Page Views: 9639

કોરોના સામે લાંબી લડાઇ લડવાની હોવાનું જણાવતા મુખ્યમંત્રી વિજય રૂપાણી

સુરતની મુલાકાતે આવેલા મુખ્યમંત્રીએ કોરોનાની સારવાર કરનારા કોરોના વોરિયરોનું સન્માન કર્યું

સુરત-3-7-2020

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ પોતાના ૬૪માં જન્મદિવસે સુરત શહેર અને જીલ્લામાં “કોરોના” સંક્રમણની સ્થિતિની સમીક્ષા કરીને તેમની સંવેદનશીલતાનો પરિચય આપ્યો હતો.

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી નાયબ મુખ્યમંત્રી નિતિનભાઇ પટેલે સુરત ખાતે કોરોના સંક્રમણ અને નિયંત્રણ સ્થિતીની સર્વગ્રાહી સમીક્ષા વરિષ્ઠ ઉચ્ચ અધિકારીઓ સાથે કરી હતી. તેમજ તંત્રવાહકો, પદાધિકારીઓ, જનપ્રતિનિધિઓ અને IMA અગ્રણી તબીબો સાથે બેઠક કરી પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. 

વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું હતું કે,  "કોવિડ-૧૯" ના સંક્રમણને નાથવામાં સુરત શહેર તથા જિલ્લાએ સારી/પરિણામલક્ષી કામગીરી કરી છે. તેમની ગત તા.૪ જુલાઈની વિઝિટ થી લઈ આજ તા.૨ ઓગસ્ટ સુધીની સ્થિતિનુ આકલન કરતા દરેક બાબતે ઉત્તરોત્તર સુધારો જોવા મળ્યો છે, તેમ જણાવતા મુખ્યમંત્રીશ્રીએ સુરતના કર્મયોગીઓને અભિનંદન પાઠવ્યા હતા.

         મુખ્યમંત્રી નવી સિવિલમાં  કોરોના યોદ્ધાઓનો જુસ્સો વધારતા ઉષ્માભર્યો સંવાદ કર્યો. આ વેળાએ કોવિડ-૧૯ સેન્ટર ખાતે મુખ્યમંત્રીશ્રીએ નવી સિવિલ અને સ્મીમેરના તબીબો, નર્સિંગ સ્ટાફ, સફાઈકર્મીઓ, વર્ગ-૪ ના કર્મચારીઓ સહિતના નર્સિંગ સ્ટાફ વર્ગ-૪નાકર્મચારીઓ સહિત કોરોના વોરિયર આરોગ્ય કર્મીઓને સન્માનિત કર્યા હતા.

         નવી સિવિલ હોસ્પિટલમાં કિડની બિલ્ડીંગમાં ૮૦૦ બેડની કોવિડ-૧૯ હોસ્પિટલની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું.

             "કોરોના" સામે લાંબી લડાઈ લડવાની છે તેમ જણાવતા વિજયભાઈ રૂપાણીએ  સૌના સહિયારા પુરુષાર્થથી આ લડાઈ જીતવાની છે તેમ જણાવ્યું હતું. આ માટે રાજ્ય સરકારની સાથે સાથે પ્રજા પ્રતિનિધિઓ, ઉચ્ચાધિકારીઓ, સેવા સંસ્થાઓના સહિયારા પ્રયાસો જરૂરી છે તેમ પણ તેમને ઉમેર્યું હતું.  સતત જાગૃતિ, તકેદારી સાથે નિયત લક્ષ હાંસલ કરીને "કોરોના"ને હરાવવો છે. તેમ જણાવી મુખ્યમંત્રીશ્રીએ રાજ્ય સરકાર રોજે રોજ પરિસ્થિતિની સમીક્ષા કરીને, પ્રજાહિતના અનેકવિધ  નિર્ણયો લઈ રહી છે, ત્યારે પ્રજાજનોને સારવાર, સુવિધા બાબતે કોઈ સંશય ન રહે, તેમનો વિશ્વાસ જળવાઈ રહે તેવા વાતાવરણનુ નિર્માણ કરવું એ આપની સૌની જવાબદેહી છે તેમ જણાવ્યું હતું.

દર્દીઓ માટે બેડ, વેન્ટિલેટર, દવા, ઇન્જેક્શનો, મેન પાવર પૂરતા પ્રમાણમા ઉપલબ્ધ કરાવાયા છે તેમ જણાવી સુરતે ખાનગી હોસ્પિટલોને પણ ૧૨૮ જેટલા વેન્ટિલેટરો ઉપલબ્ધ કરાવીને જરૂરિયાતવાળા દર્દીઓ માટે સુવિધા પૂરી પાડી છે તેમ જણાવી શ્રી વિજયભાઈ રૂપાણીએ  પ્રજાજનોમા ખોટો ડર, ગભરાટ, અફવા ન ફેલાઈ તેની તકેદારી દાખવવાની અપીલ કરી હતી.

 જરૂર પડ્યે ખાનગી તબીબોની સેવાઓ લેવાની પણ સરકારની વિચારણા છે, જે માટે ખાનગી તબીબોના સહયોગની અપેક્ષા વ્યક્ત કરી મુખ્યમંત્રીશ્રીએ છેલ્લા ૧૫૦ જેટલા દિવસો ઉપરાંતથી ડૉક્ટર્સ, પેરા મેડિકલ સ્ટાફ “કોરોના” સામે જંગે ચડ્યો છે, ત્યારે તેઓ પણ સંક્રમિત થયા હશે. જેમના માટે "કોવિડ-૧૯" ડેડીકેટેડ હોસ્પિટલોમા બેડ રિઝર્વ રખાશે તેમ જણાવ્યું હતું.

