Page Views: 9515

શહેરના સીમાડા અને મોટા વરાછા વિસ્તારમાં કોરોનાનું સંક્રમણ રોકવા શનિ-રવિ નાકાબંધી કરાશે

લોકો સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કરતા હોવાથી પાલિકાનો નિર્ણય

સુરત-12-9-2020

સુરત શહેરમાં બેકાબુ બનેલા કોરોનાને નાથવા માટે સુરત મહાનગર પાલિકા કમિશનર દ્વારા એક પછી એક પગલા ભરવાની જાહેરાત કરવામાં આવી રહી છે. રાંદેર અને અઠવા ઝોનમાં ગત રોજ શનિ-રવિના દિવસોમાં રસ્તા પરની ખાણી પીણીની લારીઓ અને ફૂડ ઝોન બંધ રાખવાનો હુકમ કરાયા બાદ હવે શહેરના સીમાડા અને મોટા વરાછા વિસ્તારમાં કોરોનાનું સંક્રમણ વધતું અટકાવવા માટે નાકાબંધી કરવાનો નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે. શનિવાર  અને રવિવારના રોજ સુરત શહેરના સીમાડા, પુણા અને મોટા વરાછા સહિતના વિસ્તારોમાં લોકો દ્વારા સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવામાં આવતું નથી તેમજ મોટી સંખ્યામાં લોકો ઉમટી પડે છે તેમજ ઠેર ઠેર મેળાવડા જમાવે છે. આ સ્થિતિમાં કોરોનાને કાબુમાં લેવાનું અશક્ય છે અને તેના સંક્રમણને રોકવા માટે સીમાડા, મોટા વરાછા સહિતના વિસ્તારમાં પાલિકા દ્વારા નાકાબંધી કરવામાં આવશે. આ બે દિવસ દરમ્યાન લોકોના મોટા સમુહ એકત્ર ન થાય તેની પણ તંત્ર દ્વારા કાળજી લેવાશે. તેમજ શહેરીજનોને અપીલ કરવામાં આવી છે કે, શક્ય હોય ત્યાં સુધી લોકો પોતાના ઘરમાંથી કામ વગર બહાર ન નીકળે તેમજ સાર્વજનિક સ્થાનો પર ચોક્કસ સોશિયલ ડિસ્ટન્સ રાખે અન્યથા કાયદા પ્રમાણે કાર્યવાહી કરતા પણ તંત્ર અચકાશે નહીં.

સીમાડા વિસ્તારમાં રહેતા બે પરિવારના સભ્યોને હોમ ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા હતા પરંતુ પાલિકાના અધિકારીઓએ તપાસ કરતા આ બન્ને પરિવારના સભ્યો દ્વારા હોમ ક્વોરન્ટાઇનનો ભંગ કરવામાં આવ્યો હોવાનું ધ્યાન પર આવ્યું હતું તેમજ આ બન્ને પરિવારના સભ્યો સામે એપેડેમિક એક્ટ હેઠળ પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી.