Page Views: 50047

સંતાન સુખ જ દાંપત્ય જીવનને પરિપુર્ણ બનાવે છે - એક પ્રશ્ન

પ્રશાંત અને દીપા સાળુંકેના જીવનની સત્ય ઘટના

(પ્રશાંત સાળુંકે અને દીપા પ્રશાંત સાળુંકે: ખુશહાલ દંપતી. બંને એકમેકને જોતાં ખામોશ બેઠાં હતાં. લગ્નજીવનના સાડ સોળ દાયકા વીતી ચૂક્યા હતા. જોવનના અનેક રંગો ખુશીના અને ગમના જોઈ ચુક્યા હતા  દરેક પતિ-પત્નીને લગ્ન પછીની એક તીવ્ર ઝંખના હોય છે: સંતાનસુખની આ વખતે વાપીના નૂતન તુષાર કોઠારી 'નીલ'ની કલમે જાણીએ આ દંપતીના જીવનની એક ઘટના. આપના પ્રતિભાવ જરૂરથી જણાવશો. અમારા માટે એ અણમોલ છે અને સમાજમાંથી આવા વિરલ પ્રસંગો આપની સમક્ષ રજૂ કરવાનો ઉત્સાહ વધારે છે. આપ 91735 32179  નંબર પર આપ આપનો પ્રતિભાવ આપશો તો ગમશે.)

 

વાપી-નૂતન તુષાર કોઠારી નીલ દ્વારા

        પ્રશાંત અને દીપા અપલક નેત્રે દેવશ્રી અને વેદશ્રીને હેતથી નિહાળી રહ્યાં હતાં. બંનેનો મીઠ્ઠો ઝઘડો માણી રહ્યાં હતાં. બંનેના ચહેરા પર મીઠું સ્મિત ઝળકી રહ્યું હતું. 

પ્રશાંતે દીપાનો હાથ પકડીને કહ્યું, "કેવી ચહકતી ચિડિયા જેવી બંને કલબલ કરે છે નહીં!"

"હા, આ બંનેથી તો જીવન હર્યુંભર્યું થઈ ઉઠ્યું છે." દર્દની એક લકીર બંનેની આંખમાં પળવાર અંકાઈને ભૂંસાઈ ગઈ! શું હતું એ લકીરમાં?

       હા, એ બંનેને શેર માટીની ખોટ હતી. હું અહીં 'ખોટ હતી' શબ્દ જ વાપરીશ! કારણ? પાછળથી આપ સૌ જાણશો. લગ્ન પછીનું બંનેનું જીવન ખૂબ જ પ્રફુલ્લિત હતું. પ્રેમના અમીઘૂંટ પીતાં સુખી દામ્પત્યજીવન વીતી રહ્યું હતું. થોડાં વર્ષો બાદ એક દિવસ સુખનો સૂરજ ઉગી નીકળ્યો અને દીપાના ચહેરા પર મોનાલિસા જેવું મિલિયન ડૉલર સ્મિત ઝળકી ઉઠ્યું! પણ એ સુખને જાણે કે કોઈની નજર લાગી ગઈ! સુવાવડ, કસુવાવડમાં પલટાઈ ગયા! પતિ પ્રશાંતે દીપાને સંભાળી લીધી. એ બંનેનું ઑલટાઈમ ફેવરિટ ગીત સંભળાવીને એને ખુશ રાખતો.

 “જબ કોઈ બાત બિગડ જાયે, જબ કોઈ મુશ્કિલ પડ જાયે.

તુમ દેના સાથ મેરા, ઓ હમનવા.. તુમ દેના સાથ મેરા, ઓ હમનવા.”

 આ ગમને ભૂલાવીને ફરીથી જિંદગી સુખની પટરી પર દોડવા લાગી.ફરીથી

ગર્ભધારણ અને ફરીથી એ જ ગર્ભપતનનું ચક્ર ચાલ્યું. દીપા તૂટી ચૂકી હતી. પ્રશાંત પણ ભાંગી ચૂક્યો હતો પણ એણે પુરુષ હોવાના નાતે સ્વસ્થતાનો મુખવટો પહેરવો પડ્યો અને પતિ હોવાના નાતે પત્નીને પ્રેમથી સંભાળી લીધી. હવે બંનેના સંસારમાં એક અકળ ઉદાસી ધીમે પગલે પ્રવેશ કરવાનો પ્રયત્ન કરી રહી હતી પણ એમ ઉદાસીને પ્રવેશવા દે એ બીજાં આ સાળુંકે દંપતી નહીં!

    લોકોએ અનેક સલાહસૂચનો કર્યાં કે આ બાધા રાખો, પેલી માનતા રાખો; કોઈએ કૂખ બાંધી દીધી છે તો એના માટે આ મંત્ર-તંત્રવિદ્ પાસે જાવ, ફલાણાં ડૉક્ટર...પાર વગરના અધધ ઉપાયો! કોઈપણ દંપતી વિચલિત થઈ જાય પણ પ્રશાંતે શાંત ચિત્તે વિચાર કર્યો. એ એક લેખક હતો અને પોતાની વાર્તા, નવલકથા માટે સતત સંશોધન કર્યા કરતો અને જરૂર પડે તો કથામાં વાસ્તવિકતા લાવવા માટે તાલીમ પણ લઈ લેતો. આમ જ એક નવલકથા માટે એ 'રેકી' શીખ્યો હતો અને એણે એ પ્રયોગ દ્વારા દીપાને 'હીલિંગ' કરીને સફળતાપૂર્વક પાર પાડ્યું. આ વખતે તેઓ કોઈ જ જોખમ ઉઠાવવા માગતો નહોતો.

      બે બે વખત થયેલા મિસ કેરેજ બાદ ત્રીજીવાર સારા દિવસો રહ્યા હતા. એમના ઘરમાં ખૂબ જ ખુશીનો માહોલ હતો. વર્ષોની ઇંતેજારી બાદ હવે ઘરમાં પારણું બંધાવાનું હતું. પરંતુ જાણે કુદરતથી તેઓની ખુશી જોવાઈ નહીં હોય તેમ એક રાતે દીપાને અચાનક પેટમાં દુઃખાવો થવા લાગ્યો. તેની હાલત ખૂબ જ બગડતા તેને તાત્કાલિક  ઘરની નજીક આવેલી હોસ્પિટલમાં ખસેડી હતી. દીપાની ટ્રીટમેન્ટ પહેલેથી જ આ ખ્યાતનામ હોસ્પિટલમાં ચાલતી હોવાથી તેને દાખલ કરવા માટે કોઈ ઝાઝી વિધિઓ કરવી પડી નહીં. નર્સોએ આવીને દીપાને સ્ટ્રેચર પર સુવડાવી અને તેને ઝડપથી આઈ.સી.યુ.માં લઇ ગયા. 

(ક્રમશઃ વધુ સોમવારેે )

 

????