Page Views: 2435

એપ્રિલ 2020 કરતા ઓગસ્ટમાં ડાયમંડ-જ્વેલરીની નિકાસમાં વધારો થયો

આગામી દિવસોમાં જેમ એન્ડ જ્વેલરી એક્સપોર્ટમાં હજુ પણ વધારો થવાની આશા- જીજેઇપીસી ચેરમેન

સુરત-14-9-2020

સમગ્ર વિશ્વમાં ફેલાયેલી કોરોનાની મહામારીને કારણે દેશના જેમ એન્ડ જ્વેલરી સેક્ટરને સૌથી મોટો ફટકો પડ્યો હતો. મોટા ભાગે યુરોપ, અમેરિકાના દેશોમાં એક્સપોર્ટ આધારીત આ સેક્ટરની નિકાસ એપ્રિલ 2020થી તળિયે ગઇ હતી અને સારા દિવસો ક્યારે આવશે તેની જ્વેલરી ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકો રાહ જોઇ રહ્યા હતા. ત્યારે હવે જ્વેલરી સેક્ટર માટે રાહતના સમાચાર મળી રહ્યા છે. એપ્રિલ 2020માં ડાયમંડ જ્વેલરીની નિકાસ 36 મિલિયન યુ એસ ડોલરની થઇ હતી. જેની સરખામણીએ ઓગસ્ટ 2020માં ડાયમંડ અને ગોલ્ડ જ્વેલરીની નિકાસ વધીને 1764.06 મિલિયન ડોલર થઇ છે. આ નિકાસમાં વધારો થવા પાછળનું કારણ આંતરરાષ્ટ્રીય બજારો જેવા કે, યુ.એસ. ચાઇના, યુરોપ સહિતના દેશોમાં વધી રહેલી માંગ હોવાનું પ્રાથમિક તારણ છે. જો કે, ગત વર્ષે ઓગસ્ટ 2019માં કુલ નિકાસ 3018.32 મિલિયન યુ.એસ. ડોલર હતું જેની સરખામણીએ ચાલુ વર્ષે 41.55 ટકા જેટલું ઓછું થયું છે. જેમ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સીલના પ્રમુખ કોલિન શાહે જણાવ્યું છે કે, આગામી દિવસોમાં જેમ એન્ડ જ્વેલરી એક્સપોર્ટમાં વધારો થશે અને આંતર રાષ્ટ્રીય બજારમાં સારી ડિમાન્ડ રહેવાની ધારણા છે. વિશ્વના ઘણા દેશો હવે કોરોનાની માહામારીમાંથી બહાર આવી ગયા છે અને ત્યાંનું જન જીવન રાબેતા મુજબ થઇ રહ્યું છે ત્યારે ગોલ્ડ જ્વેલરીના નિકાસમાં વધારો થવાની આશા રાખવામાં આવી રહી છે અને સ્થિતિ ઝડપથી સામાન્ય થઇ જશે એવું લાગી રહ્યું છે. ખાસ કરીને અમેરિકા, ચાઇના અને યુરોપના દેશોમાં ડિમાન્ડ વધવાથી આ ક્ષેત્રમાં છેલ્લા ચાર પાંચ મહિનામાં સ્થિર થઇ ગયેલા કારોબારમાં ઝડપથી સુધારો થશે. આગામી દિવસોમાં જેમ એન્ડ જ્વેલરીની નિકાસના આંકડામાં હજુ પણ સુધારો થશે અને નાણાકિય વર્ષના અંત સુધીમાં નિકાસમાં જે ઘટાડો છે તે આંકમાં સુધારો થશે એવું લાગી રહ્યું છે.