Page Views: 4237

મુળ સુરતી ચરિત્ર અભિનેતા કૃષ્ણ કાંત

કે કે જેટલું સરળતાથી જીવ્યા એટલી જ સરળતાથી તેમણે આ ફાની દૂનિયાને અલવિદા કહી

સુરત-નરેશ કાપડીઆ દ્વારા

કે.કે.ના નામથી જાણીતા થયેલાં કૃષ્ણકાંત ભૂખણવાલાનો જન્મ ૧૫ સપ્ટેમ્બર, ૧૯૨૨ ના રોજ થયો હતો. સૂરતથી મુંબઈ જઈને ગુજરાતી-હિન્દી નાટકો અને ફિલ્મોમાં અભિનય-દિગ્દર્શનના અજવાળા પાથરનારા કૃષ્ણ કાંત ભૂખણવાલાને સુરતી સમાજ કે.કે. સાહેબના માનવંતા નામે સંબોધતો હતો.

કે.કે. સાહેબની મોટી સિધ્ધી એ છે કે રાજ કપૂર, દિલીપ કુમાર, દેવ આનંદ, રાજેશ ખન્ના અને અમિતાભ બચ્ચન જેવા પોતપોતાના સમયના દિગ્ગજ કલાકારોના તેઓ સહ કલાકાર રહી ચુક્યા છે. હિન્દી ફિલ્મ જગત સાથે ૬૦ વર્ષ જેટલો લાંબો સમય રહેલાં કે.કે. એ ૧૯૦ જેટલી ફિલ્મોમાં અભિનય કર્યો છે. તેમનું ગુજરાતી ફિલ્મ ક્ષેત્રે પણ મોટું પ્રદાન છે. તેમના મનમાં અને યાદોંમાં હિન્દી-ગુજરાતી ફિલ્મોની અનેક રોચક વાતો ધરબાયેલી હતી, એમાંની ઘણી સ્મૃતિઓ તેમણે તેમના પુસ્તક ‘ગુજરા હુઆ જમાના’માં વાગોળી છે. તેમાંની ઘણી યાદોંને આકાશવાણી દ્વારા છ કલાક જેટલાં લાંબા ઇન્ટરવ્યુમાં આર્કાઈવ્ઝમાં પણ સાચવવામાં આવી છે.  ૧૯૪૩થી તેમણે ૧૯૦થી વધુ હિન્દી, ૧૬ ગુજરાતી, બે બંગાળી અને બે અંગ્રેજી ફિલ્મોમાં અભિનય કર્યો હતો. તેમણે ગુજરાતી-હિન્દી નાટકોથી મુંબઈમાં શરૂઆત કરી હતી. હિન્દી ફિલ્મોના જે નિર્દેશકો સાથે કે.કે. સાહેબે કામ કર્યું છે તેમાં ફણી મજમુદાર, અમીય ચક્રવર્તી, ગુરુ દત્ત, બિમલ રોય, રાજ કપૂર, રવીન્દ્ર દવે, શક્તિ સામંત, આસિત સેન, શ્રીધર, ગોવિંદ સરૈયા નો સમાવેશ થાય છે.  તેમણે ટેલીવિઝન સીરીયલ અને ટેલીફિલ્મો પણ કરી હતી.હરકિસન મહેતા દ્વારા ધારાવાહિક રીતે લખાયેલી ‘પ્રવાહ પલટાયો’ને ગુજરાતી ફિલ્મ ‘ડાકુ રાણી ગંગા’ રૂપે કે.કે.એ નિર્દેશિત કરી હતી, જેને માટે એમને ગુજરાત રાજ્યના શ્રેષ્ઠ દિગ્દર્શકનો એવોર્ડ મળ્યો હતો. ગુલશન નંદાની હિન્દી નવલકથા આધારિત ગુજરાતી ફિલ્મ ‘કુલવધુ’ તથા‘મા દીકરી’નું તેમનું નિર્દેશન ખુબ વખણાયું હતું. તો રાષ્ટ્રીય એવોર્ડ માટે નામાંકિત થયેલી ગુજરાતી ફિલ્મ ‘વિસામો’માંનિર્દેશન ઉપરાંત મુખ્ય અભિનય પણ તેમણે કર્યો હતો. ‘સંસારચક્ર’, ‘ગુણસુંદરીનો ઘરસંસાર’, ‘સોનબા અને રૂપબા’, ‘મણીયારો’ કે ‘જોગસંજોગ’ માટે કૃષ્ણ કાંતને હંમેશા ગુજરાતી દર્શકો યાદ કરશે. 

