Page Views: 8118

નવી સિવિલની કોવિડ ઓપીડીમાં ઓક્સિજન બોટલનું રેગ્યુલેટરમાં બ્લાસ્ટથી સર્વન્ટની આંખમાં ઇજા

રેગ્યુલેટરમાં ધડાકો થતા વોર્ડમાં ગભરાટ ફેલાયો

સુરત-11-9-2020

નવી સિવિલ હોસ્પિટલની કોવિડ ઓપીડીમાં ઓક્સિજન બોટલનું રેગ્યુલેટર ફાટતા એક કર્મચારીને આંખમાં ઇજા થઇ છે. આ કર્મચારીને તાત્કાલિક સારવાર માટે ટ્રોમા સેન્ટર ખાતે ખસેડવામાં આવ્યો હતો.

વિગતો અનુસાર આજે સાંજે પાંચ વાગ્યાના સુમારે નવી સિવિલ હોસ્પિટલ ખાતેના કોવિડ સેન્ટરમાં બે મહિના પહેલા જ હંગામી ધોરણે નોકરી પર લાગેલા અશફાક શેખ સલીમ નામનો યુવા ઓક્સિજન બોટલનું રેગ્યુલેટર ફેરવીને ઓક્સિજન લેવલ સેટ કરવા ગયો ત્યારે રેગ્યુલેટરમાં ધડાકો થયો હતો અને તેમાંથી બોલ્ટ ઉડીને અશફાકની આંખમાં ઘૂસી ગયો હતો. અશફાકને લોહી લુહાણ હાલતમાં સારવાર માટે નવી સિવિલના ટ્રોમા સેન્ટરમાં લઇ જવામાં આવ્યો હતો. ઓક્સિજન સિલિન્ડરમાં બ્લાસ્ટ થવાને કારણે વોર્ડમાં હાજર લોકોમાં ગભરાટ ફેલાઇ ગયો હતો અને તેમણે બુમાબુમ કરી હતી. જોકે સ્થિતિ નિયંત્રણમાં હોવાથી અને કોઇ મોટી દુર્ઘટના ન બની હોવાથી લોકોએ રાહતનો દમ લીધો હતો.