Page Views: 33781

આપણી ગેરહાજરીમાં દીવાલ પર લટકતી તસવીર ને લાગણીને કોઈ અસર નહીં થાય

સાથે છીએ ત્યાં સુધી એકબીજા પર પ્રેમ વરસાવતા રહીએ

દામનગર- મનાલી પંડ્યા ભટ્ટ " અશ્વિનાલી" દ્વારા
 

સરકારી  નોકરી  તો  મળી ગઈ પણ લીધા પછી ની  વ્યસ્તતા... શું વાત કરું?  ફરજ જ સર્વસ્વ બની ગઈ. આખરે ઘણા સમય પછી શ્રાવણી પૂનમના આગલા દિવસે ઘરે જવાની રજા મળી, અને મારું અને અશ્વિન નું  બે પૈડાંનુ સાથીદાર દામનગર થી નેસવડ ભણી ઉપડ્યું... ઘરે પહોંચવાની રાહ માં ને રાહમાં મુસાફરી નો અઢી કલાકનો સમય કેમ પસાર થઈ ગયો ખબર જ ન પડી.  એમાંય ચોમાસાની ઋતુ  અને રોડની બન્ને તરફ લીલોતરી, વચ્ચે આવતા નાના-મોટા તળાવ, જ્યાં નજર  પહોંચે ત્યાં માત્ર લીલોતરી નયન ને ઠંડક આપતી હતી.

               બપોરે 2:00 વાગ્યાની આસપાસ અમે ઘરે પહોંચ્યા.  મારા દિયરજી અમારી વાટ જોઇને બેઠા હતા. આ કોરોનાની મહામારી માં ઘરે પહોંચતા વેંત વ્યવસ્થિત સાબુથી હાથ ધોઈ અમે અંદર ગયા. એટલામાં બહારગામ ગયેલા મારા મમ્મી (સાસુ) ઘરે પહોંચ્યા. અમે બંને હંમેશની ટેવ મુજબ તેમને પગે લાગી આશીર્વાદ લીધા ને ઓસરીમાં બેસી થોડી વાતો કરી.  ત્યાં ફળિયામાં  નાના-નાજુકડા બિલાડી ના બે  બચોળિયા મમ્મી જોઈ ગયા અને પૂછવા લાગ્યા,કે આ બચોળિયા ક્યાંથી આવ્યા? બાજુના ઘરે થી ક્યાંયથી આવ્યા કે કુલદીપ (દિયર) વાડીએથી લાવ્યો?.... મેં કીધું ખબર નહીં ક્યાંથી આવ્યા... પણ, કેમ કુલદીપ ભાઈ લાવ્યા એમ કહો છો?  એ ક્યાંથી લાવવાના હતા? મમ્મી કહે, કે આપણી વાડીએ  મીંદડી  વિયાણી  હતી. એના બે બચ્ચાં છે. ખબર નહીં ને કેમ એની મા કાકાની વાડીના કૂવા  તરફ ગઈ હશે, તો અજાણતા કૂવામાં પડી ગઈ અને મરી ગઈ. એટલે આ બચોળિયા ઘરે લાવવાનું વિચારતા હતા. એટલે કદાચ કુલદીપ ઘરે લાવ્યો હશે. મેં કીધું બહુ સારું કર્યું. વાડીએ ખુલ્લી જગ્યામાં આ બચોળિયા  સુરક્ષિત ના રહે એની કરતા ઘરે પાળીશું અને મોટા કરીશું...

                 ઘરનું કામ આટોપતા સાંજ પડી ગઈ. અને હું ફળિયામાં ખુલ્લા રસોડામાં રસોઇ કરવા બેઠી. આમ તો અમારા ઘરે બે રસોડા છે. એક શહેરી ટાઈપ નું રસોડું. પ્લેટફોર્મ ,ફર્નિચર બધી સુવિધા વાળું અને બીજું ગામડા ટાઈપ નું રસોડું. ખુલ્લામાં ચૂલા વાળુ... આમ તો મેં ક્યારેય ચૂલા પર રાંધેલું નહીં પણ લગ્નના બે વર્ષમાં મમ્મીની સાથે રહીને ચૂલા પર રસોઈ ફાવી ગયેલી. મોટો ચોરસ ઓટલો છે. તેના પર અમે ચૂલો કરીએ, ને પાછળની બાજુએ બળતણ ખડકેલા છે. અને ઉપર નળિયાનું સરસ મજાનું ઢાળિયું છે. ઝરમર-ઝરમર વરસાદ વરસતો હતો આથી મેં વિચાર્યું કે ફળિયાના રસોડામાં રસોઈ કરવાની મજા આવશે. તેથી ઢાળિયા માં રસોઇ કરવા બેઠી ત્યાં તો કૂદાકૂદ કરતા બંને બચોળિયા નજરે ચડ્યાં. બિન્દાસ કંઈ પણ ડર વગર ગમે ત્યાં દોડે, ગમે ત્યાં ચડી જાય. ઘડીક એ લાકડા પર ચડી જાય ઘડીક નાનકડા સ્ટીલ ના ડબ્બાને સિંહાસન બનાવી તેની પર બેસી જાય. ઘડીક લાકડા પર દોડા-દોડ કરે તો વળી ઘડીક છાણા માં સંતાઈ જાય. બંને બચોળિયા ને એકબીજા નો સથવારો હોવાથી એમને તો ભારે મોજ પડી. જેમ પોલીસવાળા અને આર્મી વાળા ને ટ્રેનિંગમાં દિવાલ પર ચડવાની પ્રેકટિસ કરાવવામાં આવે છે તેવી રીતે આ બંને બચુડા પિંજરા ની જાળી માં નખ ફસાવીને મારી સામે સ્ટંટ કરતા. હું રસોઈ કરતી જાવ ને એના નખરા જોતી જાવ. એટલામાં મારા સસરા વાડીએથી ઘરે આવ્યા. આવીને પહેલો સવાલ ક્યાં ગયા મારા બચોળિયા???... અને તેને ગોતવા લાગ્યા. આપણે જેમ નાના બાળક સાથે નાના બાળક બની જઈએ તેમ પપ્પાનામાં મને નિખાલસ મમતા ઉભરાતી દેખાઈ... તે  મ્યાઉં મ્યાઉં કરવા લાગ્યા. ને પપ્પા નો અવાજ સાંભળતા જ બંને બચોળિયા છાણામાંથી બહાર આવી પપ્પાની ફરતે કૂદાકૂદ કરવા લાગ્યા. પપ્પા એને સકુશળ જોઈને ખુશ થયા. અને પછી પોતાના કામે લાગી ગયા.

                 રસોઇ પતાવી અમે જમવા બેઠા તો એક બચોળિયું તો એટલું નટખટ હતું કે વારંવાર મારી બાજુ માં આવી ને જતું રહે, આવીને જતું રહે. મને તો બહુ ગમવા લાગ્યા. હું એને જોવા 15 મિનિટ તો ત્યાં જ બેઠી રહી. અને પિંજરા પર ચડવાના એના સ્ટંટનો વિડીયોગ્રાફી કરતી રહી. એ તો એની મસ્તીમાં મશગુલ હતા. હું પછી વાસણ કરવા ગઈ. મમ્મી ઓસરીમાં બેઠા હતા, અને અશ્વિન ફળિયામાં... એટલામાં મમ્મીએ એક બિલાડીને જોઈ તે બચોળિયાને સતત જોતી હતી... મમ્મી મને કે બિલાડી આવી છે, બચ્ચા ને જુએ છે પણ એવું લાગે છે કે બચોળિયા છે એટલે કંઈ કરશે નહીં.. મેં જોયુ તો બંને બચોળિયા હજુ પિંજરે જ રમતા હતા. અને બિલાડી એની તરફ ધીમા પગલે જવા કોશિશ કરતી હતી. હજી હું અશ્વિને કહું છું, કે જરા ધ્યાન રાખો તો આ બિલાડી પર વિશ્વાસ ન કરાય. એ જુઓ ધીમા પગલે એની તરફ જાય છે ત્યાં તો સેકન્ડવારમાં બિલાડીએ એક બચોળિયા પર તરાપ મારી એને મોઢામાં દબોચીને ભાગી... મારી તો રાડ પડી ગઈ.. વાસણ ફટ કરતાં પડતા મુકી હું ઉભી થઇ અને અશ્વિનએ તાત્કાલિક ફળિયામાં રહેલો વેકરાનો મુઠ્ઠો ભરી બિલાડી પર ફેંક્યો... બિલાડીના મોઢા માંથી બચોળિયુ તો પડી ગયું પણ બિલાડી અમારા બાથરૂમ ની દીવાલ પર થઈને અગાસી ના ખૂણે જઈને બેઠી....  બેઠી-બેઠી એકીટસે પોતાનાથી છૂટી ગયેલા શિકાર સામે જોતી હતી... અશ્વિન બિલાડી સામે ધ્યાન રાખીને બેઠા, અને હું એને પકડવા ગઈ... એને સુરક્ષિત જગ્યાએ ખસેડવા હું એને લેવા તો ગઈ પણ તેણે મારી સામે જોરદાર ચીસ પાડી અને દાંત બતાવ્યા... તે એટલું ડરી ગયું હતું કે મને જોઈને એ બીકનુ માર્યું લાકડાની અંદર જતું રહ્યું... લાકડાની ગોઠવણમાં એ મળવાની શક્યતા ન હતી... એ લાકડા ની અંદર હતું એટલે સુરક્ષિત હતું. કેમકે બિલાડી તેની અંદર જઈ શકે એવી કોઈ પરિસ્થિતિ ન હતી. હવે થયું એવું કે બીજું બચોળિયુ બીકનુ માર્યું છાણાંમાં સંતાઈ ગયું..                    

