Page Views: 20183

સ્કૂલ ફી માફીનો સરકારનો પરિપત્ર હાઇકોર્ટે રદ્ કર્યો

ખાનગી શાળા સંચાલક મંડળ વાલીઓને શક્ય એટલી રાહતો આપવા તૈયાર – અજય પટેલ

સુરત-31-7-2020

રાજ્ય સરકાર દ્વારા ખાનગી શાળા સંચાલકોને લોક ડાઉન દરમ્યાન ઓન લાઇન શિક્ષણ આપનારી શાળાઓને ફી નહીં લેવાના રાજ્ય સરકારના પરિપત્રને ગુજરાત હાઇકોર્ટ દ્વારા રદ્ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. પરિપત્રમાં દર્શાવવામાં આવેલા અન્ય મુદાઓ અંગે આગામી દિવસોમાં હાઇકોર્ટ દ્વારા વિગતવાર હુકમ જાહેર કરવામાં આવશે.

રાજ્યના શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ આ મામલે જણાવ્યું હતું કે, હાઇકોર્ટ દ્વારા રાજ્ય સરકાર, વાલી મંડળ અને ખાનગી શાળા સંચાલક મંડળને સાંભળીને વચગાળાનો આદેશ કર્યો છે અને રાજ્ય સરકાર દ્વારા ફી નહીં ઉઘરાવવાના મામલે જે પરિપત્ર જારી કર્યો હતો તેને રદ્ કરવાનો હુકમ કર્યો છે. આ સિવાયના જે મુદાઓ પરિપત્રમાં દર્શાવવામાં આવ્યા છે તેના મામલે હાઇકોર્ટ આગામી દિવસોમાં વિસ્તૃત ચુકાદો આપશે અ તેનો અભ્યાસ કરવામાં આવ્યા બાદ રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા સંપુર્ણપણે પાલન કરવામાં આવશે. શાળાઓમાં ઓન લાઇન શિક્ષણ કાર્ય ચાલુ રહેશે.

શાળા સંચાલક મંડળના એડવોકેટે જણાવ્યું છે કે, રાજ્ય સરકાર નિયમિત શાળાઓ શરૂ ન થાય ત્યાં સુધી ફી વસુલવી નહીં એવો પરિત્ર જારી કરી શકે નહીં. આ ઠરાવ કાયદાથી વિપરીત હોવાને કારણે શાળા સંચાલકોની જે રજૂઆત હતી તેને કોર્ટ દ્વારા ધ્યાનમાં લેવામાં આવી છે શાળાઓ સંચાલન માટે ખર્ચનું બેલેન્સ થાય તે આવશ્યક છે અ વાલીઓની પણ સમસ્યા છે શાળા સંચાલકો કોઇ જાતના નેગોશિએશન માટે તૈયાર ન હતા અને તેથી જ તેમણે ન્યાય માટે કોર્ટના શરણે જવાનું યોગ્ય માન્યું હતું. સ્વ નિર્ભર શાળા સંચાલક મંડળના પ્રમુખ અજય પટેલે આ મામલે જણાવ્યું હતું કે, જો કોઇ વાલીને વિદ્યાર્થીની ફી મામલે તકલીફ હોય તો તેઓ રૂબરૂ મળવા આવી શકે છે અ ફી ઘટાડા અથવા તો ફી માફી સુધીના નિર્ણયો અમે ભૂતકાળમાં પણ લીધા છે અને હજું પણ લઇશું. શિક્ષકો અને સ્ટાફનો પગાર પણ થાય અને તેમને આજીવિકા મળી રહે તે જોવાની પણ અમારી જવાબદારી છે. આવા સંજોગોમાં હાઇકોર્ટનો જે વિગતવાર હુકમ આવશે તેને અમે સ્વિકારીશું.