Page Views: 3912

સફળ ફિલ્મોના સર્જક – જી.પી. સિપ્પી

બોલિવુડના ઇતિહાસમાં જી પી સિપ્પીએ શોલે જેવી ફિલ્મનું સર્જન કરીને અમુલ્ય યોગદાન આપ્યુ છે

સુરત-નરેશ કાપડીઆ દ્વારા

હિન્દી ફિલ્મોમાં અપ્રતિમ સફળ એવી ‘શોલે’ બનાવનાર ગોપાલદાસ પરમાનંદ સિપ્પી અગર જીવતા હોત તો આજે ૧૦૬ વર્ષના થાત. ૧૪ સપ્ટેમ્બર, ૧૯૧૪ ના રોજ તેમનો જન્મ આજના પાકિસ્તાનના હૈદરાબાદમાં થયો હતો. સિંધી હિંદુ પરિવારના આ ફરજંદે અનેક સફળ ફિલ્મોનું નિર્માણ-નિર્દેશન કર્યું છે. ‘શોલે’ ઉપરાંત જી.પી. સિપ્પી યાદ રહેશે ‘સીતા ઔર ગીતા’, ‘શાન’, ‘સાગર’, ‘રાજુ બન ગયા જેન્ટલમેન’ જેવી સફળ ફિલ્મોથી. ફિલ્મોના નિર્માણ ઉપરાંત તેમનું બહુ મોટું પ્રદાન ફિલ્મ ફેડરેશન ઓફ ઇન્ડિયા (એફએફઆઈ)ના પ્રમુખ રૂપે હતું. તેઓ તે સંસ્થાના પ્રમુખ ત્રણ વખત રહ્યા હતા. તે ઉપરાંત તેઓ ફિલ્મ એન્ડ ટીવી પ્રોડ્યુસર્સ ગીલ્ડ ઓફ ઇન્ડિયાના અધ્યક્ષ પદે પણ લાંબો સમય રહ્યા હતા.

તેમણે ૧૯૫૧માં દેવ આનંદ અને નિમ્મીની ફિલ્મ ‘સજા’નું પહેલું નિર્માણ કર્યું હતું. ૧૯૫૫માં ‘મરીન ડ્રાઈવ’ અને ‘અદલ-એ-જહાંગીર’નું અને ૧૯૫૬મા ‘શ્રીમતિ ૪૨૦’નું નિર્દેશન કર્યું હતું. ગુરુ દત્ત - વહીદાની તેમણે નિર્માણ કરેલી ફિલ્મ ‘૧૨ ઓ ક્લોક’ને સફળતા મળી હતી. તેમની ‘મેરે સનમ’ના ઓ.પી. નૈય્યરના સંગીતથી તેમણે ધૂમ મચાવી હતી ૧૯૬૮માં સિપ્પીની ‘બ્રહ્મચારી’ તેમની સફળતાનું ઊંચું શિખર હતું. આ ફિલ્મ માટે તેમને શ્રેષ્ઠ નિર્માતા, શમ્મી કપૂરને શ્રેષ્ઠ અભિનેતા, શંકર જયકિશનને શ્રેષ્ઠ સંગીતકાર, શૈલેન્દ્રને ‘મૈ ગાઉ તુમ સો જાઓ’ માટે શ્રેષ્ઠ ગીતકાર અને રફી સાહેબને ‘દિલ કે ઝરોખો મેં તુજ કો બિઠાકર’ ગાવા બદલ શ્રેષ્ઠ ગાયકના ફિલ્મફેર એવોર્ડ્સ મળ્યાં હતાં. સુપર સ્ટાર રાજેશ ખન્ના જેમાંથી શોધાયા તે પોતાના પ્રકારની પહેલી પ્રતિભા શોધ કરનારા નિર્માતાઓની ટીમમાં જી.પી. સિપ્પી હતા. તેમની ખન્ના-મુમતાઝની ફિલ્મ ‘બંધન’નું ઘણું શૂટિંગ સૂરત પાસેના પલસાણા વિસ્તારના ગામો-ખેતરોમાં થયું હતું, ત્યારે બંને મોટા સ્ટારના યજમાન બનવાનો લહાવો અહીંના પરિવારોએ લીધો હતો. ૧૯૭૧માં તેમણે અલગ પ્રકારની વાર્તા સાથે શમ્મી કપૂર અને રાજેશ ખન્નાને પ્રેમ ચતુષ્કોણમાં હેમા માલીની અને સિમી સાથે રજૂ કર્યા ફિલ્મ ‘અંદાઝ’માં. તેમાં લેખક સલીમ-જાવેદ હતાં અને પહેલી વાર શંકર જયકિશને રાજેશ ખન્ના માટે ‘જિંદગી એક સફર હૈ સુહાના’ બનાવીને ધૂમ મચાવી હતી. જી.પી. સિપ્પી હંમેશા યાદ રહેશે તેમની ૧૯૭૫ની ફિલ્મ ‘શોલે’ થી. તે ભારતીય ફિલ્મોના ઈતિહાસની સૌથી સફળ ફિલ્મોમાંની એક છે. સિક્સ ટ્રેક સ્ટીરીઓ સાઉન્ડ અને ૭૦ એમએમ ની પ્રિન્ટ પર બનેલી ‘શોલે’ ટેકનીકની દ્રષ્ટિએ પણ મહાન ફિલ્મ હતી. તે એક સીમાચિહ્ન બની ગઈ. જોકે એજ રીતે તેમણે જેને ‘અર્બન શોલે’ રૂપે બનાવેલી તે ‘શાન’માં તેઓ સફળતા દોહરાવી શક્યા નહોતા.