ટેલીવિઝન માટે બાસુ ચેટરજીની ‘દર્પણ’ અને ‘વ્યોમકેશ બક્ષી’, હૃષીકેશ મુખર્જીની ‘ઉજાલે કી ઓર’ અને ગુજરાતી ટીવી શ્રેણી ‘અનુરાધા’, ‘માયાવી જાળ’, ‘ઘરસંસાર’ અને ‘સપ્તપદી’માં કે.કે. સાહેબે મહત્વની ભૂમિકા કરી હતી.  મુંબઈના સિને આર્ટીસ્ટ એસોસિએશનના તેઓ સ્થાપક સભ્ય છે. ૧૯૯૬માં તેની ૩૮મી વાર્ષિક સભામાં દિલીપ કુમારે તેમનું સન્માન કર્યું અને તેમને ‘લાઈફ ટાઈમ એચિવમેન્ટ’ એવોર્ડ એનાયત થયો હતો. ગુજરાત રાજ્ય દ્વારા અપાતા સિને સન્માન પસંદગી સમિતિના તેઓ અધ્યક્ષ રહ્યાહતા. તેઓ ભારતીય સેન્સર બોર્ડના પાંચ વર્ષ માટે સભ્ય હતા.

કૃષ્ણ કાંત આટલી લાંબી કારકિર્દી પછી ૧૯૯૩થી સૂરતમાં પાછા આવીને રહ્યાં ત્યારથી સતત તેમને ખુબ માન સન્માન મળ્યું હતું.આટલા લાંબા સમય સુધી લોકપ્રિયતા અને સન્માન ટકાવવાનો ગુરુ મંત્ર આપતાં કે.કે. શું કહે છે? એક જ શબ્દમાં તેઓ જણાવે છે, ‘વિનમ્રતા’. જીવનમાં ચડતી પડતી તો આવે, પણ ટકી જશે એજ જે તમામ હાલતમાં સ્વસ્થ અને વિનમ્ર રહે. ‘સૌને માન આપો અને તમે માન પામો’, એ તેમનો જીવન મંત્ર છે.  વિધિના વિધાન જુઓ, ૨૪ ઓક્ટોબર, ૨૦૧૩ના રોજ તેમના મિત્ર અને મહાન ગાયક મન્ના ડે સાહેબનું નિધન થયું હતું, ૯૪ વર્ષની ઉમરે. જયારે ૨૪ ઓક્ટોબર, ૨૦૧૩ના રોજ કે.કે. સાહેબ ચાલી નીકળ્યા, ૯૪ વર્ષની ઉમરે. તેઓ બંને મુંબઈમાં પાંચેક વર્ષ સુધી પાડોશી હતા. કદાચ ઉપર પણ સાથે જ રહેશે. કે.કે. સાહેબની સ્મૃતિને વંદન.

સોમવાર, તા. ૨૪ ઓક્ટોબર, ૨૦૧૬ના રોજ આ જગતમાંથી વિદાય થયા હતા. સુરતના મહાવીર ટ્રોમા સેન્ટરમાં હૃદય રોગના ભારે હુમલા બાદ તેમણે સાંજે ૭.૪૫ની આસપાસ છેલ્લા શ્વાસ લીધાં, ત્યારે ગુજરાતી નાટકો-ફિલ્મો અને હિન્દી ફિલ્મો સાથે છ દાયકાનો નાતો ધરાવનાર એક નખશિખ સજ્જન કલાકાર આ ફાની દુનિયાને છોડીને ચાલી નીકળ્યો. એ પહેલાં ૧૮ સપ્ટેમ્બર, ૨૦૧૫એ  અમે સાહિત્ય સંગમમાં તેમનો ૯૩મો જન્મ દિન ઉજવ્યો હતો. ત્યારે ‘રંગકર્મ’ કાર્યક્રમ શ્રેણી હેઠળ કે.કે. સાહેબે તેમના નાટકોની અંતરંગ વાતો કરી હતી. ત્યારે ક્યાં ખબર હતી કે એ તેમની આખરી મુલાકાત બની રહેશે. અમે કાર્યક્રમ પછી કે.કે. સાહેબને ઘરે મુકવા ગયા તો ખુબ આગ્રહ કરીને તેમણે અમને ડીનર આપ્યું. ખુબ બધી વાતો કરી. હવે એ બધું ભૂતકાળ બની ગયું. તેમને આખરી સારવાર આપનાર શહેરના ખ્યાતનામ ડોકટરે કહ્યું હતું, ‘યાર આપણને પણ ઉપરવાળો આવું મોત આપે, એવી પ્રાર્થના કરો.’ ૯૪ વર્ષે જરાય માંદગી વિના – પીડા વિના તેઓ જેટલું સરળ જીવ્યા હતા, તેટલી જ સરળતાથી ચાલી નીકળ્યા.