Page Views: 10908

લિંબાયત મુક્તિધામ સ્મશાનભૂમિમાં ભ્રષ્ટાચારના આરોપ સાથે ધારાસભ્ય સંગીતા પાટીલ સહિત 17 સામે ફોજદારી દાખલ કરવાની માંગણી

જો કે, ધારાસભ્યએ કહ્યું હું માત્ર ટ્રસ્ટી છું વહીવટી બાબતમાં મારો કોઇ રોલ નથી

સુરત-16-9-2020

શહેરના લિંબાયત વિસ્તારમાં મુક્તિધામ હિન્દુ સ્મશાનભૂમિ વિકાસ ટ્રસ્ટ દ્વારા સ્મશાનભૂમિના બાંધકામમાં ગોબાચારી થયાના આરોપ મુકાયા છે. નીતિન ભરૂચા દ્વારા પોલીસ કમિશનરને અરજી આપવામાં આવી છે કે, આ મામલે લિંબાયત વિસ્તારના ધારાસભ્ય સંગીતા પાટીલ સહિતના ટ્ર્સ્ટીઓ અને જવાબદારો સામે સત્તાવાર પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવે. અત્યાર સુધીમાં લિંબાયત ખાતે આ સ્મશાન ભૂમિના નિર્માણ માટે સુરત મહાનગર પાલિકા દ્વારા રૂપિયા 6 કરોડ 41 લાખની ગ્રાન્ટ મંજૂર કરવામાં આવી છે. જે પૈકી પાલિકા દ્વારા રૂપિયા ચાર કરોડ ચાર લાખ ટ્રસ્ટને ચુકવવામાં આવ્યા છે. હાલમાં આ સ્મશાન ભૂમિનું બાંધકામ ફુટીંગ અને ગ્રાઉન્ડ લેવલ સુધી જ પહોંચી શક્યું છે અને ટ્રસ્ટ દ્વારા સ્મશાન ભૂમિના નિર્માણ માટે વધુ રૂપિયા 12 કરોડની ગ્રાન્ટની માંગણી કરવામાં આવી છે. નીતિન ભરૂચા દ્વારા સમગ્ર પ્રકરણમાં ભ્રષ્ટાચારની શંકા વ્યક્ત કરવામાં આવી છે અને પ્રકરણની તળિયા ઝાટક તપાસ થાય એવી માંગણી પણ કરવામાં આવી છે. વધુમાં તેમણે અરજીમાં જણાવ્યું છે કે, લિંબાયત ખાતે નિર્માણાધિન સ્મશાનભૂમિના ટ્રસ્ટી અને ધારાસભ્ય સંગીતા પાટીલ સહિત છોટુ પાટીલ તથા પાલિકાના અધિકારીઓ અને અન્ય 17 વ્યક્તિ દ્વારા જનતાના પૈસાનો દુર ઉપયોગ કરીને ભ્રષ્ટાચાર કરાયો હોવાનો આરોપ નીતિન ભરૂચા દ્વારા કરવામાં આવ્યો છે તેમજ ઓડીટમાં ખામી છે અ સિડ્યુલ ઓફ રેટ કરતા પણ વધારે ખર્ચ કરવામાં આવ્યો હોવાનું મહાનગર પાલિકાની નોંધમાં જણાવવામાં આવ્યુ છે ત્યારે આ તમામ સામે શા માટે પૈસાની ઉચાપત કરાયા સહિતની કલમ લગાવીને ગુનો દાખલ કરવામાં ન આવે અને આ મામલે તટસ્થ તપાસ કરવામાં આવે.

ધારાસભ્ય સંગીતા પાટીલે કહ્યું, હું છેલ્લા નંબરની ટ્રસ્ટી, ચૂંટણી આવે એટલે ખોટી રીતે અરજીઓ થાય છે

લિંબાયત વિસ્તારના મહિલા ધારાસભ્ય સંગીતાબેન પટેલે જણાવ્યું હતું કે, હું આ ટ્રસ્ટમાં છેલ્લા નંબરની ટ્રસ્ટી છું મારે વહીવટી બાબતમાં રસ લેવાનો થતો નથી બાંધકામ સહિતની જવાબદારી અન્ય લોકોની છે અને પ્રમુખ સહિતના વ્યક્તિઓ આ બાબત જોઇ રહ્યા હોવાથી મને આ મામલે કોઇ જાણકારી નથી તે સ્વભાવિક છે. જે કામગીરી કરવામાં આવે છે તેનું ઓડીટ થાય છે અને ખાસ કરીને જ્યારે ચૂંટણીઓ આવે છે ત્યારે આવા મુદાઓ ઉઠાવીને ખોટી રીતે અરજી કરવામાં આવી હોય એવુ લાગી રહ્યું છે.