Page Views: 7122

યુ કે ગયેલા સિનિયર સિટિઝનની સારવારનો ખર્ચ ચુકવવાનો ઇન્કાર કરનાર વીમા કંપનીએ વ્યાજ સહિત ક્લેઇમ ચુકવવાની નોબત આવી

એડવોકેટ શ્રેયસ દેસાઇની દલીલો ગ્રાહ્ય રાખીને જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ ફોરમે બજાજ એલિયાન્સ કંપનીનો કાન આમળ્યો

સુરત-30-7-2020

વીમા કંપનીઓ દ્વારા ઇશ્યુ કરેલા ક્લેઇમો ખાસ કરીને મેડીક્લેઇમ ટ્રીટમેન્ટ સંબધિત ક્લેઇમો અને ખોટી રીતે નામંજૂર કરતા હોવાની બાબતની ફરિયાદો મોટી સંખ્યામાં સુરત જિલ્લાની ગ્રાહક અદાલતમાં દાખલ થાય છે. તેમાં પણ એક અપવાદરૂપ અને જવલ્લેજ બનતો કેસ સામે આવ્યો છે. ઇંગ્લેન્ડના પ્રવાસે ગયેલા સુરતના સિનિયર સિટીઝનની માંન્ચેસ્ટરમાં તબિયત બગડતા માન્ચેસ્ટરની હોસ્પિટલમાં લેવી પડેલી ટ્રીટમેન્ટ બાબતે વીમા કંપનીએ ટ્રીટમેન્ટ ખર્ચ અંગે માન્ચેસ્ટરની હોસ્પિટલને કેશલેસ ધોરણે સારવારની રકમ ચુકવી આપવાની એપ્રુવલ આપ્યા બાદ પાછળથી સારવારની રકમ ચુકવવાનો ઇન્કાર કરી દેતા માન્ચેસ્ટરની હોસ્પિટલે ભારત પરત આવી ગયેલા વીમેદાર પાસે ઉઘરાણી શરૂ કરી હતી. જેથી સિનિયર સિટીઝનએ ગ્રાહક સુરક્ષા ધારા હેઠળ કાનૂની કાર્યવાહી કરવી પડી હતી અને લગભગ નવ વર્ષના કાનૂની જંગ બાદ વીમા કંપનીને વ્યાજ વળતર, ખર્ચ સહિત ક્લેઇમની રકમ ચુકવવાની નોબત આવી છે.

સુરત શહેરના અડાજણ રોડ વિસ્તારના હસમુખલાલ ફુલચંદ પારેખે બજાજ એલિયાન્સ જનરલ ઇન્સ્યુરન્સ કંપની લિ. અને તેના બ્રાન્ચ મેનેજર વિરૂધ્ધ એડવોકેટ શ્રેયસ દેસાઇ મારફત સુરત જિલ્લા ગ્રાહક અદાલતમાં કરેલ ફરિયાદની વિગતો અનુસાર, ફરિયાદીએ તા.31મી માર્ચ 2009ના રોજ માન્ચેસ્ટર જવાનું હોવાથી બજાજ એલિયાન્સ ઇન્સ્યોરન્સ કંપની પાસેથી ટ્રાવેલ્સ

સિલ્વર નામથી ઓળખાતો વીમો રૂ.50 હજાર યુ એસ ડોલર એટલે કે તે જમાનાના રૂ.23 લાખનો વીમો લીધો હતો. ભારતમાં તે ડિપાર્ચરની તા.31 માર્ચ 2009થી વીમો શરૂ થતો હતો. અને ભારત પરત આવવાના દિવસ તા. 11 જુલાઇ 2009 સુધી અમલમાં રહેતો હતો. ફરિયાદી માન્ચેસ્ટરમાં ફરવા નિકળ્યા ત્યારે તેમને ડાબા અંગમાં નબળાઇ જણાઇ હતી અને પગમાં ઝણઝણાટી થઇ હતી. તેમને માન્ચેસ્ટરની ઓક્સફોર્ડ રોડ પર આવેલી એનએનએસએચ ફાઉન્ડેશન સંચાલિત યુનિવર્સિટીની હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા અને તેમની સારવાર કરવામાં આવી હતી. જેમાં એક્યુટ સ્ટ્રોક સેકન્ડરી ટુ રાઇટ ઇન્ટીરીયર કરીક્યુલમ ઇન્ફેકશનનું નિદાન થયું હતું. સારવાર બાદ તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. ફરિયાદી હોસ્પિટલમાંદાખલ થયા ત્યારે તેમણે ટ્રાવેલ ઇન્સ્યુરન્સ પોલીસની નકલ હોસ્પિટલમાં આપી હતી. હોસ્પિટલે બજાજ એલયાન્સ કંપનીને સંબધિત જાણ કરતા કેશલેસ બેઝ પર પેમેન્ટ લીધા વગર હોસ્પિટલમાંથી રજા આપી હતી. તેઓ નિયત શિડ્યુલ મુજબ પરત ભારત આવી ગયા હતા.

વીમા કંપનીએ હોસ્પિટલને બિલ ચુકવવા ઇન્કાર કર્યો હતો અને ડાયાબિટસ હોવાનું ન જણાવ્યાનો વાંધો લીધો હતો.

વીમા કંપનીના આવા વિરોધાભાસી વર્તનથી ફરિયાદીએ ત્રાસ ભોગવવો પડ્યો હતો. હોસ્પિટલે ફરિયાદી પાસે ઉઘરાણી કરીને પોતાની રકમ વસુલી લીધી હતી. વીમા કંપની સામે 8285 અમેરિકન ડોલર ચુકવ્યા હતા તે મેળવવા માટે પોતાના એડવોકેટ શ્રેયસ દેસાઇ મારફત વીમા કંપની સામે દાવો દાખલ કર્યો હતો. ગ્રાહક અદાલતે એડવોકેટ શ્રેયસ દેસાઇની દલીલોને ગ્રાહ્ય રાખીને વીમા કંપનીને એવો આદેશ આપ્યો હતો કે, ફરિયાદીને હોસ્પિટલનો ખર્ચ રૂપિયા સાડા ત્રણ લાખ ઉપરાંત નવ વર્ષનું 9 ટકા પ્રમાણે કુલ 81 ટકા વ્યાજ સહિત ફરિયાદ ખર્ચના અલગથી રૂપિયા દસ લાખ ચુકવી આપવા.