Page Views: 12978

ચેમ્બર ‘શ્રમિક આવકાર સુરક્ષા પર્વ’ઉજવશે

સુરત રેલવે સ્ટેશને શ્રમિકોને માસ્ક અને સેનીટાઇઝરનું વિતરણ કરવામાં આવશે

સુરત.14-9-2020

 ઘી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના કાર્યવાહક પ્રમુખ દિનેશ નાવડિયા અખબારી યાદીમાં જણાવે છે કે, ચેમ્બર દ્વારા આગામી તા. ૧પ થી ૧૮ સપ્ટેમ્બર ર૦ર૦ દરમિયાન ‘શ્રમિક આવકાર સુરક્ષા પર્વ’ની ઉજવણી કરવામાં આવશે. આ ઉજવણીના ભાગરૂપે બિહાર, ઉત્તર પ્રદેશ અને ઓરિસ્સા જેવા રાજ્યોમાંથી ટ્રેન મારફત સુરત પરત ફરી રહેલા શ્રમિકોને ચેમ્બર આવકારશે. સાથે જ દરેકને માસ્ક તથા સેનીટાઇઝરની બોટલનું વિતરણ કરવામાં આવશે. મંગળવાર, તા. ૧પ સપ્ટેમ્બર ર૦ર૦ના રોજ સવારે ૧૦:૩૦ કલાકે સુરત મ્યુનિસિપલ કમિશનર બંછાનિધી પાની (આઇ.એ.એસ.) મુખ્ય મહેમાન તરીકે આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે અને મુઝફફરપુર – અમદાવાદ એકસપ્રેસ મારફત સુરત આવનારા શ્રમિકોને આવકારશે. એવી જ રીતે બપોરે રઃ૩૦ કલાકે સુરતના મેયર ડો. જગદીશ પટેલ મુખ્ય મહેમાન તરીકે હાજરી આપશે અને ગોરખપુર – અમદાવાદ એકસપ્રેસ મારફત સુરત આવનારા શ્રમિકોને આવકારશે. આ કાર્યક્રમમાં ચેમ્બરના કાર્યકારી પ્રમુખ દિનેશ નાવડિયા તથા મેનેજિંગ કમિટિના કેટલાક સભ્યો પણ ઉપસ્થિત રહેશે. ‘શ્રમિક આવકાર સુરક્ષા પર્વ’ની ઉજવણીમાં ચેમ્બરની સાથે ટ્રુ ડ્રગ ચેરિટેબલ ટ્રસ્ટ, માંગરોળ તાલુકા ઇન્ડસ્ટ્રીઝ વેલ્ફેર એસોસીએશન, સચિન ઇન્ડસ્ટ્રીયલ કો–ઓપ. સોસાયટી લિમિટેડ, પાંડેસરા વિવર્સ કો–ઓપરેટીવ સોસાયટી લિમિટેડ, સુરત જ્વેલરી મેન્યુફેકચરર્સ એસોસીએશન અને નિરાંત ક્રિએશન પણ સહભાગી સંસ્થા તરીકે જોડાશે.