ત્યાર બાદ તેમણે ‘તૃષ્ણા’ અને ‘એહસાસ’ બનાવી. ‘બોબી’ પછી પડદાથી દૂર રહેલાં ડીમ્પલજી ને ફરી ઋષિ કપૂર સાથે તેમણે ‘સાગર’માં ૧૯૮૫માં લાવીને સફળતા દોહરાવી હતી. બદલાતા સમયમાં સલમાન ખાનને લઇને તેમણે ‘પથ્થર કે ફૂલ’ અને શાહરુખ ખાનને લઇને ‘રાજુ બન ગયા જેન્ટલ મેન’ બનાવી. એ સ્ટાર્સ આજ સુધી રાજ કરે છે. સિપ્પી સાહેબની છેલ્લી રજૂ થયેલી ફિલ્મ ‘હંમેશા’ (૧૯૯૭) હતી. તેમના અત્યંત તેજસ્વી દીકરા અને ‘શોલે’ સહિતની અનેક ફિલ્મોના નિર્દેશક રમેશ સિપ્પી તેમનો વારસો સાચવતા રહ્યાં. ૨૫ ડીસેમ્બર, ૨૦૦૭ના રોજ મુંબઈમાં ૯૩ વર્ષની વયે તેમનું નિધન થયું.જી.પી. સિપ્પીના ટોપ ટેન ગીતો: તુમ ન જાને કિસ જહાં મેં ખો ગયે – સજા, તુમ જો હુએ મેરે હમસફર – ૧૨ ઓ ક્લોક, જાઈયે આપ કહાં જાયેંગે – મેરે સનમ, દિલ કે ઝરોખો મેં તુઝ કો બીઠા કાર – બ્રહ્મચારી, ઝીંદગી એક સફર હૈ સુહાના – અંદાઝ, હવા કે સાથ સાથ – સીતા ઔર ગીતા, યે દોસ્તી હમ નહીં – શોલે, સપનોં કા શહર મેં – એહસાસ, પ્યાર કરનેવાલે – શાન, સાગર જૈસી આંખો વાલી – સાગર, કભી તું છલિયા લાગતાં હૈ – પથ્થર કે ફૂલ અને શરદી ખાંસી ના મેલેરિયા – રાજુ બન ગયા જેન્ટલ મેન.