 ખાનગી તબીબોને સાત દિવસની માનદ સેવા બદલ રોજના ₹ ૫ હજાર લેખે કુલ ₹ ૩૫ હજાર પ્લસ ક્વોરનટાઇન પિરિયડ દરમિયાન બીજા ₹ ૧૦ હજાર મળી કુલ ₹ ૪૫ હજાર રાજ્ય સરકાર તરફથી પ્રોત્સાહન પેટે  અપાશે, તેમ જણાવી વિજયભાઈ રૂપાણીએ પ્લાઝ્મા થેરેપી માટે પ્લાઝ્મા ડોનેટ કરનારા સુરતીઓને અભિનંદન પાઠવ્યા હતા.

“કોમ્યુનિટી કોવિડ કેર સેન્ટર” ભારતભરમાં માત્ર સુરત ખાતે સફળતાપૂર્વક ચાલી રહ્યા છે, જે દેશને અનોખી પ્રેરણા પુરી પાડી રહ્યા છે તેમ જણાવી મુખ્યમંત્રીએ  ૮૦૦ બેડ સાથેની નવી સુવિધા એ લોકોમાં નવા વિશ્વાસનો સંચાર કર્યો છે તેમ જણાવ્યું હતું.

સરકારના સર્વગ્રાહી પ્રયાસોને કારણે ગુજરાત અને સુરતની કામગીરીમાં ખૂબ જ સુધારા સાથે, પરિણામલક્ષી કામગીરી કરવામાં આવી છે. ત્યારે પોતાના જન્મદિવસે પ્રજાજનોની સેવા, સુવિધાઓ માટેની કામગીરીની તક મળી તેને પોતાનું અહો ભાગ્ય ગણાવતા વિજયભાઈ રૂપાણીએ શહેર અને જીલ્લામાં ધન્વંતરિ રથ, અને ૧૦૪ હેલ્પ લાઇન સેવાના પણ ખુબ સારા પરિણામો મળી રહ્યા છે તેમ જણાવ્યું હતું.

         પ્રચાર માધ્યમો સાથે સંવાદ કરતાં મુખ્યમંત્રીએ કહ્યું કે, રાજ્ય સરકાર કોરોના સંક્રમણને રોકવા તેમજ સંક્રમિતોની સારવાર સેવામાં રાજ્યમાં માઇક્રો પ્લાનીંગ અને સ્ટ્રેટેજી સાથે આરોગ્ય તંત્ર આગળ વધ્યું છ

આપણા સૂરતમાં વધી રહેલા સંક્રમણને રોકવા માટે ઘણા અંશે સફળતા મળી હોવાનું જણાવતા કહ્યું કે, રાજયની લેબોરેટરીમાં પહેલા ચાર થી પાંચ હજાર ટેસ્ટ થતા હતા આજે ટેસ્ટનું પ્રમાણ વધારીને ૨૬૦૦૦ કરવામાં આવ્યું છે. સૂરતનો રીકવરી રેટ પહેલા ૬૦ ટકા હતો જે આજે ૭૦ ટકા જેટલો થયો છે. જયારે રાજયનો રીકવરી રેટ ૭૩ ટકા થયો છે. પોઝીટીવ દર ચાર ટકા હતો જે ઘટીને બે ટકા થયો છે. શહેરમાં ૧૨૧ ધનવંતરી રથ દ્વારા ઘરે ઘરે જઈને રોજના ૩૫ થી ૪૦ હજાર લોકોના આરોગ્યની ચકાસણી કરવામાં આવી રહી છે. બેડની સંખ્યા ૪૮૫૬ થી વધારીને ૭૦૩૦ આવનાર છે. શહેરને તત્કાલ ૬૦૦ વેન્ટીલેટરની ફાળવણી કરવામાં આવી છે જેમાંથી ૧૨૮ ખાનગી હોસ્પિટલોને આપવામાં આવ્યા છે. કોરોના દર્દીઓ માટે તજજ્ઞ કમિટી દ્વારા ભલામણ કરવામાં આવેલા ટોસીલીઝુમેબ અને રેમડેસીવીર ઈન્જેકશનો આપવામાં આવે છે. હાલના તબક્કે ઈન્જેકશન બાબતનો એક પણ કેસ પેન્ડીંગ ન હોવાનું તેમણે ઉમેર્યું હતું.  આ ઉપરાંત ૫૦૫૦ જેટલા પલ્સ ઓકિસીમીટરની ફાળવણી પણ આરોગ્યતંત્રને કરવામાં આવી છે તેમ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું.

જિલ્લા સેવા સદન-૨ ખાતે યોજાયેલી બેઠકમાં નાયબ મુખ્યમંત્રી નિતીનભાઈ પટેલ, સામાજિક ન્યાય અને અધિકારતામંત્રી ઈશ્વરભાઈ પરમાર, આરોગ્ય રાજયમંત્રી  કિશોરભાઈ કાનાણી, સાંસદ સી.આર.પાટીલ તથા દર્શનાબેન જરદોશ, ધારાસભ્યો, અધિકારીઓ, આરોગ્યકર્મીઓ ઉપસ્થિત રહ્યા હતા.