Page Views: 9062

વડા પ્રધાનના ડ્રીમ પ્રોજેક્ટ સી પ્લેન એરપોર્ટ માટે તડામાર તૈયારીઓ શરૂ

આગામી 31મી ઓક્ટોબરના રોજ રાજ્યમાં ઉડાન યોજના અંતર્ગત સી પ્લેન સેવા શરૂ થશે

અમદાવાદ-11-9-2020

દેશમાં ઉડાન યોજના અંતર્ગત લોકલ કનેક્ટિવિટી વધારવા માટે મોદીના ડ્રીમ પ્રોજેક્ટ સમી સી-પ્લેન સેવા માટે 16-સી પ્લેન માર્ગ નક્કી કરવામાં આવ્યા છે, જેમાં દેશની સૌથી પહેલી સી-પ્લેન સેવા ગુજરાતમાંથી શરૂ કરવાની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. પહેલી ઉડાન અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટથી કેવડિયાની રહેશે. અમદાવાદ અને કેવડિયા વચ્ચેનું 200 કિલોમીટરનું અંતર કાપતાં લગભગ 50 મિનિટનો સમય લાગશે. હાલ સાબરમતી રિવરફ્રન્ટમાં એરોડ્રામ બનાવવાની કામગીરી શરૂ થઈ ચૂકી છે. આ કામગીરી 30 ઓક્ટોબર પહેલાં પૂર્ણ કરી દેવામાં આવશે અને 30 ઓક્ટોબરના રોજ PM મોદી સી-પ્લેનમાં ઉડાન ભરી સાબરમતીથી સ્ટેચ્યૂ ઓફ યુનિટી જશે. જ્યાં 31 ઓક્ટોબરના રોજ એટલે કે સરદાર પટેલની જન્મજયંતી નિમિત્તે યોજાનારા રાષ્ટ્રીય એકતા દિનના કાર્યક્રમમાં ભાગ લેશે. આ સાથે જ પીએમ મોદીનો વધુ એક ડ્રીમ પ્રોજેક્ટ સાકાર થશે. જ્યારે સી-પ્લેનની સર્વિસ શરૂ કરવા માટે શેત્રુંજી નદી પરનું સ્થાન પસંદ કરાયું છે. આ ઉપરાંત ઉડાન યોજના અંતર્ગત રીજનલ કનેકિટવિટી હેઠળ અત્યારસુધીમાં 16 રૂટ નક્કી કરવામાં આવ્યા છે. અમદાવાદથી સ્ટેચ્યૂ ઓફ યુનિટી વચ્ચે શરૂ થનારી સી પ્લેન સર્વિસનું ભાડું 4થી 5 હજાર હોવાનું જણાવાઈ રહ્યું છે. આ ઉપરાંત રોજ ચાર જેટલી ઉડાન ભરી શકાશે અને સી-પ્લેનમાં 2 પાયલટ, 2 ઓન–બોર્ડ ક્રૂ-મેમ્બર્સ હશે.