Page Views: 15268

સુરતમાં પાંચ દિવસમાં એક હજારથી વધુ કેસ નોંધાતા મુખ્યમંત્રી સુરતની મુલાકાતે

ક્લેકટર કચેરી ખાતે અધિકારીઓ અને ડોક્ટરો સાથે બેઠક

સુરત-4-7-2020

સુરત શહેરમાં કોરોનાનું સંક્રમણ ચિંતા જનક રીતે વધી રહ્યું છે. રાજ્યના આરોગ્ય સચિવ જયંતી રવિ એક સપ્તાહથી સુરતમાં છે ત્યારે આજે સવારે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સુરતની મુલાકાતે આવ્યા છે. જિલ્લા સેવા સદન ક્લેકટર કચેરી ખાતે મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીએ, મુખ્ય અધિક સચિવ કે.કૈલાસનાથન, પાલિકા કમિશનર બંછાનીધિ પાની અને 12 ધારાસભ્યો સાથે બેઠકનો દૌર શરૂ કર્યો છે. સુરત શહેરમાં છેલ્લા પાંચ દિવસમાં જ કોરોનાના એક હજારથી વધારે કેસ નોંધાયા છે એટલે કે રોજના 200થી વધારે કેસ આવી રહ્યા છે. સુરતમાં કોરોનાના સંક્રમણને અટકાવવા માટે શું પગલા ભરી શકાય અને હજુ પણ કેટલી તકેદારી રાખવાની આવશ્યકતા છે તે અંગે આ બેઠકમાં ચર્ચા વિચારણા હાથ ધરવામાં આવી છે. ઉપરાંત શહેરમાં હાલમાં હોસ્પિટલોમાં કોરોનાના દર્દીઓની સારવાર માટે કેટલા બેડ છે અને વધારાની શું સુવિધાની આવશ્યકતા છે તેના અંગે પણ વિમર્શ કરવામાં આવી રહ્યો છે. શહેરમાં જે પ્રકારે લોક ડાઉન પછી કોરોનાનું સંક્રમણ વધ્યુ છે અને મહાનગર પાલિકા કમિશનરની તાકીદ પછી પણ અનેક ધંધા રોજગારમાં સોશિયલ ડિસ્ટન્સનું પાલન ન થતું હોવાની ફરિયાદો ઉઠી રહી છે. આ તમામ સંજોગોમાં હવે આગામી દિવસોમાં શું પગલા ભરવા તે અંગે પણ આયોજન હાથ ધરવામાં આવ્યુ છે.