Page Views: 7289

ટેક્સટાઇલ અને ડાયમંડ માર્કેટ ચાલુ કરવા અંગે ચેમ્બર દ્વારા પાલિકા કમિશનરને અનુરોધ

બન્ને માર્કેટોમાં ભીડ વધારે જમા થતી હોવાથી પ્રશ્ન વિચારણા હેઠળ હોવાનું જણાવતા પાલિકા કમિશનર

સુરતઃ-28-5-2020

ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા આજે બપોરે ૧રઃ૦૦ કલાકે કોવિડ– ૧૯ અને પ્રવર્તમાન પરિસ્થિતિમાં ટેક્ષ્ટાઇલ અને ડાયમંડ માર્કેટ ખોલવા અંગે સુરત શહેરના મ્યુનિસિપલ કમિશનર શ્રી બંછાનિધી પાની (આઇ.એ.એસ.) સાથે વિશેષ ચર્ચાનું આયોજન કરવામાં આવ્યુ હતુ.

ચેમ્બરના પ્રમુખ શ્રી કેતન દેસાઇએ જણાવ્યુ હતુ કે, સુરતમાં આશરે રપ લાખ જેટલા શ્રમિકો જુદા–જુદા રાજ્યોમાંથી આવીને વસ્યા છે ત્યારે કન્ટેનમેન્ટ એરિયામાં છેલ્લાં બે મહિનાથી બંધ ટેક્ષ્ટાઇલ અને ડાયમંડ માર્કેટને ખોલવા તેમજ રાજમાર્ગ ઉપર આવેલી રીટેલની જવેલરી શો રૂમ સહિતની દુકાનોને ખોલી આર્થિક પ્રવૃત્તિઓને ફરીથી ધમધમતી કરવા માટે અનુરોધ કર્યો હતો. તદુપરાંત મહાપાલિકાને વર્ષના પ્રોપર્ટી ટેક્ષમાં રાહત આપવા, ઇન્ડસ્ટ્રી તથા ઓફિસ–દુકાનોમાં સેનીટાઇઝેશન માટે સહાય કરવા તેમજ કન્ટેનમેન્ટ વિસ્તારમાં બંધ બેંકો અને એટીએમને લોકોની મુશ્કેલીને ધ્યાનમાં રાખીને ખોલવા માટે અનુરોધ કર્યો હતો. બેંકોમાં પ્રોપર્ટી લીઝ કરીએ ત્યારે રીયલ એસ્ટેટના અગ્રણીઓને મહાપાલિકાનો ટેક્ષ ઘણો વધારે લાગતો હોવાથી તેમાં પણ ઘટતું કરવા તેમણે અનુરોધ કર્યો હતો.

ચેમ્બરના ઉપપ્રમુખ દિનેશ નાવડીયાએ વરાછા અને મહિધરપુરાની ડાયમંડ માર્કેટમાં એસોટીંગના કામ માટે ઓફિસો શરૂ કરવા માટે પરવાનગી આપવા મ્યુનિસિપલ કમિશનરને અનુરોધ કર્યો હતો. ડાયમંડ માર્કેટમાં વધારે ભીડ જમા ન તેની તકેદારી રાખવા માટે તેમણે કમિશનરને આશ્વાસન પણ આપ્યુ હતુ.

સુરત મ્યુનિસિપલ કમિશનર બંછાનિધી પાનીએ જણાવ્યુ હતુ કે, સુરત શહેરમાં તમામ લોકોએ જે રીતે મદદ કરી છે તે માટે તમામ શહેરીજનોનો સૌપ્રથમ આભાર માનુ છે. ગુજરાતનો પ્રથમ કેસ આપણને સુરતમાં ૧૭મી માર્ચના રોજ મળ્યો હતો. કોરોનાનો ચેપ અન્યોને ન લાગે એના માટે ટ્રેકીંગ, ટેસ્ટીંગ, ટ્રિટમેન્ટ અને આઇસોલેશન જેવી સ્ટ્રેટેજી બનાવીને બધા લોકોના સહકારથી કોરોના સામેની લડાઇમાં આગળ વધ્યા હતા. કોરોના ઉપર કાબૂ મેળવવા કલેકટરશ્રી, પોલીસ કમિશનરશ્રી અને સ્થાનિક વિવિધ સંસ્થાઓ સાથે મળીને કો–ઓર્ડીનેટ અને ઇન્ટીગ્રેટ એપ્રોચ અપનાવી કલસ્ટર અને કન્ટેનમેન્ટ ઝોન નકકી કર્યા હતા. જ્યાં પણ કેસો મળે છે ત્યાં કોન્ટ્રાકટ ટ્રેસીંગ કરીને તેને આઇસોલેટ કરી ચેપને અટકાવવા માટે પ્રયાસ કરીએ છીએ. કોરોનાના કેસો કઇ રીતે શૂન્ય થાય તે દિશામાં પ્રયાસ કરીએ છીએ.

