Page Views: 3639

સચિન જીઆઇડીસીમાં રૂ.5.42 કરોડના આ કામોમાંથી આવે છે ભ્રષ્ટાચારની દુર્ગંધ

સંકલિત વેરો ભરીને બેન્ડ વળી ગયેલા સચિનના ઉદ્યોગકારોના રૂપિયા ચાલાકી પૂર્વક દાઢીના વાળ કાળા કરવામાં ઉપયોગમાં લેવાતા હોવાની વાત

સુરત-(કિરીટ ત્રિવેદી દ્વારા- 91735-32179)

સચિન જીઆઇડીસીના વિકાસના કામોમાં ભ્રષ્ટાચારીઓ બેફામ બન્યા છે અને કોઇ પણ કામ એવું નથી હોતું જેમાં કેટલાક લેભાગુઓની મિલિ ભગત ન હોય એવુ કહેવામાં જરા પણ અતિશયોક્તિ નથી. સચિન જીઆઇડીસીમાં કુલ છ કામો પાછળ જે ખર્ચ કરવામાં આવ્યો છે તેમાં લાખો રૂપિયાની કટકી થઇ છે અને આ રકમ કોના ગજવામાં ગઇ છે એ તમામ ઉદ્યોગકારો જાણી રહ્યા છે. સચિન જીઆઇડીસીમાં તળાવ ખોદવાથી માંડીને બસ ખરીદવા સુધીના તમામ કામોમાં થયેલા ભ્રષ્ટાચારના રૂપિયા ચાલાકી પૂર્વક દાઢીના વાળ કાળા કરવામાં ઉપયોગમાં લેવાઇ ગયા હોવાનું પણ સચિનના ઉદ્યોગકાર અગ્રણીઓ જણાવી રહ્યા છે.

કામ નંબર-1 – રૂ. એક કરોડના ખર્ચે તળાવ ખોદીને માટી બારોબાર વગે કરી

સચિન જીઆઇડીસી ખાતે આવેલા તળાવને ઉંડુ કરવાના નામે એક કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો. તળાવની માટી ખોદવામાં આવ્યા બાદ તેને બારોબાર રોડ બનાવતા કોન્ટ્રાક્ટર સાથેની મિલિ ભગતમાં રોડ બનાવવાના કામ માટે વેચી દેવામાં આવી હોવાનું કહેવાય છે. આ તળાવ ઉંડુ થયા બાદ બે વર્ષ સુધી તેમાં પાણી પણ ભરવામાં આવ્યુ ન હતું. માટીના રૂપિયામાંથી કોની દાઢીના વાળ કાળા થયા એ તપાસનો વિષય છે.

કામ નંબર-2- રૂ.42 લાખનું વૃક્ષા રોપણ કૌભાંડ

સચિન જીઆઇડીસીને ગ્રીન ઝોન બનાવવાના નામે એક અગ્રણીએ પોતાના મળતિયાને વગર ટેન્ડરે રૂપિયા 42 લાખના ખર્ચે સચિન જીઆઇડીસી વિસ્તારમાં વૃક્ષા રોપણ કરવાનો કોન્ટ્રાક્ટ આપી દીધો હતો. આ કામમાં પણ મોટા પ્રમાણમાં ખાયકી થઇ ગઇ છે અને તે અંગે જીઆઇડીસીના ઉચ્ચ અધિકારીઓ સુધી ફરિયાદ પણ થઇ છે. માત્ર રૂ.100 કે 200માં મળતા છોડના પ્રત્યેકના રૂ.1100 ચુકવાયા છે અને રૂપિયા બારોબાર ચાંઉ થઇ ગયા હોવાનું કહેવાય છે.

કામ નંબર-3- રૂ.55 લાખની બે બસ ધૂળ ખાય છે

સચિન જીઆઇડીસીના કામદારોના નામે રૂપિયા 55 લાખમાં બે બસ ખરીદવામાં આવી હતી. બે બસોની ખરીદી બાદ તેના નિભાવ ખર્ચ સહિતની વાતે વિવાદ થયો હતો. હવે કોરોના કાળમાં છેલ્લા બે ત્રણ મહિનાથી આ બન્ને બસ રૂ.55 લાખના સફેદ હાથી સમાન પુરવાર થઇ છે અને હાલમાં સચિન જીઆઇડીસીના તળાવ પાસે ધૂળ ખાઇ રહી છે. આ બસની ખરીદી વખતે પણ વિવાદ થયો હતો અને આટલી બધી રકમ હવે ખુલ્લામાં વરસાદમાં પડી છે. કોના બાપની...