         મેં ,મમ્મીએ અને અશ્વિને મ્યાઉં મ્યાઉં કરીને બહાર કાઢવાની કોશિશ કરી પણ ના નીકળ્યું.... મહામહેનતે બહાર નીકળ્યું તો લાકડાની ટોચે જઇને બેઠુ... હવે અમને એ ડર કે જો આ ત્યાં જ બેસી રહેશે તો બિલાડી આસાનીથી તેને લઈ જઈને મારી નાખશે... આથી તેને ઉતારવા કાંકરી મારી જોઈ લાકડાના ટુકડા ફેંકી જોયા પણ એને કોઈ અસર ના થઈ.. અંતે અશ્વિન લાકડા ઉપર ચડી એને લાકડું અડાડ્યું.  બીકનું માર્યું તે નીચે આવી ફરી છાણાંમાં સંતાયું...

             માંડ-માંડ મહા મહેનતે એને બહાર લાવી મેં પકડી સ્ટોર રૂમમાં પુરી દીધું એને પુરવાનો આશય માત્ર એનો જીવ બચાવવાનો હતો... અંદર એને ભાખરી ને દૂધ આપ્યું.... સ્ટોરરૂમની  3 બારી  વ્યવસ્થિત બંધ કરી અમે ઓસરીમાં બેઠા... એ અંદર એકલું પડી ગયેલું... બહાર નીકળવા બહુ મ્યાઉં મ્યાઉં કર્યું... પણ અમે મજબુર હતા... લાકડા માં ફસાયેલ બચોળિયાને બહાર લાવવા બહુ પ્રયત્ન કર્યા... પણ એની તરફથી કોઈ સંપર્ક થયો નહીં... આથી થાકીને અમે ઓસરીમાં બેઠા વાટ જોઈને કે કદાચ બહાર આવે તો બન્નેને સાથે સ્ટોર રૂમમાં મૂકી દઈએ... પણ એ તો ના આવ્યું.... ને ફરી બચોળિયાની અમને ચીસો સંભળાય જોયું તો બિલાડીએ બીજા બચાવ્યા ને પણ દબોચી લીધુ...અને ભાગવા જતી હતી ત્યાં જ અશ્વિનને દોડીને વેકરો માર્યો ને એના મોઢામાંથી બચોળિયુ  પડી ગયું. બરાબર ફળિયાની વચોવચ પડ્યું ને ચીસો પાડવા લાગ્યું... મેન એને શાંત પાડી ને ફરી વાર એને પકડ્યું ને પહેલા તપાસ કરી કે સ્ટોર રૂમ માંથી બહાર કઈ રીતે આવ્યું... જોયું તો એક બારીમાંથી એણે પડદો હટાવી નાનકડી એવી જગ્યામાંથી બહાર આવી ગયું..પછી તો બચોળિયુ સ્ટોરરૂમમાં પણ સુરક્ષિત ન હતું... આથી છેવટે મેં બાથરૂમમાં પૂરી દીધું... અને દૂધ અને ભાખરી ખાવાનું આપી દીધું.. લાકડા માં ફસાયેલ બચ્ચું તો બહાર નીકળ્યું જ નહીં... આ ધમાલમાં રાતના 11:00 વાગી ગયા. કલાક  તો મે એની રાહ જોઈ પણ બહાર ન આવ્યું તો ન જ આવ્યું... ને હું ઉદાસ થઈને ઓસરીમાં બેઠી ને વિચારે ચડી ગઈ.. બચોળિયા ની ગમ્મત ની તસ્વીરો મારી આંખ સામે એક પછી એક આવવા લાગી... હું વિચારું કે કેવી આ કુદરતની કરામત છે. હજુ બે કલાક પહેલા બન્ને કેવા સાથે રમતા હતા. એને રમતા જોઈને મારું દિલ કેટલું ખુશ થતુ હતું. અને સેકન્ડ વારમાં બિલાડી રૂપી કેવું તોફાન આવ્યું કે આ બંને બચુડા અલગ પડી ગયા... એક તો કેવી હાલતમાં લાકડા ની અંદર હશે એની તો કલ્પના પણ થતી નથી ,અને એક ને બિચારા ને બાથરૂમ રૂપી એક રાત ની જેલ ભોગવવા જેવું થયું... આ જેલ એના સારા માટે હતી,  પણ એને ક્યાં ખબર હતી?? મારા વિચારો ચગડોળે ચડયા.. ત્યાં અશ્વિને મને પૂછ્યું શું થયું??? ત્યાં મારી આંખમાંથી દડદડ આંસુ વહેવા લાગ્યા. અશ્વિન મને કહે, કેમ રડે છે?... મેં કીધું એ વિચારથી રડવું આવે છે કે, હજુ બે કલાક પહેલા એની રમતોથી આખું ફળિયું ગુંજતું હતું. અને અત્યારે બંને પાછા મળશે કે નહીં એ પણ આપણને ખબર નથી....

