Page Views: 4594

કોરોનાથી મૃત્યુ પામેલા શ્રમિકોના પરિવારને રૂ. એક લાખની સહાય કરવા ચેમ્બર દ્વારા રજૂઆત

શ્રમિકોના મોતથી તેમના પરિવારો નોધારા બની જતા હોય છે

સુરત. 1-8-2020

આજ રોજ ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી તરફથી રાજ્યના નાયબ મુખ્યમંત્રીશ્રી તેમજ નાણાં તથા પરિવાર અને કલ્યાણ મંત્રી નીતિનભાઇ પટેલને દક્ષિણ ગુજરાતમાં આવેલા તમામ ઉદ્યોગોમાં કામ કરતા શ્રમિકો/કર્મચારીઓ જો કોરોના વાયરસના કારણે મૃત્યુ પામે તો તેમના પરિવારને રૂપિયા એક લાખ સુધીની આર્થિક સહાય આપવા માટે ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના પ્રમુખ દિનેશ નાવડિયા દ્વારા રજૂઆત કરવામાં આવી છે.

નીતિનભાઇ પટેલને કરવામાં આવેલી રજૂઆતમાં જણાવ્યા મુજબ, દક્ષિણ ગુજરાતમાં આવેલા ટેક્ષટાઈલ, ડાયમંડ, કેમીકલ અને રીયલ એસ્ટેટ વિગેરે ક્ષેત્રો ઘણાં લોકોને રોજગાર આપે છે. એક અંદાજ પ્રમાણે લગભગ રપ લાખથી વધુ કર્મચારીઓ દક્ષિણ ગુજરાતમાંથી વ્યવસાય વેરો ભરે છે. આ કર્મચારીઓ/શ્રમિકોનું કોરોનાને કારણે મૃત્યુ થાય તો આર્થિક સંકડામણને કારણે તેમના પરિવારજનોની હાલત અત્યંત કફોડી થઇ જાય છે. આથી ચેમ્બર દ્વારા સરકારનું ધ્યાન દોરી આવા કર્મચારીઓનું જો કોરોનાને કારણે મૃત્યુ થાય તો તેમના પરિવારને આર્થિક સહાય આપવા માટે અનુરોધ કરવામાં આવ્યો છે