ટેક્ષ્ટાઇલ માર્કેટ અને ડાયમંડ માર્કેટ ખોલવા અંગે તેમણે જણાવ્યુ હતુ કે, આર્થિક પ્રવૃત્તિઓને વેગ આપવાનું અમે પણ ઇચ્છીએ છીએ. ટેક્ષ્ટાઇલ માર્કેટ સુરતના સેન્ટ્રલ અને લિંબાયત ઝોનમાં આવે છે ત્યારે લિંબાયત ઝોન કોરોના માટે હોટસ્પોટ હોવાથી વધારે લોકોને તેનો ચેપ લાગવાની શકયતા રહેલી છે. વરાછા અને મહિધરપુરા હીરાબજારમાં પણ ખૂબ જ ભીડ જોવા મળે છે. આથી ભવિષ્યમાં તંત્રને મેનેજ કરવુ અઘરુ થઇ શકે છે. આથી પોઝીટીવ કેસવાળા વિસ્તારોને રિવિઝીટ કરી એકયુટ રિસ્પેરીટી ઇન્ફેક્‌શનના કેસ ન આવતા હોય તો કન્ટેન્મેન્ટ એરીયા વિશે વિચાર કરીશું. આ અંગે મહાપાલિકામાં એક આંતરીક મિટીંગ કરીને કન્ટેનમેન્ટ એરિયામાં ભવિષ્યમાં કઇ રીતે પ્લાનીંગ કરવું તેના વિશે વિસ્તૃતપણે ચર્ચા કરીને નિર્ણય લેવામાં આવશે તેમ જણાવ્યુ હતુ.

ચેમ્બર અથવા અન્ય સંસ્થાઓ વ્હીકલની વ્યવસ્થા કરશે તો મહાપાલિકા તેઓને સેનીટાઇઝેશન માટે વિનામૂલ્યે સોડીયમ હાઇપોક્‌લોરાઇટ આપશે. તેમણે વધુમાં જણાવ્યુ હતુ કે, અત્યારે સુરતમાં બેલેન્સીંગ એકટીવિટી થઇ શકે તેમ છે, પરંતુ ૮૦ ટકા લોકો લક્ષણ વગરના આવે છે. ઘણી મોટી સંસ્થાઓમાં પણ ચેપ લાગ્યો છે. મહાપાલિકા, પોલીસ, ડોકટર અને કલેકટર ઓફિસના કર્મચારીઓ પણ પોઝીટીવ થયા છે. સુરતમાં સિવિલ અને સ્મીમેર હોસ્પિટલ સિવાય કોઇ વ્યવસ્થા નથી. ખાનગી હોસ્પિટલને અત્યારે ડિસ્ટર્બ કરવી નથી પણ ભવિષ્યમાં સ્થિતિને જોઇને નિર્ણય લેવામાં આવશે. 

વધુમાં નોન કન્ટેનમેન્ટ એરિયામાં છુટછાટ આપી છે ત્યારે ઓફિસ જતા કર્મચારીઓને એક મોટરસાયકલ ઉપર બે જણાને મંજૂરી આપવા તેમજ તે અંગે લોકોને ખોટી હેરાનગતિ ન થાય એના માટે પોલીસ વિભાગ સાથે સંકલન સાધવા માટે પણ કમિશનરશ્રીને અનુરોધ કરવામાં આવ્યો હતો. આ અંગે ચર્ચા કરીને યોગ્ય નિર્ણય લઇશું તેમ તેમણે જણાવ્યુ હતુ. 

તેમણે વધુમાં કહયુ હતુ કે, અત્યારે રિવર્સ માઇગ્રેશન થઇ રહયું છે. રાજસ્થાન અને સૌરાષ્ટ્રમાંથી લોકો સુરતમાં પાછા આવી રહયાં છે. સુરતની ઇકોનોમી ચાલશે પણ તેના પહેલા પ્રોટોકલ નકકી કરવો પડશે. જેથી કરીને કોઇને ચેપ ન લાગે. વર્કપ્લેસ ઉપર શુ કાળજી રાખવાની છે તે અંગે મહાપાલિકાએ માર્ગદર્શિકા આપી છે. કોવિડ માટે સિવિલ હોસ્પિટલ અને નોન કોવિડ માટે સ્મીમેર હોસ્પિટલમાં વ્યવસ્થા ઉભી કરી છે. રોબો થકી સિવિલ અને સ્મીમેરમાં દર્દીઓ સુધી મેડીસીન અને ફૂડ પહોંચાડવાની વ્યવસ્થા ઉભી કરાઇ છે. પબ્લીક હેલ્થમાં ઇન્ફેકશનને કન્ટ્રોલ કરવા માટે ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કર્યો છે. એના કારણે આપણે સારુ પરિણામ મેળવી શકયા છીએ. 

તેમણે વધુમાં જણાવ્યુ હતુ કે ચાઇના, સાઉથ કોરીયા અને સિંગાપોર જેવા ઘણા દેશોમાં લોકડાઉનમાં રાહત આપ્યા બાદ ફરીથી લોકડાઉન કરવામાં આવ્યુ છે. કોરોનાની કોઇ મેડીસીન નથી પણ ભૂખમારીની દવા ઇન્ડસ્ટ્રી અને ઇકોનોમિક એકટીવિટી છે. લોકોને ફૂડ મળી રહે તે માટે ઇન્ડસ્ટ્રી ચાલુ કરવી પડશે. પણ એના માટે પૂરતી કાળજી રાખવી પડશે. લોકડાઉન ૪.૦માં કેન્દ્ર અને રાજ્ય સરકારે કેટલીક છુટછાટ આપી છે ત્યારે ઇન્ડસ્ટ્રી અને ઇકોનોમિક એકટીવિટીઝ માટે ખૂબ જ તકેદારી રાખવી પડશે. માસ્ક તો પહેરવુ જ પડશે, પરંતુ માસ્કને હાથ અડાડવાથી અને હાથ ચહેરા પર લગાવવાથી પણ કોરોનાનો ચેપ લાગવાની શકયતા રહે છે. ખાસ કરીને પાનના ગલ્લે સોશિયલ ડિસ્ટન્સીંગ બાબતે ખૂબ જ ગંભીર બેદરકારી જોવા મળી હતી. 

લોકડાઉન દરમિયાન તંત્રની સામે જે કઇપણ મુશ્કેલીઓ આવી અને તે મુશ્કેલીમાંથી બહાર નીકળવા માટે તંત્ર દ્વારા જે પ્રયાસ કરવામાં આવ્યા તે વિશે તેમણે વિસ્તૃતપણે માહિતી આપી હતી. તેમણે કહયુ હતુ કે, લોકડાઉન થયા બાદ આઇસી એકટીવિટી કરી. બાર ભાષામાં આઇસી જનજાગૃતિ અભિયાન ચલાવ્યુ હતુ. જેમાં લોકોની ખૂબ જ મદદ મળી છે. સ્મીમેર હોસ્પિટલમાં મલ્ટીલેવલ પાર્કીંગને પ૪૦ બેડ સાથેના આઇસોલેશન વોર્ડમાં કન્ટવર્ટ કરાઇ છે. સાથે જ ૧પ લાખથી વધુ ગરીબ લોકોને ખૂબ જ સંકલિત રીતે ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી. સાડા છ લાખ લોકોને વિનામૂલ્યે બસોમાં રેલ્વે સ્ટેશન પહોંચાડયા છે. તેમણે વધુમાં કહયુ હતુ કે, સુરતમાં કોરોનાના જેટલા કેસો મળ્યા એમાંથી ૮૦ ટકા લોકોને ડાયાબિટીઝ, હાયપર ટેન્શન, હૃદય અને કિડનીની તકલીફ હતી. એવા કેસોમાં ખૂબ જ કાળજી રાખવી પડતી હોય છે. જેટલા લોકો પોઝીટીવ થાય છે તેઓના નજીકના લોકો જેવા કે પરિવાર, મિત્ર વર્તુળ વિગેરે ઇન્ફેકટ થવાની શકયતા વધી જાય છે. એના માટે સુરતમાં વીસ લાખ પરિવારોને હોમિયોપેથી દવા આપી છે. જેનાથી તેઓની રોગપ્રતિકારક શકિત વધી શકે. હાર્ટ રિલેટેડ અને રેટીનોપથીના પ્રશ્ન હોય એ સિવાયના લોકો હાઇરીસ્ક કોન્ટેકટ હોય તો આ લોકો હોમિયોપેથી દવાની લઇ શકે છે. ફૂટબેઇઝ્‌ડ હેન્ડ વોશીંગ મશીનનો ઉપયોગ કર્યો છે. ફુટબેઇઝ્‌ડ હેન્ડ સેનીટાઇઝર મશીન આવી ગયુ છે. ઘણુ બધુ ઇનોવેશન સુરતમાં થયુ છે. સોડીયમ હાઇપોક્‌લોરાઇટ સુરતને મળી જાય છે. ચેમ્બરના માનદ્‌ મંત્રી  ધીરેન થરનારીએ વેબીનારનું સંચાલન કર્યુ હતુ. અંતે ચેમ્બરના ઉપપ્રમુખ  દિનેશ નાવડીયાએ સર્વેનો આભાર માની વેબીનારનું સમાપન કર્યુ હતુ.