Page Views: 2427

સૌથી વધુ સન્માનિત હિન્દી કવયિત્રી મહાદેવી વર્મા

મહાદેવીને છેક ૧૯૫૬માં પદ્મભૂષણ, ૧૯૮૮માં પદ્મવિભૂષણ, સાહિત્ય અકાદમી ફેલોશીપ અને જ્ઞાનપીઠ એવોર્ડથી વિભૂષિત કરાયાં હતાં

સુરત-11-9-2020

હિન્દી દિવસ/સપ્તાહ નજીક છે અને આજે હિન્દી ભાષાના વિખ્યાત કવયિત્રી મહાદેવી વર્માની ૩૩ મી પુણ્યતિથિ છે. ૧૧ સપ્ટેમ્બર, ૧૯૮૭ના રોજ પ્રયાગમાં તેમનું ૮૦ વર્ષની વયે નિધન થયું હતું. મહાદેવી હિન્દી કવિતાના છાયાવાદી યુગના ચાર પ્રમુખ સ્તંભમાના એક હતાં. તેમની સરખામણી સુમિત્રાનંદન પંત, જયશંકર પ્રસાદ અને સૂર્યકાંત ત્રિપાઠી ‘નિરાલા’ સાથે થાય છે. આધુનિક હિન્દી કવિતામાં મહાદેવી વર્મા એક મહત્વપૂર્ણ શક્તિ રૂપે ઉભર્યા. તેમણે ખડી બોલી હિન્દીને કોમળતા અને મધુરતાથી સંચિત કરી સહજ માનવીય સંવેદનાઓની અભિવ્યક્તિનું દ્વાર ખોલી નાખી, વિરહને દીપશિખાનું ગૌરવ આપ્યું, વ્યષ્ટિમુલક માનવતાવાદી કાવ્યના ચિંતનને પ્રતિસ્થાપિત કર્યું. મહાદેવીના ગીતોનું નાદ-સૌંદર્ય, વક્ર ઉક્તિઓની વ્યંજનાની શૈલી બીજે જોવા મળતી નથી. મહાદેવીને છેક ૧૯૫૬માં પદ્મભૂષણ, ૧૯૮૮માં પદ્મવિભૂષણ, સાહિત્ય અકાદમી ફેલોશીપ અને જ્ઞાનપીઠ એવોર્ડથી વિભૂષિત કરાયાં હતાં.

મહાદેવીના પરિવારમાં બસો વર્ષથી કોઈ દીકરી પેદા થઇ નહોતી, અગર પેદા થતી તો તેને મારી નાખતા. દુર્ગા પૂજાને કારણે મહાદેવીનો જન્મ થયો. તેમના દાદા ફારસી અને ઉર્દૂ તથા પિતા અંગ્રેજી જાણતા હતા. માતા જબલપુરથી હિન્દી શીખીને આવ્યા હતા. મહાદેવી વર્માએ ‘પંચતંત્ર’ અને ‘સંસ્કૃત’નું અધ્યયન કર્યું હતું. તેમને કાવ્ય સ્પર્ધામાં ‘ચાંદીનો કટોરો’ મળ્યો હતો જે તેમણે ગાંધીજીને આપી દીધો હતો. તેઓ કવિ સંમેલનમાં પણ જતાં. ‘સત્યાગ્રહ આંદોલન’માં તેઓ તેમની કવિતા સંભળાવતા અને હંમેશા પહેલું ઇનામ મેળવતાં. તેઓ મરાઠી મિશ્રિત હિન્દી બોલતાં. હોળીના દિવસે ૨૬ માર્ચ, ૧૯૦૭ના રોજ ઉત્તર પ્રદેશના ફરુખાબાદમાં તેમનો જન્મ થયો હતો. પિતા ગોવિંદપ્રસાદ વકીલ હતા. મા-બાપ બંને શિક્ષણ પ્રેમી હતા. મહાદેવીને આધુનિક સમયની મીરાબાઈ કહેવાયા. તેમના છાયાવાદમાં ભારતીય સ્ત્રીની ઉદારતા, કરુણા, સાત્વિકતા, આધુનિક બૌદ્ધિકતા, ગંભીરતા અને સરળતા હતાં, જે મહાદેવીના વ્યક્તિત્વમાં હતાં. તેમના લખાણથી પ્રભાવિત અને અભિભૂત થયેલાં રચનાકારો તેમને ‘સાહિત્ય સામ્રાજ્ઞી’ કહેતાં. તેમને માટે વીણાપાણી, શારદાની પ્રતિમા જેવાં વિશેષણો વપરાતા. તેમણે ભાષા, સાહિત્ય, સમાજ, શિક્ષણ અને સંસ્કૃતિણે સંસ્કારિત કર્યા. તેમના કાવ્યોમાં રહસ્યવાદ, છાયાવાદની ભૂમિ ગ્રહણ કરવા છતાં સામયિક સમસ્યાઓના નિવારણમા મહાદેવીએ સક્રિય ભાગીદારી નિભાવી હતી.

