Page Views: 5568

રત્નકલાકારોમાં કોરોના પોઝીટીવ આવતા HVK ડાયમંડ સહિત ત્રણ યુનિટો બંધ કરાવાયા

કતારગામ સ્થિત HVK ડાયમંડમાં એક સાથે 16 કારીગરો કોરોના સંક્રમિત હોવાનું તપાસમાં બહાર આવ્યું- અન્ય ત્રણ યુનિટોમાં પણ કારીગરોને કોરોના ટેસ્ટ પોઝીટીવની માત્રામાં વધારો

સુરત-15-9-2020

સુરત શહેરમાં કોરોનાનું સંક્રમણ ભય જનક રીતે વધી રહ્યું છે અને જે વિસ્તારોમાં કોરોનાના કેસ વધી રહ્યા છે ત્યાં ધંધા રોજગાર બંધ કરાવવાની કામગીરી સુરત મહાનગર પાલિકા દ્વારા હાથ ધરવામાં આવી રહી છે. આજે સુરત શહેરના કતારગામ વિસ્તારમાં આવેલા મોટા ડાયમંડ યુનિટ  HVK  ડાયમંડમાં મહાનગર પાલિકા દ્વારા રત્નકલાકારોના રેપીડ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાં  HVK  ડાયમંડમાં કામ કરતા કારીગરો પૈકી 16 રત્નકલાકારોના કોરોના ટેસ્ટ પોઝીટીવ આવ્યા હતા અને પાલિકાના અધિકારીઓ દ્વારા તાકીદના ધોરણે  HVK  ડાયમંડ બંધ કરાવી દેવાનો આદેશ કર્યો હતો. સમગ્ર  HVK  ડાયમંડ કેમ્પસને સેનેટાઇઝ કરવા સાથે તમામ પ્રિમાયસીસને સીલ કરવાની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે.  આ ઉપરાંત  HVK  ડાયમંડ પાસે આવેલા અન્ય ત્રણ ડાયમંડ યુનિટોમાં પણ સુરત મહાનગર પાલિકાની રેપીડ ટીમ દ્વારા રત્નકલાકારોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા જેમાં કોરોનાના દર્દીઓ મળી આવતા આ ત્રણેય યુનિટોને પણ સુરત મહાનગર પાલિકાની ટીમ દ્વારા બંધ કરાવવામાં આવ્યા છે. હીરા ઉદ્યોગમાં રત્નકલાકારોમાં સંક્રમણનું પ્રમાણ વધી રહ્યું છે અને પાલિકા દ્વારા ચોક્કસ ગાઇડ લાઇન બહાર પાડવામાં આવી છે અને તેનું પાલન થાય તે જોવાની જવાબદારી કારખાનેદારોની હોવા છતા પણ કેટલાક કિસ્સામાં કારખાનેદારોની બેદરકારી સામે આવી રહી છે અને પાલિકા દ્વારા દંડ સહિત યુનિટો બંધ કરાવવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે.