Page Views: 11143

રાજ્યમાં લોક ડાઉન-5માં કન્ટેન્ટમેન્ટ ઝોન સિવાયના વિસ્તારોમાં વધારે છૂટ આપવા વિચારણા

લોકોના ધંધા રોજગારથી માંડીને અનેક પ્રશ્નો અંગે ઉચ્ચસ્તરીય બેઠકમાં ચર્ચા હાથ ધરવામાં આવી

ગાંધીનગર-29-5-2020

કોરોનાના કહેરને નાથવા માટે છેલ્લા બે મહિનાથી સમગ્ર રાજ્યમાં લોક ડાઉનનો અમલ કરવામાં આવી રહ્યો છે જો કે, લોક ડાઉન 4માં રાજ્ય સરકારે કન્ટેન્ટમેન્ટ ઝોન સિવાયના વિસ્તારોમાં ધંધા રોજગાર રાબેતા મુજબ થાય તેના માટે પ્રયાસો કરીને કેટલીક વિશેષ છૂટછાટ આપી હતી. હવે લોક ડાઉન-4 પુર્ણ થવામાં માત્ર ત્રણ દિવસ બાકી રહ્યા છે ત્યારે લોક ડાઉન-5માં લોકોને મહત્તમ છૂટ આપવાનું રાજ્ય સરકાર દ્વારા વિચારવામાં આવી રહ્યુ છે. ખાસ કરીને જે વિસ્તાર કન્ટેન્ટમેન્ટ ઝોનમાં નથી આવતો ત્યાં દુકાનો સહિત નાના મોટા ઔદ્યોગિક એકમો ચાલુ થાય અને લોકોને થોડી ઘણી રોજગારી મળી રહે તેના માટે પ્રતિબંધોને હળવા કરવામાં આવશે. ખાસ કરીને નાના કારખાનાઓ અને જીવન જરૂરીયાતની ચીજવસ્તુઓ લોકોને મળી રહે તે માટે પણ પ્રયાસો કરવામાં આવશે. લોક ડાઉન પાંચની રૂપરેખા તૈયાર કરવા માટે ગાંધીનગર ખાતે ઉચ્ચ સ્તરીય બેઠક મળી હતી જેમાં કેટલાક મુદાઓ પર ચર્ચા વિચારણા હાથ ધરવામાં આવી હતી. ખાસ કરીને જે વિસ્તારો કન્ટેન્ટમેન્ટ ઝોનમાં નથી આવતા તેમાં જન જીવન રાબેતા મુજબનું થાય તેના માટે પગલા ભરવામાં આવશે એવુ નક્કી કરવામાં આવ્યુ હોવાનું કહેવાય છે. જો કે, રાજ્યના અમદાવાદ, સુરત અને વડોદરા જેવા સેન્ટરોમાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા વધી રહી છે અને આ શહેરોમાં લોક ડાઉનમાં છૂટછાટ માટે હાલ પુરતી કોઇ મોટી યોજના નથી. રાજ્ય સરકાર દ્વારા આગામી 31મી તારીખે તમામ શહેરોના ક્લેકટર અને પાલિકા કમિશનર સહિત પોલીસ અધિકારીઓ સાથે સ્થિતિની સમીક્ષા કરવામાં આવશે અને ત્યાર બાદ લોક ડાઉન 5માં ક્યાં કેટલી છૂટછાટ આપવી તે અંગે નિર્ણય લેવાશે. જો કે, રાજ્ય સરકાર કોરોનાગ્રસ્ત વિસ્તારોમાં જે વિસ્તારો કન્ટેન્ટમેન્ટ ઝોનમાં આવે છે તેમાં કોઇ પણ પ્રકારની છુટ આપવા માંગતી નથી. તેમજ તેમાં લોક ડાઉનનો કડક અમલ થાય એવો નિર્ણય કરાયો છે. તેમ છતા રાજ્યના 80 ટકા વિસ્તારોને કોરોના લોક ડાઉન 5માં મહત્તમ છુટ આપવામાં આવશે એવુ હાલ લાગી રહ્યુ છે.