           અશ્વિને મને હિમ્મત આપતા કહ્યું એને કંઈ નહીં થાય બાર વાગ્યા છે. હવે સુઈ જા. હું ,મમ્મી અને અશ્વિન એ વિચારથી જ ઓસરીમાં સૂઈ ગયા, કે કદાચ લાકડા માં રહેલ બચોળિયુ બહાર આવે તો પેલી બિલાડી એને હેરાન કરી નાખશે તો??? મારી નાખશે તો??..  તેનું ધ્યાન રાખી શકીએ એટલે અમે ઓસરીમાં જ સુઈ ગયા... મને તો સપનામાં પણ બિલાડી ના ટોળા જ આવ્યા... પણ જેવી રડતી રાત હતી તેવી હસતી સવાર થઈ... લાકડા માં સંતાયેલ બચોળિયું ફરી રસોડામાં રમતું જોવા મળ્યું .... મારા હૃદયમાં હાશકારો થયો. પછી બન્નેને સાથે સ્ટોર રૂમમાં મૂકી દીધા.. અને ત્રણ ટાઈમનું જમવાનું પણ આપતા રહ્યા... જ્યારે બિલાડી પર નજર રાખી શકાય ત્યારે અમે આ બચોળિયા ને રમવા માટે બહાર કાઢતા.. અને ફરી સ્ટોર રૂમમાં મૂકી દેતા... હવે એ સમયની વાટ જોઈએ છીએ જ્યારે આ બંને થોડા મોટા થઈ જાય અને પોતાની જાતને સુરક્ષિત પોતે રાખી શકે...

         આ સત્યઘટના પરથી મને એ વાત જરૂર સમજાઇ ગઇ કે જ્યાં સુધી આપણે એકબીજાની સાથે છીએ ત્યાં સુધી જિંદગી જીવી લઈએ...મોજ માણી લઈએ... હસતા-રમતા રહીએ...ખુશ રહીએ....ક્યારે , કોના જીવનમાં આ બિલાડી રૂપી દુઃખ કે વિરહ આવવાનો છે ,એ કોઈને ખબર નથી. તેથી સાથે છીએ ત્યાં સુધી એકબીજા પર પ્રેમ વરસાવતા રહીએ.. સંબંધોને સમય આપીએ.સાચી ભાવનાથી એકબીજાની સાથે રહીએ...  અહીં તો બચોળિયાના નસીબ સારા હતા કે, તે બંને બચી ગયા... પણ જરૂરી નથી કે બધાના નસીબ પણ એવા સારા હોય... કુદરત ક્યારે કોની ચિઠ્ઠી ફાડે એ નક્કી નથી હોતું..  તો છીએ ત્યાં સુધી હળી-મળીને જીવી લઈએ ...આથી હયાતીમાં લાગણી વરસાવી દો...કારણ કે આપણી ગેરહાજરીમાં દીવાલ પર લટકતી તસવીર ને લાગણીને કોઈ અસર નહીં થાય....