Page Views: 2229

ચેમ્બર દ્વારા ‘વર્તમાન બજારની પરિસ્થિતિ અને તકો’વિશે વેબિનાર યોજાયો

બધા લોકો ટ્રેડીંગ કરીને પૈસા નથી બનાવી શકતા

સુરત.10-9-2020

 ઘી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા ગુરૂવાર, તા. ૧૦ સપ્ટેમ્બર ર૦ર૦ના રોજ ‘વર્તમાન બજારની પરિસ્થિતિ અને તકો’વિષય ઉપર વેબિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નિષ્ણાંત વકતા તરીકે કોટક મહિન્દ્રા એસેટ મેનેજમેન્ટ કંપની લિમિટેડના મેનેજિંગ ડિરેકટર નિલેશ શાહે રોકાણકારોને ઇક્‌વીટી એલોકેશન મોડલ ફોલો કરી ફંડામેન્ટલ ઇન્વેસ્ટમેન્ટ કરવાની સલાહ આપી હતી.

નિલેશ શાહે જણાવ્યું હતું કે, ટ્રેડીંગ કરતી વખતે ખૂબ જ ધ્યાન રાખવાનું હોય છે. બધા જ લોકો ટ્રેડીંગ કરીને પૈસા બનાવતા નથી. અમુક જ લોકોના ટ્રેડીંગ થકી પૈસા બને છે. માર્કેટ સસ્તી હોય છે ત્યારે તમે કેટલું રોકાણ કરો છો તેના પર ફાયદો નિર્ભર કરે છે. ત્યારબાદ પણ તમે કેટલું કમાવો છો અને કેટલું ગુમાવો છો? તે કહેવું અઘરું છે. માર્કેટનું ટોપ એન્ડ બોટમ પકડવું મુશ્કેલ છે. ઇકવીટી એલોકેશન મોડલ ફોલોઅપ કરો તો થોડો નફો રહેવાની શકયતા રહેલી હોય છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, જ્યારે માર્કેટ સસ્તી હોય ત્યારે ઇકવીટીમાં રોકાણ કરી શકો છો. દર મહિને થોડું થોડું રોકાણ કરતા રહો. લોકોને રાતોરાત પૈસાદાર બનવાની ઇચ્છા ધરાવે છે પરંતુ પૈસા બનાવવા માટે લોન્ગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ જરૂરી છે. રોકાણકારોએ ધીરજ રાખવી પડે છે. સારા સ્ટોકમાં રોકાણ કરશો તો પૈસા બની શકે છે. એસેટ લોકેશન ઉપર ધ્યાન આપો અને કવોલિટીમાં લોન્ગ ટર્મ રોકાણ કરો. તેમણે રોકાણકારોને રોકાણ કરવા માટે સેકટર કરતા સારા પ્રમોટર ઉપર ધ્યાન આપવાની સલાહ આપી હતી. તેમણે કહયું કે, માર્કેટની સર્વોપરીતામાં વિશ્વાસ રાખવો પડશે. માર્કેટને જ ભાગ્ય વિધાતા બનાવવી પડશે.

જો ભવિષ્યમાં દેશમાં લોકડાઉનની ફરીથી સ્થિતિ સર્જાય તો શેરબજાર માર્કેટ ફરીથી નીચે જતુ રહેશે. કોરોનાની રસી વહેલી તકે બહાર ન પડે તો જે કંપનીઓ અત્યારે લોસ કરી રહી છે તેમને સર્વાઇવ કરવા માટે મુશ્કેલી પડશે. ઘણી કંપનીઓએ ડિજીટલ એડોપ્શન કર્યુ છે અને કેટલીક કંપનીઓએ કોસ્ટ સ્ટ્રકચર ઘટાડી દીધું છે. કંપની ગમે તેટલી મોટી હોય પણ અત્યારના સમયમાં ખૂબ જ વિચાર કરીને કંપનીઓમાં રોકાણ કરવું જોઇએ. તેમણે ગોલ્ડમાં રોકાણ કરવાની સલાહ આપી હતી. તેમણે કહયું કે, લીકવીડિટી વધારે હોય અને વ્યાજના દર નીચે હોય ત્યારે ગોલ્ડમાં રોકાણ કરી શકાય છે. અત્યારે આવી જ સ્થિતિનું સર્જન થયું છે.

નિલેશ શાહે વધુમાં કહયું હતું કે, જે રોકાણકાર પહેલી વખત માર્કેટમાં રોકાણની શરૂઆત કરે છે ત્યારે તેઓએ નોર્મલ એસ.આઇ.પી. કરવી જોઇએ. એક વખત માર્કેટમાં ફાવટ આવી જાય ત્યાર પછી તેઓ ફલેકસી એસ.આઇ.પી. વિશે વિચારી શકે. તેમણે સ્મોલ કેપ, મિડલ કેપ અને લાર્જ કેપમાં રોકાણ વિશે પણ સમજણ આપી હતી. ચેમ્બરની મેનેજિંગ કમિટિના સભ્ય બિજલ જરીવાલાએ વેબિનારમાં સ્વાગત પ્રવચન કર્યું હતું. જ્યારે ચેમ્બરની કેપિટલ એન્ડ કોમોડિટી કમિટિના ચેરમેન કેતન દલાલે સમગ્ર વેબિનારનું સંચાલન કરી સર્વેનો આભાર માની વેબિનારનું સમાપન કર્યું હતું.