Page Views: 7059

આગાહી સાચી પડી સૌરાષ્ટ્રમાં ધોરમાર વરસાદ

દરિયાપટ્ટીના વિસ્તારો અને રાજકોટ સહિત સર્વત્ર એકથી ત્રણ ઇંચ વરસાદ નોંધાયો

રાજકોટ-30-7-2020

 સૌરાષ્ટ્રમાં વરસાદી માહોલ જામ્યો છે. દરિયાઈ પટ્ટીના સીમર, દાંડી, સેજલિયા, સૈયદ રાજપરા સહિતના ગામોમાં ધોધમાર વરસાદ આજથી શરૂ થયો છે. કોડીનાર અને ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ વરસ્યો હતો. ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ શરૂ થતા ખેડૂતોમાં હર્ષની લાગણી જોવા મળી રહી છે. રાજુલા શહેરમાં પણ મૂશળધાર વરસાદ વરસતા રસ્તા પર પાણી ભરાયા છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. રાજુલામાં એક કલાકમાં બે ઈંચ વરસાદ નોંધાયો છે. કોડીનારમાં 2 ઈંચ વરસાદ નોંધાયો છે. જ્યારે તાલાલા અને શિહોરમાં 1-1 ઈંચ વરસાદ નોંધાયો છે.

બાબરા પંથકમાં કાળા ડિબાંગ વાદળો વચ્ચે ધોધમાર વરસાદ શરૂ થયો હતો. બાબરાના ખાખરિયા, કરિયાણા, જામબરવાળા સહિ નાં ગામોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે

ગીર સોમનાથ જિલ્લામાં પણ આજે સવારના 10 વાગ્યાથી ધોધમાર વરસાદ શરૂ થયો છે. ગીર ગઢડાના ધોકડવા, નગડીયા, જસાધાર, મોહબતપરા, અંબાડા, મોતીસર સહિતના ગામોમાં ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે. સારા વરસાદથી મગફળી અને કપાસના પાકને નવું જીવન મળ્યું છે. ગીર સોમનાથના શહેરી વિસ્તારોમાં પણ સારા વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરતા લોકોએ અસહ્ય ગરમીમાંથી રાહત મેળવી છે. તેમજ તાલાલા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં પણ મેઘરાજાની પધરામણી થઈ ચૂકી છે. રાજકોટ શહેરમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો. રાજકોટમાં અસહ્ય બફારા બાદ બપોરે ધોધમાર વરસાદ શરૂ થયો હતો.શહેરના યાજ્ઞિક રોડ, માધાપર ચોકડી, ગ્રીન લેન્ડ ચોકડી, સોરઠિયા વાડી સર્કલ, રૈયા ચોકડી, દૂધ સાગર રોડ સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. ધોધમાર વરસાદ પડતા લોકોને ગરમીથી રાહત મળી હતી.

જસદણ પંથકમાં ઘણા દિવસો બાદ ભડલી, વડોદ, ગોડલાધાર, કડુકા સહિતના ગામોમાં સારો એવો વરસાદ પડ્યો હતો. પાકને વરસાદની તાતી જરૂરિયાત હોય ત્યારે જ વરસાદ પડતા ખેડૂતોમાં આનંદની લાગણી ફેલાઈ ગઈ હતી. હાલ કપાસ અને મગફળીના પાકને વરસાદની તાતી જરૂરિયાત હોય ત્યારે જ વરસાદ આવતા આનંદની લાગણી ફેલાઇ ગઇ હતી. હજુ જસદણમાં ખેડૂતો ધોધમાર વરસાદની રાહ જોઈ રહ્યા છે.