મહાદેવીના પ્રયત્નોને કારણે અલ્હાબાદમાં ‘પ્રયાગ મહિલા વિદ્યાપીઠ’ની સ્થાપના કરાઈ. તેઓ તેના કુલપતિ અને પ્રધાનાચાર્યા હતાં. તેમણે ત્યારની ખડી બોલીની કવિતાથી પ્રભાવિત થઈને ‘રોલા’ અને ‘હરિગીતિકા છંદો’માં કાવ્ય લખવાનો આરંભ કર્યો હતો. માતા પાસે સાંભળેલી એક કરુણ કથા પર સો છંદોમાં ખંડકાવ્ય લખ્યું. ૧૯૩૨માં મહિલાઓ માટેના જાણીતા સામયિક ‘ચાંદ’નો કાર્યભાર પણ સંભાળ્યો. તેમણે પ્રયાગમાં ‘સાહિત્યકાર સંસદ’ની સ્થાપના કરી. ‘સાહિત્યકાર’ માસિકનું સંપાદન કર્યું અને ‘રંગવાણી’ નાટ્ય સંસ્થાની પણ સ્થાપના કરી હતી. તેઓ કવયિત્રી હોવા સાથે વિશિષ્ઠ ગદ્યકાર પણ હતાં. ‘સ્મૃતિ કી રેખાએ’ (૧૯૪૩) અને ‘અતીત કે ચલચિત્ર’ (૧૯૪૧) તેમની સ્મરણયાત્રાની ગદ્ય રચનાઓનો સંગહ છે. ‘શૃંખલા કી કડિયાં’ (૧૯૪૨)મા સામાજિક સમસ્યાઓ, પીડિત નારી જીવનના સળગતા પ્રશ્નો વર્ણવતા નિબંધો છે. ‘મહાદેવી કા વિવેચનાત્મક ગદ્ય’માં તથા   ‘દીપશિખા’, ‘યામાં’ અને ‘આધુનિક કવિ-મહાદેવી’ની ભૂમિકાઓમાં એમની આલોચનાત્મક પ્રતિભા પણ દેખાય છે. મહાદેવી વર્માને ૧૯૩૪માંસેક્સરિયા પુરસ્કાર, ૧૯૪૩માં ભારત ભારતી પુરસ્કાર, ૧૯૫૬માં પદ્મભૂષણ, ૧૯૭૯માં સાહિત્ય અકાદમી ફેલોશિપ, ૧૯૮૨માં જ્ઞાનપીઠ પુરસ્કાર અને ૧૯૮૮માં પદ્મવિભૂષણથી સન્માનિત કરાયા હતાં.

મહાદેવીએ ગરીબોની સેવાનું વ્રત લીધું હતું. તેઓ નજીકના ગ્રામીણ વિસતારોમાં જઈ ગરીબોની સેવા કરતાં. તેમને નિશુલ્ક દવાઓ વહેંચતા. તેમણે ભારતીય સંસ્કુરતી અને જીવન દર્શનણે આત્મસાત કર્યા હતાં. તે અંગે તેમણે ક્યારેય સમાધાન કર્યું નહોતું. ૧૧ સપ્ટેમ્બર, ૧૯૮૭ના રોજ પ્રયાગમાં તેમનું ૮૦ વર્ષની વયે નિધન થયું હતું.