Page Views: 9132

આંન્ધ્ર પ્રદેશમાં સેનિટાઇઝર પીવાથી 10ના અને પંજાબમાં ઝેરી દારૂ પીવાથી 21 વ્યક્તિના મોત

પંજાબ સરકાર દ્વારા સમગ્ર ઘટના અંગે ન્યાયિક તપાસના આદેશ આપ્યા

નવી દિલ્હી-31-7-2020

આંધ્રપ્રદેશમાં સેનિટાઇઝર પીવાથી 10 અને પંજાબમાં ઝેરી દારૂ પીવાથી 2 દિવસમાં 21 લોકોના મોત થયા હતા. આંધ્રપ્રદેશની ઘટના બાદ પોલીસ શહેરના સેનિટાઇઝર સ્ટોકની તપાસમાં લાગી ગઇ છે. પંજાબ સરકારે ઘટના અંગે ન્યાયિક તપાસના આદેશ આપ્યા છે અને પોલીસે SITની રચના કરી છે. એક પોલીસ અધિકારીને સસ્પેન્ડ પણ કરવામા આવ્યો છે. ઝેરી દારૂ પીવાના લીધે અમૃતસરના મુચ્છલ ગામમાં ગુરૂવારે 8 લોકોના મોત થયા હતા. શુક્રવારે ફરી 4ના મોત થયા હતા. તરનતારનમાં 7 અને બટાલામાં 2 લોકોના મોત થઇ ચૂક્યા છે. મૃતકોના પરિવારજનોનો આરોપ છે કે આ ઘટના અંગે પોલીસે ફરિયાદ બાદ પણ કોઇ કાર્યવાહી કરી નથી. જાગીર કૌરે જણાવ્યું કે તેમનો દીકરો ગુરૂવારે ઘરે આવ્યો તો દારૂ પીધેલો હતો. ત્યારબાદ તેની તબિયત બગડી ગઇ. હોસ્પિટલ લઇ ગયા ત્યારે રાત્રે 9 વાગ્યે ડોક્ટર્સે તેને મૃત જાહેર કર્યો હતો. આંધ્રપ્રદેશના પ્રકાશમ જિલ્લાના કુરિચેડુ ગામમાં હેન્ડ સેનિટાઇઝર પીવાથી 10 લોકોના મોત થયા હતા. SP સિદ્ધાર્થ કૌશલે શુક્રવારે જણાવ્યું કે આ લોકો છેલ્લા અમુક દિવસોથી સોફ્ટ ડ્રિન્કમાં સેનિટાઇઝર મિક્સ કરીને પીતા હતા. લોકડાઉનમાં દારૂ ન મળવાના લીધે તેઓ આવું કરી રહ્યા હતા. પોલીસે જણાવ્યું કે આ મામલે તપાસ ચાલુ છે. મૃતકોના પરિવારજનોના જણાવ્યા પ્રમાણે આ લોકો છેલ્લા 10 દિવસથી સેનિટાઇઝર પી રહ્યા હતા. ઘટના બાદ શહેરમાં વેચાઇ રહેલા સેનિટાઇઝરના સ્ટોકની પણ તપાસ કરવામા આવશે.