કામ નંબર-4- જુનું ફાયર સ્ટેશન તોડવાનો ખર્ચ રૂ.10 લાખ

કોટ વિસ્તારમાં રહેતા કાટપીટીયા તમારી જુની મિલકતો ઉતારીને કાંટમાળ લઇ જવા માટે સામેથી રૂપિયા આપે છે. પરંતુ સચિન જીઆઇડીસીના જુના ફાયર સ્ટેશનનું બાંધકામ એટલુ કમ નસીબ હતું કે, તેનો કાંટમાળ ઉતારવા માટે જીઆઇડીસીના વહીવટદારોએ વહીવટ કરવા માટે સામેથી રૂપિયા 10 લાખ આપ્યા. બોલો આ દસ લાખમાંથી કેટલી રકમ...

કામ નંબર-5- મજબુત ડિવાઇડર તોડી રૂ.1.50 કરોડના ખર્ચે તકલાદી ડિવાઇડર બનાવ્યા

સચિન જીઆઇડીસીના તમામ રોડ પર થોડા વર્ષ પહેલા જ લાખો રૂપિયાના ખર્ચે મજબુત રોડ ડિવાઇડર બનાવવામાં આવ્યા હતા. આ રોડ ડિવાઇડર સારા જ હતા તેમ છતાં નોટો ખાતી ઉધઇઓને એમાં પોલાણ દેખાયું અને રૂપિયા દોઢ કરોડના ખર્ચે નવા ડિવાઇડર બનાવવામાં આવ્યા જુના ડિવાઇડર મજબુત હોવા થતા જેસીબીથી તોડીને નવી તકલાદી પ્લેટો ફિટ કરવામાં આવી છે અને આ વિવાદ પણ મોટો છે જો તપાસ થાય તો ચીટીંગની ફરિયાદ દાખલ થઇ શકે તેમ છે.

કામ નંબર – 6- પોતાની તિજોરીમાં અજવાળું કરવા રૂ.1.50 કરોડના ખર્ચે સારી સ્ટ્રીટ લાઇટો તોડી નવી સ્ટ્રીટ લાઇટ નંખાવી

સચિન જીઆઇડીસીમાં ક્યાંથી ક્યા કામમાં રૂપિયા ઉસેટી શકાય એ શોધતા રહેતા ભ્રષ્ટ આગેવાન દ્વારા તાજેતરમાં જ જીઆઇડીસીની ચાલુ હાલતમાં તમામ સ્ટ્રીટ લાઇટોને ઉખેડીને તેના સ્થાને રૂપિયા 1.50 કરોડના ખર્ચે નવી સ્ટ્રીટ લાઇટ નંખાવી દીધી છે. આ કામમાં જીઆઇડીસીના રોડ પર અજવાળું થયું કે નહીં તે લોકોને ખબર નથી પરંતુ ચોક્કસ લોકોની તિજોરીમાં ખણખણતા સિક્કાઓથી અજવાળું ચોક્કસ થઇ ગયુ હોવાનું ઉદ્યોગકારોનું કહેવુ છે.

આમ સચિન જીઆઇડીસીના ઉદ્યોગકારો વેરા અને મેઇન્ટેનન્સ ભરી ભરીને તુટી રહ્યા છે અને બીજી તરફ ઉદ્યોગકારોની પરસેવાની કમાણીમાંથી બારોબાર ભ્રષ્ટાચાર આચરવામાં આવી રહ્યો છે. ખુલ્લેઆમ ચાલતી આ લુંટની રકમમાંથી કોની દાઢીના વાળને કલર થાય છે એ બધા જ ઉદ્યોગકારોને ખબર છે અને હવે આ મામલે ઉદ્યોગકારો લડાયક મુડમાં જોવા મળી રહ્યા છે. ત્યારે જોવાનું એ રહેશે કે આ પાપની કમાણી કરનારને ઉદ્યોગકારો સબક શીખવશે કે કેમ.