Page Views: 14602

આજે મધરાત સુધીમાં નર્મદા ડેમ તેની સર્વોચ્ચ સપાટીએ પહોંચશે

આવતી કાલે સી એમ ઓફિસમાંથી નર્મદા માતનું ઇ પૂજન કરવામાં આવશે

ગાંધીનગર-16-9-2020

ચાલુ વર્ષે ગુજરાત મહારાષ્ટ્ર અને મધ્ય પ્રદેશમાં ધારણા કરતા પણ વધારે સારો વરસાદ પડ્યો છે. જેના પગલે ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવરમાં સતત પાણીની આવક વધી રહી છે અને નર્મદા ડેમના વધામણાની ઘડીઓ આવી ગઇ છે. નર્મદા ડેમની જળ સપાટી 138.58 મીટરે પહોંચી છે. એટલે કે ડેમ 99.99 ટકા ડેમ ભરાઇ ગયો છે. આવતીકાલે નર્મદા ડેમને છલોછલ ભરીને રાજ્ય સરકાર વડા પ્રધાન નરેન્દ્ર મોદીને તેમના જન્મ દિવસ નિમિત્તે મોટી ભેટ અપાશે. આ સિઝનમાં પ્રથમ વખત 138.68 મીટર સુધી છલોછલ ભરાશે. હાલ ડેમ મહત્તમ સપાટી 138.68થી માત્ર 10 સે.મી. દૂર છે. નર્મદા ડેમના ઉપરવાસમાંથી 82,184 ક્યૂસેક પાણીની આવક થઇ રહી છે. રિવરબેડ પાવર હાઉસના 6 ટર્બાઇનો ચાલુ નર્મદા નદીમાં 34,766 ક્યૂસેક છોડાઈ રહ્યું છે, ત્યારે આજે રાત્રે 12 વાગ્યા સુધીમાં મહત્તમ સપાટી પર પહોંચશે. સરદાર સરોવર નર્મદા ડેમ તેની સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યા બાદ આવતીકાલે સવારે મુખ્યમંત્રી વિજય રૂપાણી તેમની ઓફિસેમાંથી નર્મદા મૈયાનું ઇ-પૂજન કરશે અને નર્મદા બંધ પર નર્મદા નિગમ દ્વારા વિશેષ પૂજા અને નર્મદા બંધના વધામણા કરવામાં આવશે. ગત વર્ષે 2019માં PM મોદીએ તેમના જન્મદિવસે 17 સપ્ટેમ્બરે જ નર્મદાના નીરની પૂજા કરી હતી અને નર્મદા ડેમ છલોછલ ભરાઇ જતા વધામણા કર્યાં હતા, ત્યારબાદ પીએમ મોદીએ જંગલ સફારી ટુરિસ્ટ પાર્ક, ખાલવણી ઈકો ટુરિઝમ સાઈટ, કેકટસ ગાર્ડન, સરદાર સરોવર ડેમ સાઈટ, બટર ફલાય ગાર્ડન અને એકતા નર્સરીમાં ઈકો ફેન્ડલી પ્રોડકટના પ્રોડકશન સ્થળની મુલાકાત લીધી હતી.