Page Views: 41923

કોરોનાનું સંક્રમણ કાબુમાં લેવા પાલિકાએ રાંદેર-અઠવા ઝોન માટે લીધો મોટો નિર્ણય

શનિ અને રવિવારે ફૂડ સ્ટ્રીટ બંધ રાખવાનો આદેશ – પાલિકા દ્વારા કડક કાર્યવાહીના સંકેત

સુરત-11-9-2020

સુરત શહેરમાં કોરોનાનું સંક્રમણ ભયંકર રીતે વધી રહ્યું છે ત્યારે હવે મોડે મોડે પણ સુરત મહાનગર પાલિકાનું તંત્ર જાગ્યુ છે અને શહેરમાં સૌથી વધારે કેસ દર રોજ આવી રહ્યા છે તે રાંદેર અને અઠવા ઝોનમાં શનિવારે તેમજ રવિવારના રોજ ફૂડ સ્ટ્રીટમાં ફરજીયાત પણે લારીઓ બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે. આવતી કાલથી જ આ બે વિસ્તારમાં પાલિકાની અલગ અલગ ટીમો દ્વારા તપાસ કરવામાં આવશે અને જો ખાણીપીણીની લારીઓ ચાલુ હશે તો તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે એવુ પણ જણાવવામાં આવ્યુ છે.

સુરત શહેરમાં છેલ્લા પંદર દિવસથી કોરોનાના જે કેસ સામે આવી રહ્યા છે તેમાં 50 ટકાથી વધારે કેસ શહેરના રાંદેર અને અઠવા ઝોનમાંથી જ આવે છે. આ વિસ્તારમાં લોકોની અવર જવર વધારે જોવા મળી રહી છે. ઉપરાંત લોકો સોશિયલ ડિસ્ટન્સ પણ રાખતા નથી. ઉપરાંત સાંજ પડે એટલે ખાવા પીવાના શોખીન સુરતી લાલાઓ ફૂડ સ્ટ્રીટમાં ઉમટી પડે છે અને લારીઓ ઉપર મોડી રાત સુધી અડીંગો જમાવીને બેસે છે. લારીઓ ઉપર સોશિયલ ડિસ્ટન્સ ન જળવાતું હોવાથી તેમજ લોકોમાં જાગૃતિનો અભાવ હોવાને કારણે આ વિસ્તારમાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યાનો રાફડો ફાટ્યો છે. એટલે હવે સુરત મહાનગર પાલિકા દ્વારા ફુટ સ્ટ્રીટમાં તમામ પ્રકારની લારીઓને શનિવારે અને રવિવારના રોજ બંધ રાખવા માટે હુકમ કરવામાં આવ્યો છે. ઉપરાંત આ બન્ને દિવસ પાલિકાના આરોગ્ય વિભાગની ટીમ તેમજ અન્ય કર્મચારીઓ ચેકિંગ માટે નીકળશે તેમજ જે લારીઓ વાળા આદેશનું પાલન નહીં કરે તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

જો કે, હાલના સંજોગોમાં  તો સુરત શહેરમાં પંદર દિવસના એક કડક લોક ડાઉનની આવશ્યકતા છે પરંતુ તંત્ર દ્વારા હજુ એટલા કડક પગલા લેવામાં આવ્યા નથી. જો સ્થિતિમાં સુધારો નહીં થાય તો હજુ પણ કેટલાક પગલા લેવાશે એ વર્તુળો દ્વારા જણાવાયું છે.