Page Views: 20988

જાણો કૉરૉના સામે જંગ જીત્યા બાદ પ્લાઝમાં ડોનેટ કરનારા ડો.અમુલખ સવાણીની વાત

મિત્ર સાહિલે કહ્યું તું એ યાદ આવ્યું કે, વેન્ટીલેટર પર હતો ત્યારે એવું લાગતું હતું કે હું 20 ટકા જ જીવુ છું

(આજની સત્ય ઘટના છે સુરતના જાણીતા ડોક્ટર અમુલખ સવાણીએ પોતાને કોરોના પોઝીટીવ આવ્યા બાદ મક્કમતાથી પરિસ્થિતિનો સામનો કરીને મેળવેલી જીત, બાદ પ્લાઝમા ડોનેશન કરીને બે કોરોનાગ્રસ્ત દર્દીને નવું જીવન આપવા માટે પોતાનાથી શક્ય પ્રયાસ કરનાર ડો.અમુલખ સવાણીની. ડોક્ટર તરીકે દર રોજ સંખ્યાબંધ પેશન્ટને તપાસતા ડો. સવાણીને કોરોના થયા બાદની તેમની મનઃસ્થિતિ આજે સત્ય ઘટનામાં આવરી લેવામાં આવી છે. પ્રવર્તમાન સ્થિતિમાં લોકોમાં એક પ્રકારનો છુપો ભય ફેલાયેલો છે ત્યારે  ડો. અમુલખ સવાણીની આ વાત વાંચીને આપને થશે કે, કોરોના તો આવે અને જાય પરંતુ આપણે સમાજ કે રાષ્ટ્ર માટે કંઇક કરી છુટવું જોઇએ એ આપણી પ્રથમ ફરજ બને છે. આજની સત્ય ઘટના આપને કેવી લાગી તે અંગે આપ અમને વોટસએપ નંબર 9173532179 ઉપર આપનો અભિપ્રાય આપશો તો ગમશે.) 

વાપી-નૂતન તુષાર કોઠારી નીલ દ્વારા

   સુરતના વરાછા રોડ  મીની હીરા બજાર ખાતે આવેલા  'લોકસમર્પણ રક્તદાન કેન્દ્ર'માં 'પ્લાઝમા ડોનેશન સેન્ટર' શરૂ કરવામાં આવ્યું છે. સેન્ટરના શુભારંભે જ વરાછા રોડ, હીરાબાગ સારથી કોમ્પલેક્સ ખાતે હોસ્પિટલ ચલાવતા  ડૉ અમુલખ સવાણીએ પ્લાઝમા ડોનેટ કરવાનું બહુમાન મેળવ્યું છે. ડો. સવાણી કૉરૉનામુક્ત થયાને 28 દિવસ થયા હોવાથી પ્લાઝમા ડોનેટ કરવા ગયા કે જેથી  બીજાં બે દર્દીને સારા થવામાં નિમિત્ત બની શકે.  નવસારીના સાંસદ અને પ્રદેશ ભાજપના પ્રમુખ સી. આર. પાટિલ ના હસ્તે ઉદ્ઘાટન થયાં પછી પ્લાઝમા ડૉનેટ કરતાં કરતાં ડૉક્ટર એક મહિનો પાછળ સરકી ગયા. એક દર્દીનું સફળ ઑપરેશન કર્યા બાદ એક આત્મસંતોષ સાથે તેઓ ઘરે પહોંચ્યા હતા. ફ્રેશ થઈને જમીને આરામ કરવા ગયા. બીજા દિવસે સવારે ઉઠ્યા ત્યારે થોડો શરીરનો દુખાવો મહેસૂસ થયો, વીકનેસ લાગી  અને હળવું ટેમ્પરેચર પણ હતું. ડૉક્ટર હોવાના નાતે પેશન્ટ્સ અને એમનાં સગાંઓના સંપર્કમાં આવવાનું થતું. અનેક તકેદારીરૂપી મેઈન ગેટ બંધ રાખવા છતાં કૉરૉના મહેમાન બનીને પધારી ચૂક્યો હતો! અને આને તો ક્યારેય 'અતિથિ દેવો ભવ' ન કહેવાય પણ 'અતિથિ તુમ ભાગો યહાં સે' નો એપ્રોચ જ રખાય. પોતાના મિત્રને કૉરૉના થયેલો અને એણે કહેલો અનુભવ યાદ આવી ગયેલો ત્યારે.

મિત્ર સાહિલે કહ્યું હતું, "આ કૉરૉના તો બહુ જ ખરાબ છે. દુશ્મનને પણ આ રોગ ન થાય. વેન્ટિલેટલ પર હતો ત્યારે તો એવું લાગેલું કે હું વીસ ટકા જ જીવું છું, એંસી ટકા તો મરી ચૂક્યો છું. ભગવાનની કૃપા કે બચી ગયો બાકી મારી તો ઉપરની ફ્લાઈટની ટિકિટ વેઈટિંગમાંથી કન્ફર્મ થવાની તૈયારી જ હતી ને અચાનક કેન્સલ થઈ ગઈ!"

