Page Views: 19227

દ્રારકા અને કંડલા બંદર વિસ્તારને હિકા વાવાઝોડું ઘમરોળશે

આગામી 2જીથી 4થી જૂન વચ્ચે 120 કિલો મીટરની ઝડપે પવન ફુંકાવા સાથે વાવાઝોડું ત્રાટકશે-દ્વારકા અને ઓખા બંદર પર એક નંબરનું સિગ્નલ લગાવાયુ

અમદાવાદ-30-5-2020
રાજ્યના દરિયા કિનારાના વિસ્તારોમાં હાલમાં હિકા વાવાઝોડાનું સંકટ ઉભુ થયુ છે. અરબી સમુદ્રમાં ડીપ ડિપ્રેશનને કારણે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયા કિનારા તરફ આગળ વધી રહેલુ આ વાવાઝોડું મોટુ સંકટ લઇને આવશે અને તેના કારણે દરિયા કિનારાના અનેક વિસ્તારોમાં મોટા પ્રમાણમાં જાન માલની નુકસાની થવાનો અંદાજ મુકવામાં આવી રહ્યો છે. હાલમાં દ્રારકા અને ઓખા બંદર પર એક નંબરનું સિગ્નલ મુકવામાં આવ્યુ છે અને માછીમારોને દરિયો ન ખેડવા માટેની સૂચનાઓ આપવામાં આવી છે. 
હવામાન વિભાગ પાસેથી મળતી વિગતો અનુસાર, અરબી સમુદ્રમાં દક્ષિણ ગુજરાત તરફના ભાગમાં ડીપ ડિપ્રેશનને કારણે જે સિસ્ટમ ઉભી થઇ છે તેને હિકા વાવાઝોડાનું નામ આપવામાં આવ્યુ છે. હિકા વાવાઝોડું દ્વારકા, ઓખા અને કંડલા બંદર તરફ આગળ વધી રહ્યુ છે અને આગામી તારીખ 2જી થી 4થી જૂન વચ્ચે આ હિકા વાવાઝોડુ દરિયા કિનારે ટકરાશે ત્યારે ધોધમાર વરસાદ સાથે 120 કિલો મીટરની ઝડપથી પવન ફુંકાશે. હિકા વાવાઝોડું દ્રારકા, ઓખા અને કંડલા બંદરની આસપાસના તમામ વિસ્તારોને ઘમરોળશે. આ વિસ્તારોમાં માછીમારોને દરિયામાં ન જવા માટે તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે. તેમજ સૌરાષ્ટ્ર તરફના દરિયા કિનારાથી વાવાઝોડું રાજકોટ મોરબી પંથકમાં થઇને રાજસ્થાન તરફ ફંટાઇ જશે એવુ માનવમાં આવી રહ્યું છે. 
હિકા વાવાઝોડાની અસરને પગલે જ સમગ્ર રાજ્યના હવામાનમાં બદલાવ આવ્યો છે અને ગત રોજથી જ રાજ્યમાં વાદળછાંયુ વાતાવરણ જોવા મળી રહ્યું છે સાથો સાથ કેટલાક વિસ્તારોમાં વરસાદી છાંટા પણ પડ્યા હોવાનું જાણવા મળી રહ્યુ છે. હિકાની અસરને કારણે જ સુરત ઉપરાંત નવસારી અને વલસાડ પંથકમાં પણ વરસાદી ઝાપટા સાથે તોફાની પવન ફુંકાવાની આગાહી કરવામાં આવી છે.