાનારા વ્યક્તિઓ પાસેથી દંડ વસુલનાર મહાનગર પાલિકાએ હવે વરાછા અને કતારગામ વિસ્તારમાં ઠેર ઠેર હોર્ડિંગ્સ મારીને રત્નકલાકારો તેમજ કારખાનેદારોમાં કોરોના અંગે જાગૃતિ આવે તે માટેના પ્રયાસો હાથ ધર્યા છે. જ્યારે લોક ડાઉન ખુલ્યુ ત્યારે જે કાર્યવાહી કરવાની હતી તે કરવાને બદલે અધિકારીઓ દંડ વસુલવામાં વ્યસ્ત હતા. વગર વાંકે બેકારી અને ગરીબીમાં પીસાતી પ્રજાના કોલર પકડીને દંડ વસુલનારાઓ હવે કોરોના સામે જંગ જીતવા માટે લોકોને બોર્ડ લગાવીને જાગૃત કરી કોરોનાને હરાવવા માંગતા હોય એવુ લાગી રહ્યું છે. રત્નકલાકારો અને કારખાનેદારો માટે આ બોર્ડમાં અલગ અલગ પ્રકારની સૂચનાઓ લખવામાં આવી છે જેનું પાલન ઓલરેડી કારખાનેદારો અને રત્નકલાકારો કરી જ રહ્યા છે. પરંતુ તેમ છતા પાલિકાના અધિકારીઓ જાણે કાગળ પર કામગીરી બતાવવામાં શૂરવીર હોય એમ હવે બોર્ડ બેનર મારીને પોતાની ફરજ પુરી થઇ હોય એવુ માની રહ્યા છે.