એની આ વાત યાદ આવતાં જ ડો. અમુલખ સતર્ક થઈ ગયેલાં. તપાસ કરતાં ખબર પડી કે એમના એક પેશન્ટના સગાં કે જે એમનાં સંપર્કમાં આવેલાં તેમને કૉરૉના પૉઝિટીવ આવ્યો છે. તરત જ પોતે ખુદ હોમ આઈસોલેશન લઈ લીધું. પત્નીને પણ સિમ્પટમ્સ દેખાતાં એને પણ એજ રીતે હૉમ આઈસોલેશન અને અન્ડર ટ્રીટમેન્ટ મૂકી દીધી હતી. પુત્ર MBBS છે એને તેણે પણ જે સલાહ આપી એ મુજબ સખતાઈથી પાલન કર્યું.

   23/06/2020ના રોજ તાવ થોડો વધારે હતો. પોતે pacimol  

લીધી હતી. 26/06-20ના રોજ HRCT Chest સીટી સ્કેન કરાવ્યું.

કૉરૉનાના લક્ષણો જણાયાં. 14 દિવસ માટે સ્ટ્રિક્ટલી હૉમ કૉરૉન્ટાઈન સાથે સંપૂર્ણ બેડ રેસ્ટ, બાર કલાકની ગાઢ ઊંઘ, સવારમાં ઉકાળો, સતત હુંફાળું પાણી પીવાનું, ત્રણ વખત પેટ ભરીને પ્રોટીનથી ભરપૂર ભોજન જમવાનું(ડિસ્પોઝેબલ ડિશમાં), રૂમમાં કોઈને પણ પ્રવેશ નહીં અને મેડિકેશન સાથે પંદર દિવસ પસાર કર્યા અને હા, હકારાત્મક અભિગમ અને મળેલા સમયનો લેખનમાં સર્જનાત્મક સદુપયોગ પણ બોનસમાં!આખરે કૉરૉનામુક્ત થયો. આ બાજુ પ્લાઝમા કાઢીને લોહી પાછું શરીરમાં દાખલ કરાતું હતું અને એક બાજુ મગજમાં આ મહામૂલા અતિથિને કઈ રીતે ભગાડ્યો એના સચિત્ર વિચારો ચાલી રહ્યા હતા! પંદર દિવસ પછી પોતાના રોજિંદા કામ પર પૂરી તકેદારી સાથે જોડાઈ ગયા હતા. ડબલ માસ્ક, ફેસ શિલ્ડ

એ જ હકારાત્મકતા અને  લેખન. રોજ સવારે યોગ અને પ્રાણાયામ, ફક્ત હળવો વ્યાયામ અને કોઈ જ ઈમર્જન્સી કાર્ય નહીં રોજનું પાંચ કિલોમિટર ચાલવાનું અને ખુશ રહેવાનું અને આ વિચાર સાથે જ એમના ચહેરા પર સ્મિત રેલાઈ ગયું. ત્યાં આવી ચડેલાં ડૉક્ટરે આ જોઈને કહ્યું, " વાહ! બહુ ખુશી ખુશી પ્લાઝમા ડૉનેટ કરી રહ્યાં છો ને સર! કોઈ દર્દ અનુભવાય છે?"

"ના રે! જરાય નહીં" ડૉ અમુલખે  હસીને કહ્યું, " મારા પ્લાઝમાથી બે વ્યક્તિઓ કૉરૉનામુક્ત થશે એની ખુશી છે."

" હા, સર! આ બહુ મોટી વાત છે. અઢાર દિવસ પછી પાછા પ્લાઝમા ડૉનેટ કરી શકશો. આવજોને, આપણે ટેસ્ટ કરી લેશું અને પછી જ લેશું."

"શ્યૉર શ્યૉર. વિથ ગ્રેટ પ્લેઝર."

અને પોતાના જ કાવ્યની પંક્તિ ગુનગુનાવતા તેઓ બહાર નીકળ્યા:

"પ્રકૃતિએ જે સ્થિતિ આપી એમાં જ આનંદ માણવો,

નવો રસ્તો, નૂતન શિરસ્તો આ ઘડીમાં જ જાણવો.

અંધકાર છવાય ત્યારે 'અમુલખ' પ્રકાશ સાંપડે છે,

અલૌકિક શક્તિ સંગ સદા સંબંધનો સેતુ બાધવો."

અને એક જંગ - એ - કૉરૉના વિનર મસ્તીથી ચાલી નીકળ્યો!