Page Views: 4656

રાજકોટમાં ત્રણ નોટ મેટ્રીક યુવાનો નેચરો થેરાપીનીની આડમાં ગર્ભપાત સેન્ટર ચલાવતા ઝડપાયા

મવડી પ્લોટ વિસ્તારમાં ચાલતા રેકેટમાં સંખ્યાબંધ દીકરીઓની ભ્રુણ હત્યા થયાની પોલીસને આશંકા

રાજકોટ-15-9-2020

રાજકોટના મવડી વિસ્તારમાં નેચરો થેરાપી સેન્ટરની આડમાં ગર્ભપાત કરવાનું કૌભાંડ પોલીસ અને જિલ્લા આરોગ્ય વિભાગની ટીમે ઝડપી પાડ્યું છે. નવાઇની વાત એ છે કે, આ સેન્ટર ત્રણ નોન મેટ્રીક યુવાનો માત્ર ડોક્ટરોને ત્યાં નોકરીના અનુભવને આધારે ચલાવતા હતા અને કેટલિય બાળકીઓની ભ્રુણ હત્યા આ ટોળકીએ કરી નાંખી હોવાનું પોલીસનું માનવું છે. અત્યાર સુધીમાં આ સેન્ટરમાં આવી ગયેલી મહિલાઓની વિગતો પણ પોલીસ તપાસી રહી છે ઉપરાંત સમાજમાં દુષણ સમાન ભ્રુણ હત્યા કરનારા આ લોકોના કારસ્તાનની ઝીણવટભરી તપાસ પણ હાથ ધરવામાં આવી છે.

રાજકોટ પોલીસના સકંજામાં ગર્ભ પરિક્ષણ કરનારા શખ્સો આવ્યા છે તેમના નામ અમિત પ્રવીણ થિયાદ, દિનેશ મોહન વણોલ અને અવેશ રફીક મંસુરી છે. આ શખ્સો પર આરોપ છે કે, મવડી વિસ્તારમાં ચાલતા નેચરોથેરાપી સેન્ટરના ઓઠા હેઠળ ગર્ભ પરીક્ષણ અને ગર્ભપાત કરવાના કાળા કારનામા તેઓ કરતા હતા.  સમગ્ર મામલે તપાસમાં બહાર આવેલી વિગતો અનુસાર,  રાજકોટના મવડી રોડ પર આવેલ બાપા સીતારામ ચોક પાસે હરિઓમ એક્યુપ્રેશર એન્ડ નેચરોથેરાપી સેન્ટરમાં ગર્ભ પરીક્ષણ કરવામાં આવતું હોવાની આરોગ્ય વિભાગને માહિતી મળી હતી. પોલીસને સાથે રાખીને દરોડો કરવામાં આવતા આરોપીઓ ગર્ભ પરીક્ષણ કરતા હોવાનું સામે આવ્યું હતું. પોલીસે ગર્ભ પરીક્ષણ કરવાનું મશીન, જેલ સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. હાલ પોલીસે આ મામલે વધુ તપાસ શરૂ કરી છે.આરોપીઓ નોન મેટ્રીક છે. કમ્પાઉન્ડર તરીકે ખાનગી હોસ્પિટલમાં નોકરી કર્યાનો અનુભવ ધરાવે છે. ગર્ભપાતમાં મુખ્ય સુત્રધાર અવેશ હતો. ગાયનેકને ત્યાં ફરજ બજાવી હોવાથી બધી કળાઓ જાણતો હતો. અવેશ અને દિનેશ બન્ને નેપાળથી સોનોગ્રાફિ માટેનું મશીન લઇ આવ્યા હતા. આરોપી અમિતની જગ્યા હતી અને પરિક્ષણ અવેશ અને દિનેશ કરતા હતા. છેલ્લા સાત મહિનાથી ગર્ભ પરિક્ષણ કરતા હોવાનું સામે આવ્યું છે. પોલીસ તપાસમાં ગર્ભ પરીક્ષણનાં રૂપિયા 12,000 અને ગર્ભપાતનાં રૂપીયા 20 હજાર લેતા હોવાનું સામે આવ્યું છે. હાલ પોલીસે ત્રીપુટીને ઝડપી લીધી છે અને આ ત્રિપુટીએ  છેલ્લા સાત મહિનામાં કોના અને કેટલા ગર્ભ પરિક્ષણ કર્યા છે તેને લઇને તપાસ શરૂ કરી છે. પોલીસની તપાસમાં ગામડાની મહિલાઓના અને કેટલાક એજન્ટોના નામ પણ સામે આવવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.