Page Views: 9450

સ્મીમેરના ડો.હર્મેશ પટેલે નવ દિવસમાં કોરોનાને મ્હાત આપી પ્લાઝમા ડોનેટ કરવાનો સંકલ્પ કર્યો

જ્યાં સુધી સુરત કોરોનામુક્ત ન થાય ત્યાં સુધી હું કોવિડ વોર્ડમાં હિંમત હાર્યા વિના ફરજ નિભાવીશ- ડો. હર્મેશ

સુરત:બુધવાર: માર્ચ મહિનામાં સુરતમાં કોરોના સંકટની શરૂઆત થઈ ત્યારથી જ પરિવારથી દુર સ્મીમેર હોસ્પિટલના કેમ્પસમાં રહીને કોવિડ વોર્ડમાં દર્દીઓની સેવાની ફરજ બજાવતા ૨૯ વર્ષીય રેસિડેન્ટ ડો.હર્મેશ પટેલ કોરોનાગ્રસ્ત થયાં. નવ જ દિવસમાં કોરોનાને મ્હાત આપી ફરજ પર જોડાઈ ગયાં છે. પોતાના પરિવાર ને ચિંતા ન થાય એટલે કોરોનાગ્રસ્ત થયાં હોવાનું જણાવ્યું ન હતું. તેમના ધર્મપત્નીને પણ કોરોનાને હરાવીને પાછા પોતાની ફરજ પર હાજર થયા ત્યારે જાણ કરી કે કોરોના સંક્રમિત થયાં હતાં. પત્નીએ પણ દર્દીઓની સેવા કરવા એમની હિંમત વધારી હતી.  મૂળ વડોદરાના ન્યુ સમા રોડ વિસ્તારના વતની અને હાલ છેલ્લા ત્રણ વર્ષથી સ્મીમેર હોસ્પિટલના કેમ્પસમાં રહીને રેસિડન્ટ ડોક્ટર તરીકે ફરજ બજાવતા ડો.હર્મેશ પટેલને ‘કોરોના દર્દીઓની સારવાર કરતા કોરોનાના પ્રાથમિક લક્ષણો જણાયા હતાં. શ્વાસ લેવામાં કે અન્ય કોઈ તકલીફ ન હોવાથી સાથી ડોક્ટરોએ સ્ટાફ ક્વાર્ટર્સની રૂમમાં આઈસોલેશનમાં રહી સારવાર લેવાનું કહ્યું હતું.            ડો.હર્મેશભાઇએ રૂમમાં જ નવ દિવસ રહીને કોરોનાની સારવાર લીધી હતી. તા.૧૫ જુલાઇના રોજ ફરી કોરોના રિપોર્ટ નેગેટિવ આવતા બીજા જ દિવસે એટલે કે તા.૧૬ જુલાઈના રોજ  ફરી કોવિડ વોર્ડમાં ફરજ પર જોડાઈ ગયા હતા.             હર્મેશભાઇ કહે છે કે, જ્યાં સુધી સુરત કોરોનામુક્ત ન થાય ત્યાં સુધી હું કોવિડ વોર્ડમાં હિંમત હાર્યા વિના ફરજ નિભાવીશ.  ૨૮ દિવસ પૂર્ણ થાય પછી પ્લાઝમા ડોનેટ કરીશ. જેથી કોઈ બે વ્યક્તિના જીવન બચાવવાંનું સૌભાગ્ય પ્રાપ્ત થાય.            ડો.હર્મેશ પટેલે વધુમાં જણાવ્યું કે, ‘મારી પત્ની શ્રુતિ પટેલ પણ ડોક્ટર છે, એટલે દર્દીઓ પ્રત્યેની ફરજને સારી રીતે સમજે છે. અને મને કામ કરવા માટે હંમેશા પ્રોત્સાહિત કરે છે. કોરોનાનું સંક્રમણ થયું પરંતુ પરિવાર ચિંતા ન કરે એ માટે મારી પત્ની ડો.શ્રુતિ પટેલ અને માતા લતા પટેલને આ અંગે જાણ કરી ન હતી. ઘરેથી ફોન આવે તો વાત કરી લઈ મારી ચિંતા ન કરવાં જણાવતો.            સ્વસ્થ થયા બાદ શ્રૃતિને હકીકત જણાવી હતી. આ સાંભળી પત્નીએ કહ્યું કે, ‘ભગવાને તમને લોકોની સેવા માટે નિમિત્ત બનાવ્યા છે, હવે બમણી તાકાત લગાવી દર્દીઓની સેવા કરજો.’ માતાને ચિંતા ન થાય એટલે હજુ પણ આ અંગે જણાવ્યું નથી આ શબ્દો હતા ડો.હર્મેશ પટેલના.