Page Views: 26197

રિંગરોડની માર્કેટો બંધ છે ત્યારે જસ માર્કેટના ટેરેસ પર ગેરકાયદેસર રીતે મોબાઇલ ટાવર ઉભો કરી દેવાયો

પાલિકા કમિશનર છુટ ન આપે ત્યાં સુધી માર્કેટો ખોલવાની નથી તો જસ માર્કેટના ટેરેસ સુધી સામાન કઇ રીતે પહોંચ્યો- વિડીયો અને ફોટો વાયરલ થતા જસ માર્કેટના વેપારીઓમાં રોષ ફેલાયો

સુરત-28-5-2020
એક તરફ કોરોનાને કારણે સુરત શહેરના રિંગરોડ પર આવેલી તમામ ટેક્સટાઇલ માર્કેટો છેલ્લા બે મહિનાથી બંધ છે. વેપારીઓને દુકાનો ખોલવાની સખત મનાઇ છે અને પાલિકા કમિશનર તેમજ ક્લેકટર દ્વારા પણ આ સમગ્ર વિસ્તાર રેડ ઝોનમાં આવતો હોવાથી દુકાનો ખોલવા બાબતમાં હજુ કોઇ ચોક્કસ નિર્ણય લીધો નથી. ત્યારે લોક ડાઉનનો લાભ લઇને કેટલાક લોકો દ્વારા રિંગરોડ પર આવેલી જસ માર્કેટના ધાબા પર મોબાઇલ ટાવર ઉભો કરવાની કામગીરી ચાલુ કરી હોવાનો વિડીયો અને ફોટા સોશિયલ મિડીયામાં વાયરલ થયા છે. જેના કારણે વેપારીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. જો લોક ડાઉનમાં વેપારીઓને દુકાનો કે માર્કેટ ખોલવા પર પ્રતિબંધ છે તો આ મોબાઇલ ટાવર ઉભો કરવાની કાર્યવાહી કોના કહેવાથી ચાલુ થઇ છે તે પણ એક સવાલ છે. 
વિગતો અનુસાર, આજે સવારથી જ રિંગરોડ પર આવેલી જસ માર્કેટના ટેરેસ પર ગેરકાયદેસર રીતે મોબાઇલ ટાવર ઉભો કરવામાં આવી રહ્યો હોવાનો વિડીયો અને ફોટા સોશિયલ મિડીયામાં વાયરલ થયા છે. છેલ્લા બે મહિનાથી રિંગરોડની ટેક્સટાઇલ માર્કેટોને બંધ કરાવી દેવામાં આવી છે અને કોરોનાનો કહેર ઓછો ન થાય ત્યાં સુધી તે ચાલુ કરવા અંગેનો નિર્ણય પાલિકા કમિશનર લેવાના છે. બે દિવસ પહેલા પણ પાલિકા કમિશનરે પોતાની ટીમ સાથે ટેક્સટાઇલ માર્કેટ વિસ્તારની મુલાકાત લઇને સ્થિતિનો તાગ મેળવ્યો હતો.

તેમજ તમામ માર્કેટો અને દુકાનોને સાફ સફાઇ કરી સેનેટાઇઝ કરવા સાથે ચોક્કસ સોશિયલ ડિસ્ટન્સ જાળવવાની શરતે જો શક્ય હશે અને યોગ્ય લાગશે તો આગામી 1લી જુનથી માર્કેટ ચાલુ કરવા અંગે નિર્દેશ આપશે એવુ જણાવ્યુ છે. આવા સંજોગોમાં રિંગરોડની જસ માર્કેટના ટેરેસ પર કોના ઇશારે મોબાઇલ ટાવર ઉભો કરવામાં આવી રહ્યો છે. ગેરકાયદેસર રીતે ટેરેસ પર મોબાઇલ ટાવર ઉભો કરવામાં આવતો હોવાની વાત સોશિયલ મિડીયામાં વહેતી થતા વેપારીઓમાં રોષ જોવા મળી રહ્યો છે તેમજ જો માર્કેટ ખોલવાની કે દુકાનો ચાલુ કરવાની કોઇને પરમીશ નથી ત્યારે આટલી હેવી ગડરો અને એન્ગલો સહિતની સાધન સામગ્રી લઇને મજુરો કોના કહેવાથી માર્કેટના ટેરેસ પર પહોંચ્યા અને તેમણે ગેરકાયદેસર રીતે મોબાઇલ ટાવર ઉભો કરવાની કામગીરી હાથ ધરી એ એક સવાલ છે. 
જસ માર્કેટના વેપારીઓ દ્વારા આ મામલે પાલિકા કમિશનર અને ક્લેક્ટર સહિતના તમામ સત્તાધિશોને આવેદનપત્ર આપવામાં આવશે ઉપરાંત ફોસ્ટાના પદાધિકારીઓને પણ રજૂઆત કરવામાં આવશે. આ મોબાઇલ ટાવરને પાલિકા દ્વારા તાકિદના ધોરણે દૂર કરવામાં આવે એવી માંગણી પણ વેપારીઓ દ્વારા કરવામાં આવી રહી છે. 

 

0
 Advanced issue found